હાથજમાં આંતરે દિવસે અપાતું અપુરતું પાણી
ગામને ધર્મ આધારિત બે વિભાગોમાં વિભાજિત કરી પાણી અપાતું હોવાનો આક્ષેપ
કોતરવાળા ઉંચા નીચા વિસ્તારમાં ગામ વસેલ હોઇ અમુક વિસ્તારમાં પાણી પહોંચતું નથી: સરપંચ
હાથજ ગ્રામ પંચાયતના સરપંચ અમરસિંહભાઇએ જણાવ્યું હતું કે ગામ નદીના કોતરવાળા વિસ્તારમાં વસેલ છે. પાણીનો બોર ગામથી લગભગ બે કિમી દૂર છે. તેમાંય વીજળી અવાર નવાર ચાલી જતી હોઇ છેવાડાના વિસ્તારમાં પાણી પહોંચે તે માટે ગામને બે વિભાગોમાં વહેંચી અલગ અલગ સમયે પાણી આપવામાં આવે છે પરંતુ નીચાણવાળા વિસ્તારના લોકો નળ ચાલુ રાખતા હોઇ પાણીનો વેડફાટ થાય છે અને ઉંચાણવાળા વિસ્તારમાં પાણી પહોંચતું નહિ હોવાની બૂમ આવે છે.
હાથજ ગામમાં આંતરે દિવસે પાણી આપવામાં આવે છે. તે પણ અપુરતું અપાતું હોઇ ગ્રામજનો હાલની કાળઝાળ ગરમીમાં પાણી વિના ભારે તકલીફ વેઠી રહ્યાની બૂમ ઉઠવા પામી છે.
નડિયાદ તાલુકાનું હાથજ ગામ નદી કિનારે આવેલ છે અને ગામની વસ્તી લગભગ ૭ હજારની છે. પરંતુ ગ્રામજનોને પીવાનું પાણી અપુરતું મળતું હોઇ હાલની કાળઝાળ ગરમીમાં લોકો પીવાનું પાણી અને ઘરવપરાશનું પાણી મેળવવા દર દર ભટકી રહ્યા છે અને પાણીના અભાવે લોકોને દૂર આવેલ નદીના પાણીમાં કપડા અને વાસણ ધોવા જવાની ફરજ પડી રહી હોવાનો
આક્ષેપ થઇ રહ્યો છે. ગ્રામજનોની બૂમ ઉઠી છે છે કે માંડ ૭ હજારની વસતી વાળા ગામમાં આંતરે દિવસે પાણી આપવામાં આવે છે અને પાણી આપવા માટે ગામને બે વિભાગોમાં વહેંચી દેવાયું છે.
હિન્દુ-મુસ્લિમ વિસ્તારોમાં વારાફરતી આંતરે દિવસે પાણી આપવામાં આવે છે અને તે પણ અપુરતું અપાતું હોઇ દૂરના વિસ્તારમાં પાણી પહોંચતું નથી. જેના કારણે હાલની ઉનાળાની ઋતુમાં લોકો પાણીની ખૂબ જ તકલીફ વેઠી રહ્યા છે. એક સ્થાનિક નાગરિકે જણાવ્યું કુ ઉનાળાની ઋતુમાં પાણીની જરૂરિયાત વધી જાય છે ત્યારે જ આંતરે દિવસે પાણી આપવામાં આવે છે. હિન્દુ-મુસ્લિમ વિસ્તારોમાં અલગ અલગ સમયે પાણી આપવામાં આવે છે. પરંતુ છેવાડાના વિસ્તાર સુધી પાણી પહોંચે ત્યાં સુધી પાણી બંધ કરી દેવાનું હોઇ લોકો પાણી વિના ટળવળે છે.