Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
આણંદમાં ભયજનક સ્થિતિમાં ફેરવાયેલ સરકારી કવાર્ટરમાંથી સલામત સ્થળે જવા કર્મચારીઓ તૈયાર નથી!
જૂની સિવિલ કોર્ટ પાછળ ૪૦ વર્ષ જૂના સરકારી વસાહતના ૧થી ૪ બ્લોકના કુલ ૬૬ કવાટર્સ ખાલી કરવા ગત વર્ષ જાણ કરાઇ હતી : ૧૫ મહિના અગાઉ ગાંધીનગરની ટીમે સર્વ કરીને ભયજનક કેટેગરીના સરકારી કવાર્ટર ખાલી કરવા નોટિસ આપી હતી : કવાટર્સ પર નોટિસ લગાવવા છતાંયે ૧૧થી વધુ પરિવારો ભયજનક સ્થિતિના કવાર્ટરમાં રહેતા હોવાની ચિંતાજનક સ્થિતિ
24/05/2024 00:05 AM Send-Mail
સરકારી મકાનમાં રહેનાર કર્મચારીના પગારમાંથી ૧૦ ટકા કપાય, ન રહે તો નિયમોનુસાર એચઆરએ મળે
સરકારના જુદા જુદા વિભાગોમાં નોકરી મેળવનાર કર્મચારીઓને તે વિભાગને ફાળવાયેલ કવાર્ટરમાં રહેવાની સુવિધા ઉપલબ્ધ થતી હોય છે. જો કે કવાર્ટર ખાલી ન હોય તો કર્મચારીએ ભાડાનું મકાન કે અન્ય વ્યવસ્થા કરવી પડે છે. સૂત્રોનુસાર સરકારી મકાનમાં રહેનાર કર્મચારીના પગારમાંથી ૧૦ ટકા એચઆરએ કપાય છે. પરંતુ કવાર્ટરમાં ન રહેનાર કર્મચારીને નિયમોનુસાર એચઆરએની પગારમાં ચૂકવણી કરવામાં આવતી હોય છે.

કવાર્ટર ખાલી ન કરનાર કર્મચારીને વીજ-પાણી કનેકશન કાપવાની નોટિસ આપી છે : જિલ્લા તંત્ર : તમામ ૪ બ્લોક ખાલી થયા બાદ તેને ઉતારી લેવાશે, મંજૂરી બાદ નવા કર્વાટરનું બાંધકામ કરાશે
ગાંધીનગર માર્ગ-મકાન વિભાગની ટીમના નિર્દેશાનુસાર જિલ્લા તંત્ર દ્વારા પ્રિમોન્સૂન કામગીરીના ભાગરુપે જોખમી હાલતના સરકારી કવાર્ટરમાં રહેતા કર્મચારીઓને અગાઉ નોટિસ મોકલવામાં આવી હતી. છતાંયે હજીયે વસવાટ કરતા ૧૧ જેટલા કર્મચારીઓને સત્વરે કવાર્ટર ખાલી નહીં કરે તો તેમનું વીજળી,પાણીનું કનેકશન કાપવાની નોટિસ મોકલવામાં આવી છે. ચારેય બ્લોકના તમામ કવાર્ટર ખાલી થયા બાદ તેને ઉતારી લેવાની કામગીરી હાથ ધરાશે. ત્યારબાદ આ જગ્યા ખાલી હોવાની નોંધ સહિતનો અહેવાલ ગાંધીનગર મોકલવામાં આવશે. ત્યાંથી બજેટ ફાળવાયા બાદ આ સ્થળે નવા કવાર્ટર બનાવવાની કામગીરી હાથ ધરાશે.

આણંદમાં જૂની સિવિલ કોર્ટ પાછળ વર્ગ ૩ અને વર્ગ ૪ના સરકારી કર્મચારીઓને રહેવા માટે લગભગ ૧૯૮રમાં ૩ માળના એક એવા ૪ બ્લોક તૈયાર કરાયા હતા પ્રત્યકે બ્લોકમાં ૧૬ કવાર્ટર હતા. છેલ્લા કેટલાક વર્ષોથી આ કવાર્ટર જોખમી હાલતમાં ફેરવાઇ રહ્યાની રજૂઆતના પગલે ગત વર્ષ ગાંધીનગરની ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવી હતી. જેમાં સર્વ સહિતના આકલન બાદ બ્લોક ૧થી૪ને ભયજનક કેટેગરીમાં ગણવામાં આવ્યા હતા. જેથી અહીં રહેતા કર્મચારીઓને કવાર્ટર ખાલી કરવા જણાવાયું હતું. પરંતુ અનેક કર્મચારીઓ હજીયે ભયજનક કવાર્ટર છોડીને સલામત સ્થળે જવા તૈયાર ન હોવાની સ્થિતિ જોવા મળી રહી છે.

ગાંધીનગરથી ગત વર્ષ આ વસાહતના સર્વ માટે આવેલ ટીમના સદસ્યએ જણાવ્યુ ંહતું કે, ગ્રાઉન્ડ ફલોર અને ૩ માળના ચાર બ્લોક ૪૦ વર્ષ કરતા વધુ સમય થયો હોવાથી જૂના અને જર્જરિત હાલતમાં ફેરવાયા છે. આ ચાર બ્લોકમાં કુલ ૬૬ કવાર્ટર હતા, જે કર્મચારીઓને ફાળવવામાં આવ્યા હતા. પરંતુ સર્વ બાદ આ કવાર્ટર જોખમી અને ભયજનક સ્થિતિમાં હોવાનું જણાયું હતું. જેથી સલામતી માટે ૩૧ મે,ર૦ર૩ પહેલા ખાલી કરવા કર્મચારીઓને ર૦ ફેબ્રુ.ર૦ર૩ના રોજ નોટિસ આપવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, મોટાભાગના કર્મચારીઓ કવાર્ટર ખાલી કરીને અન્યત્ર શીફટ થઇ ગયા છે. પરંતુ ૧૧થી વધુ કવાર્ટર હજી સુધી ખાલી કરાયા નથી. મતલબ કે તેમાં રહેતા કર્મચારીઓ કવાર્ટરની જોખમી હાલતથી જ્ઞાત હોવા છતાંયે સરકારના આદેશનું પાલન કર્યુ નથી. જેથી રાજય તંત્રના આદેશના પગલે જિલ્લા તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવાનું આયોજન કરાયું છે. નોંધનીય છે કે, સરકારના વિવિધ વિભાગોમાં નોકરીમાં જોડાનાર કર્મચારીને સરકાર દ્વારા કવાર્ટર ફાળવવામાં આવતા હોય છે. જો કે કર્મચારીઓની વધતી સંખ્યા સામે નિયત સંખ્યામાં કવાર્ટર હોય તો નામ નોંઘણી કરવામાં આવતી હોય છે. જેમાં કવાર્ટર ખાલી થતા પછીના ક્રમના કર્મચારીને ફાળવણી કરાય છે. જૂની સિવિલ કોર્ટ પાછળ ૪૦ વર્ષ જૂના ચાર બ્લોકની બાજુમંા થોડા સમય અગાઉ બે નવા બ્લોક તૈયાર કરાયા હતા. જેમાં નિયમોનુસાર કર્મચારીઓને ફાળવવામાં આવ્યા હતા. આ ઉપરાંત સાઇંબાબા વસાહત, ગામડી વસાહતમાં કર્મચારીઓ વસવાટ કરી રહ્યા છે.