જમ્મુ-કાશ્મીર : વિદ્યાર્થીને જાણી જોઈને નાપાસ કરનાર યુનિવર્સીટીને એક લાખ વળતર તરીકે ચૂકવવા આદેશ
પુન:મુલ્યાંકનમાં વિદ્યાર્થીને ૪૦ માર્ક્સ મળ્યા, પરંતુ યુનિ.ના નિયમ અનુસાર ઘટાડીને ૩૪ કરી દેતા ફરી નાપાસ થયો હતો
જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટ દ્વારા કાશ્મિર યુનિવર્સીટીને ફટકાર લગાવતા એક વિદ્યાર્થીને એક લાખ રૂપિયા ૬ ટકા વાર્ષિક વ્યાજ સાથે વળતર પેટે ચુકવવા આદેશ આપ્યો છે. કોર્ટે સત્ર ૨૦૧૭-૧૮ના બીએના ૫માં સેમેસ્ટરની પરીક્ષામાં અંગ્રેજીના એક પેપરમાં ખોટુ મુલ્યાંકન કરવા પર આ આદેશ આપ્યો હતો.પીડિત વિદ્યાર્થીએ આરોપ લગાવ્યો હતો કે, તેનું પેપર યોગ્ય રીતે તપાસવામાં આવ્યુ નહોતુ અને તેને જાણી જોઈને નાપાસ કરવામાં આવ્યો હતો.
કોર્ટે મુલ્યાંકની રીત ઉપર સવાલો ઉભા કરતા તેને ગેરકાયદેસર અને મનમાન્યુ ગણાવ્યું હતુ. વિદ્યાર્થીને અંગ્રેજીના પેપરમાં ૩૮ માર્કસની જગ્યાએ ફક્ત ૨૭ મળ્યા હતા.તેના કારણે તે એક વિષયમાં નાપાસ થયો હતો.ત્યારબાદ વિદ્યાર્થીએ વિશ્વ વિદ્યાલય પાસેથી પોતાના જવાબના પુસ્તકની ઝેરોક્ષ કઢાવી. તેમાં જોયું તો એક પ્રશ્નનું મુલ્યાંકન જ કરવામાં આવ્યુ નહોતુ. અરજી અનુસાર, ત્યારબાદ વિદ્યાર્થીએ તે કોપીના પુન:મુલ્યાંકન માટે અરજી કરી હતી. પુનમુલ્યાંકન બાદ તેને આ વિષયમાં ૪૦ માર્કસ મળ્યા, પરંતુ વિશ્વ વિદ્યાલયના એક નિયમ અનુસાર ૪૦ માર્ક્સની જગ્યાએ ઘટાડીને ૩૪ કરી દેવામાં આવ્યા હતા.આ પ્રક્રિયા હેઠળ વિદ્યાર્થીને ફરીથી નાપાસ કરી દીધો હતો. યુનિવર્સીટીના આ પગલાથી તેણે હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો હતો.
કાશ્મિર યુનિવર્સીટીએ હાઈકોર્ટમાં આપેલા પોતાના જવાબમાં એક કબુલ્યું હતુ કે, વિદ્યાર્થીની કોપી મુલ્યાંકનમાં ભુલ થઈ હતી. પરંતુ યુનિ.ના નિયમ અનુસાર માર્ક્સ ૪૦થી ઘટાડીને ૩૪ કરી દેવામાં આવ્યા હતા. કોર્ટે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતુ કે, પુન:મુલ્યાંકન પ્રક્રિયા વિદ્યાર્થીઓને રાહત આપવા માટે છે કે, સજા આપવા માટે. જસ્ટીસ જાવેદ ઈકબાલે પોતાના આદેશમાં કહ્યું હતુ કે, અહીંયા શૈક્ષણિક કેસ સંબંધિત અભિવ્યક્તિઓ,પુન:મુલ્યાંકન અને પુન:તપાસના અર્થને સમજવું મહત્વપુર્ણ છે.