આણંદ : ઈનસાઈડ સર્વિસ સેન્ટરમાં ૧.૬૦ લાખની મત્તાની ચોરી કરનાર બે શખ્સો ઝડપાયા
ચોરીમાં ગયેલા ત્રણ લેપટોપ, એક ટેબલેટ સહિત ચાર મોબાઈલ અને ચોરી કરવાના નાના-મોટા બે ડીસમીસ તેમજ માસ્ટર પાનુ મળી આવતા જપ્ત કરાયા
બાઈક લઈને એમપીથી ચોરીઓ કરવા આવતા હતા
શહેર પીઆઈ વી. ડી. ઝાલાના જણાવ્યા અનુસાર બન્ને શખ્સો બાઈક લઈને ચોરીઓ કરવા આવતા હતા. આણંદમાં આવ્યા બાદ તેઓ કોઈને કોઈ હોટલમાં રોકાતા હતા અને દિવસ દરમ્યાન રેકી કરી આવતા હતા. બન્ને શખ્સો શટર વગરની જુના લોકવાળા દરવાજાવાળી દુકાનોને જ નિશાન બનાવતા હતા. બન્ટીકુમાર ઉર્ફે રાજપુત એસી રીપેરીંગનો ધંધો કરતો હોય, તાળા તોડવામાં માહેર થઈ જવા પામ્યો હતો.
બન્ટીકુમાર રાજપુત રીઢો ગુનેગાર હોવાનું ખુલ્યું
આણંદ શહેર પોલીસના હાથે ઝડપાયેલા બે પૈકી બન્ટીકુમાર રાજપુત રીઢો ઘરફોડીયો હોવાનું ખુલવા પામ્યું હતુ. તે અંકલેશ્વર અને ઉજજૈનના ગુનામાં નાશતો ફરતો હતો. જ્યારે તેના વિરૂધ્ધ મધ્યપ્રદેશના ખારાકુંવા, સુરતના મહિધરપુરા, ડીસીબી પોલીસ મથક, વરાછા, ચોક બજાર, મહારાષ્ટ્રના જલગાંઉ શહેર ખાતે કુલ ૯ ગુનાઓ દાખલ થયા હતા. સુરતના ગુનામાં પકડાયા બાદ તે ઉજ્જૈન જતો રહ્યો હતો અને ત્યાં રહીને ઘરફોડ ચોરીઓ કરવા લાગ્યો હતો.
બન્ટીકુમાર અને પવન ઉર્ફે રાજેશની મુલાકાત જેલમાં થઈ હતી
શહેર પોલીસના જણાવ્યા અનુસાર બન્ટીકુમાર રાજપુતની મુલાકાત પવન ઉર્ફે રાજેશ સાથે ઉજ્જૈનની જેલમાં થઈ હતી. બન્ને એકબીજાને મળ્યા બાદ જેલમાંથી છુટીને સાથે જ રહેતા હતા અને બાઈક લઈને ચોરીઓ કરવા માટે નીકળી પડતા હતા.
તેઓ દ્વારા અનેક જગ્યાએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું મનાઈ રહ્યું છે. નાની-મોટી અનેક ચોરીઓ અંગે તપાસ પણ કરાવાઈ
રહી છે.
ત્રણેક દિવસ પહેલા જ આણંદ-વિદ્યાનગર રોડ ઉપર આવેલા એપીસી સર્કલ પાસેની ઈનસાઈડ સર્વિસ સેન્ટરના તાળા તોડીને ૧.૬૦ લાખની મત્તાની ચોરી કરનાર બે પરપ્રાંતીયોને ઝડપી પાડીને ગણતરીના દિવસોમાં જ ચોરીનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. પકડાયેલા બે પૈકી એક રીઢો આરોપી હોવાનું અને એમપી,મહારાષ્ટ્ર, સુરત સહિત અનેક જગ્યાઓએ ઘરફોડ ચોરીઓને અંજામ આપ્યાનું ખુલવા પામતાં પોલીસે બન્નેને રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગત ૧૦મી તારીખના રોજ રાત્રીના સુમારે કેટલાક તસ્કરો એપીસી સર્કલ પાસે આવેલા ઈનસાઈડ સર્વિસ સેન્ટરમાં ત્રાટક્યા હતા અને તાળા તોડીને રેપેરીંગમા ંઆવેલા ત્રણ લેપટોપ, એક ટેબલેટ તેમજ હાર્ડ ડીસ્ક મળીને કુલ ૧.૬૦ લાખની મત્તાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. જે અંગે શહેર પોલીસે ઘરફોડનો ગુનો દાખલ કરીને સીસીટીવી કેેમેરા તેમજ નેત્રમની મદદથી તપાસ હાથ ધરી હતી. જેમાં એક બાઈક પર આવેલા બે શખ્સો ચોરી કરતા કેમેરામાં કેદ થઈ જવા પામ્યા હતા. પોલીસે બન્ને શખ્સોના મળેલા વર્ણનના આધારે તેમની તપાસ હાથ ધરી હતી. દરમ્યાન પોલીસને માહિતી મળી હતી કે, બે શખ્સો લેપટોપ વેચવા માટે ચીખોદરા ચોકડી તરફ ફરી રહ્યા છે. જેથી પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને બાઈક સાથે બન્નેને ઝડપી પાડીને તપાસ કરતા તેમની પાસેથી ત્રણ લેપટોપ અને એક ટેબલેટ મળી આવ્યું હતુ. જે અંગે પુછપરછ કરતા તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા નહોતા. પોલીસે બન્નેના નામઠામ પુછતાં બન્ટીકુમાર પંચાનંદસિંહ રાજપુત (રે. મુળ બિહાર, હાલ ભવાનીપુર, ઝારખંડ અને ઉજ્જૈન, મધ્યપ્રદેશ)તેમજ પવન ઉર્ફે રાજેશ ઓમપ્રકાશ ઉર્ફે રમેશભાઈ જયસ્વાલ (રે. પ્રદિપ વિહાર મક્સી રોડ, ઉજ્જૈન, મધ્યપ્રદેશ)ના હોવાનું જણાવ્યું હતુ.
બન્નેને બાઈક સાથે શહેર પોલીસ મથકે લાવીને ઉલટતપાસ કરતા ઉક્ત મુદ્દામાલ ચોરીનો હોવાનું અને ગત ૧૦મી તારીખના રોજ એપીસી સર્કલ પાસે આવેલી દુકાનમાંથી ચોરી કર્યાની કબુલાત કરી હતી.
પોલીસને તેમની અંગજડતીમાંથી ચાર મોબાઈલ ફોન, રોકડા ૮૫૦, હેલ્મેટ તેમજ ચોરી કરવાના નાના-મોટા બે ડીસમીસ અને એક માસ્ટર પાનું મળી આવ્યું હતુ. પોલીસે ઉક્ત ગુનામાં બન્નેની વિધિવત ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.