આણંદ શહેરમાં મૃત્યુદરની સામે જન્મદર ૩ ગણો પ વર્ષમાં ૩૩૭૧૦નો જન્મ, ૧૦૧૩૮ના મૃત્યુ
-દર વર્ષ પુરૂષોની તુલનાએ પ૦૦થી વધુ સ્ત્રી જન્મ, મૃત્યુ દર ઓછો -વર્ષ ર૦૧૯થી ર૧ સુધીના કોરોનાકાળમાં સૌથી વધુ મૃત્યુદર નોંધાયો
જન્મ-મૃત્યુ દરની અચૂક કરાતી નોંધણી
આણંદ પાલિકાના સૂત્રોના જણાવ્યા અનુસાર જન્મ અને મૃત્યુની નોંધણીના સર્ટીફીકેટોની અવાર-નવાર વિવિધ સ્તરે જરૂરત પડતી હોય છે. જેથી શહેરીજનો ઉપરાંત ગ્રામજનો તેની ફરજીયાત નોંધણી કરાવતા હોય છે. આણંદની વિવિધ હોસ્પીટલો કે ઘરોમાં જન્મતા બાળકો તેમજ મૃત્યુ પામનારાઓની નોંધ આણંદ પાલિકામાં કરવામાં આવે છે અને ત્યાંથી જન્મ અને મૃત્યુના પ્રમાણપત્રો આપવામાં આવે છે. દરેક હોસ્પીટલોમાં જન્મેલા બાળકોની નોંધ અવશ્ય કરાવાય છે,મોટાભાગે હોસ્પીટલમાંથી જ જન્મેલા બાળકના લીંગ સાથેની વિગતો નગરપાલિકામાં મોકલી આપવામાં આવે છે.
આણંદ પાલિકામાં નોંધાયેલા જન્મના આંકડા
ક્રમ- વર્ષ- પુરૂષ- સ્ત્રી -કુલ,
૧ -૨૦૧૯- ૩૬૧૮- ૩૩૧૮- ૬૯૨૯,
૨- ૨૦૨૦- ૩૪૫૯ -૨૯૨૯- ૬૩૮૮,
૩ -૨૦૨૧- ૩૨૯૯- ૨૮૩૧- ૬૧૩૦,
૪ -૨૦૨૨- ૩૬૯૩- ૩૩૯૯- ૭૦૯૨,
૫ -૨૦૨૩- ૩૭૫૮ -૩૪૧૨- ૭૧૭૧,
કુલ - ૧૭૮૨૭- ૧૫૮૮૨- ૩૩૭૧૦
ટેકનોલોજીના યુગમાં પણ સ્ત્રી કરતા પુરૂષનું વધુ મહત્વ
ભારતની ગણના ઝડપથી વિકસી રહેલા દેશ તરીકે થઈ રહી છે. ટેકનોલોજીના યુગમાં પણ હજીયે સ્ત્રી કરતા પુરૂષનું વધુ મહત્વ આંકવામાં આવી રહ્યું છે. તે આ વીતેલા પાંચ વર્ષ દરમ્યાન નોંધાયેલા સ્ત્રી અને પુરૂષના જન્મદરના આંકડા સુચવે છે. દર વર્ષે ચારસોથી પાંચસો જેટલો સ્ત્રીઓનો જન્મદર પુરૂષનો જન્મદર કરતા ઓછો છે. હજીયે પણ વિવિધ સમાજના લોકો દિકરીને સાપનો ભારો સમજે છે અને ગર્ભમાં જ તેની હત્યા કરી નાંખે છે. કેટલાક સમાજમાં એવી માન્યતા ઘર કરી ગઈ છે કે, દિકરી તો પારકી થાપણ છે, તે તો પરણીને સાસરે જતી રહેશે, જ્યારે દિકરો તેમની સાથે જ રહેશે અને ઘડપણનો સહારો બનશે. સરકાર દ્વારા સ્ત્રી સશકિતકરણ માટેના અનેક કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે પરંતુ દિકરીની જગ્યાએ દિકરો જન્મે તેવી જ પરિવારજનો ખેવના રાખતા હોય છે.
આણંદ પાલિકામાં નોંધાયેલા મૃત્યુના આંકડા
ક્રમ વર્ષ પુરૂષ સ્ત્રી કુલ
૧ ૨૦૧૯ ૧૦૮૪ ૭૫૧ ૧૮૩૫
૨ ૨૦૨૦ ૧૨૦૦ ૭૯૨ ૧૯૯૨
૩ ૨૦૨૧ ૧૬૨૮ ૧૦૮૪ ૨૭૧૨
૪ ૨૦૨૨ ૧૦૭૬ ૭૧૭ ૧૭૯૩
૫ ૨૦૨૩ ૧૦૯૨ ૭૧૪ ૧૮૦૬
કુલ ૬૦૮૦ ૪૦૫૮ ૧૦૧૩૮
આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાનો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય જાહેર કર્યા બાદ તે અંગેની કામગીરી પણ ચાલી રહી છે. શહેરમાં ચર્ચાતી વાતો અનુસાર આગામી ઓક્ટોમ્બર-નવેમ્બરમાં વહિવટદાર શાસન અમલી બનશે, ત્યારબાદ છ મહિના પછી મહાનગરપાલિકાની ચૂંટણીઓ પણ યોજાશે. જો કે આણંદ પાલિકાના ચોપડે નોંધાયેલા વીતેલા પાંચ વર્ષો દરમ્યાન જન્મ અને મૃત્યુદરમાં ત્રણ ગણો તફાવત જોવા મળ્યો છે.
જિલ્લાનું મુખ્ય કેન્દ્ર હોવા સાથે આણંદની આજુબાજુમાં આવેલા ગામડાઓના લોકોનો નાતો પણ આણંદ શહેર સાથે જોડાયેલો છે. ખરીદી, અભ્યાસ ઉપરાંત આરોગ્યલક્ષી સારવાર, નોકરી-ધંધા માટે સવારથી આણંદમાં હજારોની સંખ્યામાં લોકોની અવર-જવર રહેતી હોય છે. શહેરમાં પગના નખથી માંડીને માથાના વાળ સુધીના સ્પેશ્યાલીસ્ટ ડોક્ટરોની હોસ્પીટલો કાર્યરત છે. નગરપાલિકા સંચાલિત હોસ્પીટલને પણ સરકારે પોતાના હસ્તક લઈને ત્યાં જનરલ હોસ્પીટલ શરૂ કરી દઈને ધમધમતી કરી દીધી છે. ત્યારે આણંદ પંથકમાં છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન હોસ્પીટલો અને ઘરોમાં થયેલા જન્મદર અને મૃત્યુદરના કેટલાક રોચક આંકડા જાણવા મળ્યા છે.
જેમાં છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન આણંદ જિલ્લામાં કુલ ૩૩૭૧૦ના જન્મની નોંધણી આણંદ નગરપાલિકાના ચોપડે નોંધાઈ છે જેમાં ૧૭૮૨૭ પુરૂષો અને ૧૫૮૮૨ સ્ત્રીઓનો સમાવેશ થાય છે. જ્યારે મૃત્યુદર પર નજર કરીએ તો વીતેલા પાંચ વર્ષો દરમ્યાન ૧૦૧૩૮ના મોત ચોપડે નોંધાય છે. જેમાં ૬૦૮૦ પુરૂષો અને ૪૦૫૨ સ્ત્રીઓનો સમાવેશ થાય છે. આ આંકડા પરથી એ વાત ફલિત થાય છે ક, જન્મદરની સામે મૃત્યુદર લગભગ ત્રણ ગણો છે. એટલે કે ત્રણના જન્મની સામે એકનું મોત થઈ રહ્યું છે. આણંદ પંથકમાં સરેરાશ દર વર્ષે ૬૭૪ના જન્મ થાય છે, જ્યારે સરેરાશ ૨૦૨૭ના મોત થાય છે.