૪૬.૬ ડિગ્રી સાથે અમદાવાદ રાજયનું સૌથી હોટ સિટી છેલ્લા ૧૨૭ વર્ષમાં ૫મી વખત પારો ટોચ પર પહોંચ્યો
-રાજયના મોટાભાગના જિલ્લાઓમાં હીટવેવની અસર રહેશે -હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં રેડ એલર્ટ જાહેર
અમદાવાદનું તાપમાન દરરોજ આ વર્ષ રેકોર્ડ તોડી રહ્યું છે. ત્યારે આજે રાજયભરમાં અમદાવાદનું મહત્તમ તાપમાન નોંધાયું છે. શહેરમાં સવારથી એટલે કે ૧૦ વાગ્યાથી ગરમી સતત વધી રહી હતી અને બપોરના ૧૨ વાગે૪૨.૪ ડિગ્રીએ પહોંચી હતી. ત્યારબાદ બપોરે ૪.૫૫ વાગે દિવસ દરમિયાનનું મહત્તમ તાપમાન૪૬.૬ ડિગ્રી નોંધાયું હતું. જયારે ગાંધીનગરનું મહત્તમ તાપમાન ૪૬ ડિગ્રી રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા હજુ પણ આવતીકાલે અમદાવાદ, ગાંધીનગરમાં રેડએલર્ટ જાહેર કર્યુ છે.એટલ કે, આવતીકાલે પણ હજુ તાપમાન ૪૬ ડિગ્રી કરતા વધુ રહી શકે છે.
આજે રાજયના ૬ શહેરોનું મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રી કરતા વધુ રહ્યું હતું.જેમાંથી અમદાવાદ અને ગાંધીનગરનું તાપમાન ૪૬ ડિગ્રીને પાર કરી ગયું હતું. ઉલ્લેખનીય છે કે, આજે અમદાવાદનું મહત્તમ તાપમાન ૪૬.૬ ડિગ્રી રહ્યું હતું. જે અમદાવાદ માટે છેલ્લા ૧૨૭ વર્ષમાં બે મહિનાનું પાંચમું સૌથી વધુ મહત્તમ તાપમાન છે. અમદાવાદ ૪૬.૬ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે આજે ગુજરાતનું સૌથી ગરમ અને દેશનું આઠમુ સૌથી ગરમ શહેર બન્યું છે.
તો બીજી તરફ સુરેન્દ્રનગરમાં ૪૫.૯, કચ્છના કંડલામાં ૪૫.૫, ડીસામાં ૪૫.૪ અને વડોદરામાં ૪૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હજુ પણ આગામી ત્રણ દિવસ ગુજરાત રાજય મોટા ભાગના જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આજે અમદાવાદમાં ગરમી ૪૬ ડિગ્રીને પાર કરી જતાં શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. ગરમીના કારણે પેટમાં દુ:ખાવો, ઝાડા ઉલટી,માથાનો દુ:ખાવો, ચક્કર આવવા, ભારે તાવ જેવા ગરમીને લગતા કેસોમાં વધારો થતો હોય છે. આજે ૪૬ ડિગ્રી તાપમાનના કારણે અમદાવાદની જુદી જુદી હોસ્પિટલમાંકુલ ૩૬ લોકોએ ગરમીને લઇને સારવાર લીધી હતી.જેમાં સૌથી વધુ શહેરના પૂર્વ વિસ્તારમાં ૩૩ લોકોએ સારવાર લીધી હતી.ઉત્તર ઝોનમાં ૧૦, દક્ષિણ ઝોનમાં ૨૦ અનેપૂર્વ ઝોનમાં૩ લોકોએ સારવાર લીધી હતી.જયારે ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમમાં એક-એક લોકોએ સારવાર લીધી હતી.
આ ઉપરાંત રાજયના મોટાભાગના જિલ્લાઓમાં હીટવેવની અસર રહેશે. ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ અમદાવાદ -ગાંધીનગરમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આથી બે દિવસ દરમિયાન શહેરીજનોએ બહાર નીકળતા પહેલા ચેતી જવું જોઇએ નહીં તો બિમારી નોતરી શકો છો.