ડાકોરમાં માતેલા સાંઢની જેમ આવતી કાર ચા-નાસ્તા-ગલ્લાની કેબિનોમાં ઘુસી ગઈ, ૬ ઘાયલ
કારમાં સવાર યુવક અને યુવતી ઉતરીને ફરાર થઈ ગયા, કારના ફુરચેફુરચા ઉડી ગયા
મહુધા-ડાકોર રોડ ઉપર આવેલા ગાયોના વાડા પાસે આજે બપોરના બે વાગ્યાના સુમારે પુરપાટ ઝડપે આવી ચઢેલી અલ્ટરોઝ કાર રોડની સાઈડમાં આવેલા ચા-નાસ્તા તેમજ પાન-બીડીના ગલ્લામાં ઘુસી જતાં છને વત્તા ઓછા પ્રમાણમાં ઈજાઓ થવા પામી હતી જેમને તુરંત જ સારવાર માટે ડાકોરની રેફરલ હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે ડાકોર પોલીસે કાર્યવાહી હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ડાકોર-મહુધા રોડ ઉપર આવેલા ગાયોના વાડા પાસે સૈયાંત રોડ ઉપર કેટલીક ચા-નાસ્તા તેમજ પાન-બીડીના ખુમચાઓ આવેલા છે. આજે બપોરના સવા બે વાગ્યાના સુમારે મહુધા તરફથી એક કાર નંબર જીજે-૩૮, બીઈ-૪૩૬૮ની પુરપાટ ઝડપે આવી પહોંચી હતી. લગભગ ૧૦૦ની સ્પીડે આવતી કારના ચાલકે ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતા જ સો મીટર દુરથી કાર ત્રાંસી થઈ ગઈ હતી અને જોતજોતામાં જ ઓટલા તોડીને ચા-નાસ્તાના ખુમચા અને રાવજીભાઈ ઉદેસિંહ પરમારના પાનના ગલ્લામાં ઘુસી ગઈ હતી જેને લઈને ત્યાં ઉભેલા છ જેટલા વ્યક્તિઓ અડફેટમાં આવી જતાં તેમને હાથે-પગે તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવા
પામી હતી.
ધડાકાભેર કાર ઘુસી જતાં જ આજુબાજુ ઉભેલા રહીશોએ નાશભાગ મચાવી મુકી હતી. કારના પણ ફુરચેફુરચા ઉડી જવા પામ્યા હતા. કારમાં સવાર એક યુવક અને યુવતી બહાર નીકળીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ ડાકોર પોલીસ અને ૧૦૮ મોબાઈલ વાનને કરવામાં આવતાં તેઓ આવી પહોંચ્યા હતા અને ઘવાયેલા પાંચેય વ્યક્તિઓને સારવાર માટે ડાકોરની રેફરલ હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. સુત્રોના જણાવ્યા અનુસાર અકસ્માત સર્જનાર કારનો ચાલક ધ્રુવભાઈ ચૌહાણ (રે. બાવળા)નો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તેના વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. ઘવાયેલાઓમાં રોશનભાઈ મહેશભાઈ વસાવા (ઉ. વ. ૨૨, રે. માતર)જીવણભાઈ મંગળભાઈ વસાવા (રે.ડાકોર), ધર્મેશભાઈ રાજુભાઈ વસાવા (ઉ. વ. ૧૫, રે. ડાકોર), શારદાબેન જીવણભાઈ વસાવા (ઉ. વ. ૬૦, રે. ડાકોર), જગદીશભાઈ ચંદુભાઈ વસાવા (ઉ. વ. ૪૦, રે. ડાકોર) અને જયાબેન જગદીશભાઈ વસાવાનો સમાવેશ થાય છે.