Sardar Gurjari

બુધવાર, તા. ૧૧ ડિસેેમ્બર, ૨૦૨૪, માગશર સુદ ૧૧, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૧૭૪

મુખ્ય સમાચાર :
પહેલા ગુજરાતની તમામ સરકારી ઓફિસોમાં સ્માર્ટ મીટર લગાવી પ્રયોગ થશે
સરકારી ઓફિસોમાં પ્રયોગ સફળ થયા પછી જ નવા સ્માર્ટ મીટર ઘરોમાં લગાવવામાં આવશે
23/05/2024 00:05 AM Send-Mail
ગુજરાતમાં સુરત અને વડોદરામાં સ્માર્ટ મીટરને લઇને છેલ્લા એક અઠવાડિયાથી વિરોધ થઇ રહ્યો છે. ત્યારે હવે સરકારે સૌ પહેલા ગુજરાતની તમામ સરકારી ઓફિસોમાં સ્માર્ટ મીટર લગાવી ટેસ્ટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. સરકારી ઓફિસોમાં પ્રયોગ સફળ ગયા પછી જ નવા સ્માર્ટ મીટર ઘરોમાં લગાવવામાં આવશે.

ઊર્જા વિભાગના એમડી જયપ્રકા શિવહરેએ જણાવ્યું હતું કે લોકોનો વિશ્વાસ જીતી અને પછી પ્રોજેકટ આગળ વધારીશું. કોઇ જબરજસ્તી કરવામાં આવશે નહી, સરકારી કચેરીમા સ્માર્ટ મીટર લગાવીશું. જયાં મીટર લાગ્યા છે ત્યાં લોકોને સમજાવાશે. પેન્ડિંગ બિલ ઇએમઆઇમાં લેવામાં આવતા હતા. જૂના અને નવા મીટરની રકમ બેલેન્સ કરવામાં આવશે. વપરાશ પ્રમાણે ટેરિફ પ્લાન છે એટલે ટેરિફ સમજી લોકો વિચારણા કરે. લોકોને સંતોષ થાય તે બાદ જ આગળ વધીશું. હાલ સરકારી કચેરીમાં શરૂઆત કરીશું.

વધુમાં જણાવ્યું હતું કે મીડિયામાં રિપોર્ટેડ તમામ કેસ શોધવા પ્રયાસ કર્યા છે. તમામ કેસમાં તપાસ કરાવી છે, એક પણ બાબતમાં તથ્ય જોવા મળ્યું નથી. જયારથી કન્ઝયુમર તરીકે છે ત્યારથી અમારી પાસે ડેટા છે. જે લોકો સ્માર્ટ મીટરમાં અત્યારસુધી ચૂકવણી કરી રહ્યા છે તેમને જો કોઇ ફરિયાદ આવે એમાં તપાસ કરવા માટે અમે કટિબદ્ઘ છીએ.