સોજીત્રામાં રોગચાળો ફેલાતા વર્ષોજૂની પાણી-કચરાના ઢગની સમસ્યા હલ !
તમામ ૧૦ પાણી લીકેજની મરામત પૂર્ણ, કુલ ૬પ પૈકી હાલ ૩ દર્દી સારવાર હેઠળ
કલોરીનેશન પ્લાન્ટ ,ગટર અને પાણીની સમસ્યા અગાઉ સત્તા-વિપક્ષ વચ્ચે હુંસાતુંસીનો મામલો બનતી
સોજીત્રામાં પીવાના ચોખ્ખા પાણીની સમસ્યાને હલ કરવા માટે અગાઉ કલોરીનેશન પ્લાન્ટ મંજૂર કરાયો હતો. પરંતુ તે સમયે સત્તા અને વિપક્ષ વચ્ચે ખેંચતાણના પગલે પ્લાન્ટની કામગીરી ઓનપેપર જ રહી ગઇ હતી. દરમ્યાન શહેરમાં અનેક જગ્યાએ દૂષિત પાણી આવી રહ્યાની સમસ્યાનું કોઇ નિરાકરણ લવાયું નહતું. ઉલ્ટાનું સત્તા અને વિપક્ષ વચ્ચે હુંસાતુંસી અને ખંેંચતાણ જોવા મળતી. આવી જ સ્થિતિ ઉભરાતી ગટરો અને લીકેજ પાઇપલાઇનોના રીપેરીંગ મામલે પણ જોવા મળતી.
જો કે સ્થાનિકોનો ઉહાપોહ થાય ત્યારે ટેન્ડરીંગ પ્રકિયા હાથ ધર્યા સહિતના કારણો રજૂ કરાતા. જયારે કેટલીક પ્રજાલક્ષી કામગીરી હાથ ધરાય ત્યારે યેનકેન પ્રકારે વિરોધ રજૂ કરાયાની સ્થિતિ નગરજનોએ જોઇ હતી. આમ, વર્ષોજૂની સમસ્યાઓનો તાજેતરમાં ચીફ ઓફિસર અને વહીવટદાર દ્વારા નિકાલ કરવામાં આવી રહ્યો છે ત્યારે પૂર્વ કાઉન્સિલરો વચ્ચે આ અમારી રજૂઆત હતી, અમે કામ કરાવ્યુંના પ્રચારની સોશિયલ મીડિયામાં હોડ જામ્યાનું પણ જોવા મળી રહ્યું છે. જો કે શાણા નગરજનો સમગ્ર બાબતો જાણતા હોવાથી શાણા બનીને ગમ્મતની મજા માણી રહ્યા છે.
સોજીત્રામાં પીવાના પાણીની લાઇનમાં લીકેજના કારણે ફેલાયેલા રોગચાળાને નિયંત્રણના ભાગરુપે શહેરભરમાંથી વર્ષોજૂની ઉભરાતી ગટરો, લીકેજ પાઇપલાઇનો અને ખડકાયેલા કચરાના ઢગ ખસેડવાની કામગીરી આજે યુદ્વના ધોરણે તંત્ર દ્વારા આટોપવામાં આવી હતી.
સોજીત્રામાં છેલ્લા પખવાડિયાથી દૂષિત પાણીજન્ય રોગચાળાના કારણે ઝાડા-ઉલ્ટીના દર્દીઓની સંખ્યામાં ક્રમશ: વધારો નોંધાયો હતો. જેમાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા બે દિવસથી હાથ ધરાયેલ સર્વમાં શહેરીજનોને પીવાનું પાણી પુરું પાડતી પાઇપલાઇનમાં દસ લીકેજ જોવા મળ્યા હતા.
જેને સત્વરે રીપેર કરાવવાની સૂચનાના પગલે સોજીત્રા પાલિકાના વહીવટદાર-મામલતદાર ગૌરવ કાપડીયા અને ચીફ ઓફિસર દ્વારા તાબડતોબ કામગીરી હાથ ધરીને આજે સાંજ સુધીમાં તમામ લીકેજની મરામત પૂર્ણ કરી હતી.
જિલ્લા આરોગ્ય અધિકારી ડો.દીપક પરમારના માર્ગદર્શન હેઠળ એપેડેમીક મેડીકલ ઓફીસર ડો.રાજેશ પટેલ સહિત અધિકારી-કર્મચારીઓની ટીમે અસરગ્રસ્ત વિસ્તારોમાં પાણીના નમૂના, કલોરીનેશન-ટેબલેટ વિતરણ સહિતની કામગીરી હાથ ધરી હતી. જેમાં પાણી કલોરીનેશન ટેસ્ટમાં ૧૪૩ પૈકી ૪૮ નેગેટીવ અને ૯પ પોઝીટીવ હોવાનો રિપોર્ટ આવ્યો હતો. જયારે તપાસ માટે પાણીના ૧૯ સેમ્પલ લેવામાં આવ્યા હતા.
સોજીત્રામાં રોગચાળાના નોંધાયેલા કુલ ૬પમાંથી ૬ર દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી છે. જયારે હાલ ૩ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેથી સ્થિતિ હવે નિયંત્રણ હેઠળ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.