Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
ચૂંટણી આયોગની વેબસાઇટ પર ૪૮ કલાકમાં બૂથવાઇઝ વોટિંગ ડેટા, ફોર્મ ૧૭સી ડેટા અપલોડ કરવા અરજી કરાઇ હતી
ચૂંટણી પંચને બૂથ વાઇઝ ડેટા અપલોડ કરવાનો નિર્દેશ ન આપી શકીએ : સુપ્રીમ કોર્ટ
ટીએમસી નેતા મહુઆ મોઇત્રા, કોંગ્રેસ નેતા પવન ખેડા અને એનજીઓ એસો. ફોર ડેમોક્રેટીક રીફોર્મ્સ મતદાનમાં ફરક આવવા અંગે અરજી કરી હતી : લોકસભા ચૂંટણીમાં હવે ફકત બે તબકકાનું મતદાન બાકી છે, આ સંજોગોમાં ડેટા અપલોડ કરવા મેનપાવર એકત્ર કરવો ચૂંટણી પંચ માટે મુશ્કેલ: ન્યાયાધીશોની બેન્ચ
25/05/2024 00:05 AM Send-Mail
ચૂંટણી આયોગે એફિડેવિટમાં ત્રણ બાબતો દર્શાવી
ચૂંટણી આયોગે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલ એફીડેવિટમાં જણાવ્યું હતું કે, ફોર્મ ૧૭સી(દરેક મતદાન મથક પર થયેલ મતદાનનો રેકોર્ડ)ના આધાર પર મતદાન ડેટાનો ખુલાસો કરવાથી મતદારો વચ્ચે ભ્રમ પેદા થશે, કારણ કે તેમાં બેલેટ પેપરની ગણતરી પણ સામેલ હોય છે. વધુમાં કહયું હતું કે, એવો કોઇ કાયદો નથી કે જેના આધાર પર તમામ મતદાન કેન્દ્રોનો ફાઇનલ ડેટા જાહેર કરવા કહી શકાય. ફોર્મ ૧૭સી ફકત પોલિંગ એજન્ટને અપાય છે. તે કોઇ અન્ય વ્યકિત કે સંસ્થાને આપવાની અનુમતિ નથી. ફોર્મ ૧૭સી તે પ્રમાણપત્ર છે જેને જિલ્લાધિકારી પ્રમાણિત કરીને દરેક ઉમેદવારોને આપે છે. આયોગે જણાવ્યું હતું કે, કેટલીક વખત હાર-જીત વચ્ચેનું અંતર ખૂબ ઓછું હોય છે. સામાન્ય મતદાન ફોર્મ ૧૭સીના અનુસાર બુથ પર થયેલ કુલ મતદાન અને બેલેટ પેપરને આસાનીથી સમજી શકાતા નથી. જેમાં તેનો ખોટી રીતે દૂરપયોગ ચૂંટણી પ્રકિયા પર કલંક લગાવવા માટે પણ થઇ શકે છે, જેનાથી વર્તમાન ચૂંટણીમાં અવ્યવસ્થા ફેલાઇ શકે છે.

સુપ્રીમ કોર્ટે આજે ચૂંટણી આયોગની વેબસાઇટ પર ૪૮ કલાકની અંદર બુથ વાઇઝ મતદાન ડેટા અને ફોર્મ ૧૭સી ડેટા અપલોડ કરવાનો નિર્દેશ આપવાથી ઇન્કાર કરી દીધો હતો. ટીએમસી નેતા મહુઆ મોઇત્રા, કોંગ્રેસ નેતા પવન ખેડા અને એનજીઓ એસોસીએશન ફોર ડેમોક્રેટિક રીફોર્મ્સ દ્વારા આ અરજી કરવામાં આવી હતી.

ન્યાયાધીશ દીપાંકર દત્તા અને ન્યાયાધીશ સતીશચંદ્ર શર્માની વેકેશન બેન્ચે સુનાવણી દરમ્યાન કહયું હતું કે, લોકસભા ચૂંટણીના પ તબકકાનું મતદાન થઇ ચૂકયું છે. હવે ફકત બે તબકકાનું મતદાન બાકી છે. આ સંજોગોમાં ડેટા અપલોડ કરવા માટે મેનપાવર એકત્ર કરવો ચૂંટણી આયોગ માટે મુશ્કેલ બનશે. ચૂંટણી બાદ રેગ્યુલર બેન્ચ આ મામલાને જોશે.

લોકસભા ચૂંટણી શરુ થયા બાદ મતદાનના દિવસે ચૂંટણી આયોગ દ્વારા ટર્નઆઉટ જાહેર કરવામાં આવે છે. તેના કેટલાક દિવસો બાદ આ મતદાનના આ તબકકાના ફાઇનલ ડેટા જાહેર કરાય છે. કોંગ્રેસ, એડીઆર અને તૃણમુલે બંને ડેટામાં અંતર આવ્યા બાદ સવાલ કર્યો હતો અને સુપ્રીમમાં અરજી કરી હતી. અરજી અનુસાર, ચૂંટણી આયોગે ૧૯ એપ્રિલના પ્રથમ તબકકાના મતદાનના ૧૧ દિવસ બાદ અને ર૬ એપ્રિલના બીજા તબકકાના મતદાનના ચાર દિવસ બાદ ૩૦ એપ્રિલે ફાઇનલ મતદાન ટકાવારી જાહેર કરવામાં આવી હતી. જેમાં મતદાનના દિવસે જાહેર કરાયેલ શરુઆતના આંકડાની સરખામણીએ મતદાનની ટકાવારી લગભગ પથી ૬ ટકા વધુ હતી. એડીઆરએ સુપ્રીમ કોર્ટથી માંગ કરી હતી કે, ચૂંટણી આયોગે મતદાન થયાના ૪૮ કલાકની અંદર દરેક પોલિંગ બૂથ પર કરાયેલ મતદાનના આંકડા જાહેર કરવા જોઇએ તેણે અરજીમાં ફોર્મ ૧૭ની સ્કેન કરેલ કોપી પણ ચૂંટણી આયોગની વેબસાઇટ પર અપલોડ કરવાની માંગ કરી હતી. ૧૭ મેના રોજ સુપ્રીમ કોર્ટે ચૂંટણી આયોગ પાસે જવાબ માંગ્યો હતો. જેનો આયોગે જવાબ આપ્યો હતો.