રાજય સરકારની અમૃત યોજના હેઠળ નાની ખોડિયાર મંદિર વિસ્તારમાં ટાંકી તૈયાર કરાઇ હતી
આણંદ : લોકાર્પણ કરાયાના ૬ મહિનામાં જ ૬ લાખ લીટર પાણીની ટાંકી લીકેજની સમસ્યા ૩ વર્ષ પણ યથાવત
અગાઉ લીકેજની રજૂઆતોના પગલે પાલિકાના એન્જિનીયરની તપાસમાં લીકેજ જોવા મળતા કોન્ટ્રાકટરને નોટિસ આપી હતી પણ...
ટાંકીનો બગડેલો કલોરીન પંપ રીપેર થયાની આરોગ્ય વિભાગને જાણ જ નથી !
પાણીની ટાંકીમાંથી સમગ્ર વિસ્તારના શહેરીજનોને કલોરીનયુકત સ્વચ્છ પાણી ઉપલબ્ધ થાય તે માટે કલોરિન પંપ સાથેનો રૂમ તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતુ કલોરીન પંપ કયારેક બગડી જાય છે અને કયારેક દિવસો સુધી રીપેર થતો ન હોવા સહિતની ગંભીર બાબતોથી પાણીનો વપરાશ કરનાર સ્થાનિકો અજાણ હોય છે. બીજી તરફ પાણીમાં કલોરીનના પ્રમાણ સહિત આરોગ્યલક્ષી બાબતોની તપાસ માટે આરોગ્ય વિભાગના બાકરોલ ઝોન પેટા કેન્દ્રની જવાબદારી રહેલી છે. આ કેન્દ્રમાં કલોરીન અંગે પૃચ્છા કરતા જાણવા મળ્યું હતું કે, વચ્ચે કલોરિન પંપ બગડયો હતો અને તે રીપેર કરવા માટે આપ્યો હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ તે રીપેર થઇને પુન: કાર્યરત થયો કે નહી તેની ખબર નથી!
પ વર્ષ સુધી મેન્ટેનન્સની જવાબદારી કોન્ટ્રાકટરની છે, પણ પછી શું ?
આ ટાંકીના લોકાર્પણ બાદ લીકેજના મામલે સ્થાનિકો દ્વારા કરાયેલ રજૂઆતના પગલે વોટરવર્કસ વિભાગે જણાવ્યું હતું કે, સરકારની યોજના અંતર્ગત શહેરમાં ૩ સ્થળોએ ટાંકી બનાવવામાં આવી હતી. ટેન્ડરના નિયમોનુસાર પાંચ વર્ષ સુધી ટાંકીના મેન્ટેનન્સની જવાબદારી કોન્ટ્રાકટરની છે. આથી ટાંકી લીકેજની ગંભીર બાબતે એજન્સી-કોન્ટ્રાકટરને રુબરુ બોલાવીને નિરાકરણ લાવવા સૂચના આપવામાં આવશે. જો કે ત્યારબાદ એકાદવાર માત્ર ઉપરછલ્લી વિઝીટ થઇ હતી પરંતુ ટાંકીના લીકેજને અટકાવવાની દિશામાં કોઇ કામગીરી થઇ નહતી. હવે આગામી વર્ષમાં કોન્ટ્રાકટરનો મેન્ટેનન્સની મુદ્દત પૂરી થયા બાદ લીકેજ સહિતના નુકસાનીની જવાબદારી પાલિકાના શિરે આવશે તે નકકી છે. ત્યારે પાણી પહેલાં પાળ બાંધવાની નીતિનુસાર લીકેજ મામલે પાલિકા સત્વરે કોન્ટ્રાકટર સામે કાર્યવાહી હાથ ધરે તેવો મત વ્યકત થઇ રહ્યો છે.
અગાઉ સ્થળ તપાસ બાદ કોન્ટ્રાકટરને નોટિસ અપાઇ હતી, પુન: ચકાસણી કરીશું : પાલિકા એન્જિનીયર
આણંદ પાલિકાના એન્જિનીયરે જણાવ્યું હતું કે, અગાઉ નવી ટાંકીમાં લીકેજની રજૂઆત મળ્યા બાબતે રુબરુ સ્થળ તપાસ કરવામાં આવી હતી. જેમાં ટાંકીમાંથી લીકેજ થતું જોવા મળતા કોન્ટ્રાકટરને નોટિસ આપવામાં આવી હતી. જેમાં સત્વરે લીકેજ અટકાવવા તાકિદ કરવામાં આવી હતી. જો કે હજીયે લીકેજ બંધ ન થયા અંગે પૃચ્છા કરતા એન્જિનીયરે જણાવ્યું હતું કે, આ મામલે પુન:ચકાસણી કરવામાં આવશે અને કોન્ટ્રાકટરને તાકિદ કરીને સત્વરે સમયમર્યાદામાં નિરાકરણ લાવવામાં આવશે.
રાજય સરકારની અમૃત યોજના હેઠળ આણંદમાં નાની ખોડિયાર મંદિર પાસે, હોસ્પિટલ નજીક ૬ લાખ લીટરની પાણીની ટાંકી તૈયાર કરવામાં આવી હતી. જેનું એપ્રિલ ર૦ર૧માં લોકાર્પણ કરાયું હતું. પરંતુ લોકાર્પણના છ માસમાં જ ટાંકી લીકેજ થઇ રહ્યાની સ્થાનિક જાગૃતજનોએ ફરિયાદ કરી હતી. જેમાં પાલિકા દ્વારા કોન્ટ્રાકટરને નોટિસ આપીને કામ કરાવાશેનો સધિયારો આપ્યો હતો.
લાખોના ખર્ચ તૈયાર થયેલ ટાંકીની લીકેજની સમસ્યા હજીયે યથાવત જોવા મળી રહી છે. ત્યારે પ્રજાજનોને સુવિધા માટે સરકારે ફાળવેલા નાણાં મુજબ યોગ્ય રીતે કામ થયું છે કે કેમ તે અંગે ચોકસાઇ દાખવવામાં સ્થાનિક તંત્ર નિષ્ફળ રહ્યાની સ્થિતિ જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં જૂની ટાંકી અકસ્માતે ધરાશાયી થઇ ગઇ હતી. સ્થાનિકોના જણાવ્યાનુસાર આગામી દિવસોમાં જોરદાર પવન કે વાવાઝોડાના કારણે ટાંકીમાંના લીકેજની સમસ્યા કોઇ અકસ્માત નોેંતરશે.
શહેરના વોર્ડ નં. ૩, ટીપી ૯માં વસતા સ્થાનિકોને કલોરીનયુકત, શુદ્વ પાણી ઉપલબ્ધ થાય તે માટે રાજય સરકારની અમૃત યોજના હેઠળ ૬ લાખ લીટર ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી વર્ષ ર૦૧૯માં મંજૂર કરવામાં આવી હતી.
જો કે ટાંકીના બાંધકામ સમયે નિયમોનુસાર અને ગુણવત્તાયુકત કામગીરી ન થઇ રહ્યાની કચ્છ પ્રજાપતિ વિકાસ સંગઠન,આણંદ દ્વારા પાલિકાને રજૂઆત પણ કરવામાં આવી હતી. છતાંયે સત્વરે તપાસ સહિતની બાબતોએ દાખવવામાં આવેલ ગાફેલગીરીના કારણે લાખોના ખર્ચ તૈયાર થયેલ ટાંકીમાંથી હજીયે લીકેજની સમસ્યા વણઉકલી રહેવા પામી છે.