આણંદ : સાયબર ક્રાઈમના વધેલા વ્યાપને નાથવા માટે પોલીસનું જનજાગૃત્તિ અભિયાન
૨૦૨૩માં સાયબર ક્રાઈમ અવરનેશના ૫૨ તેમજ ૨૦૨૪માં અત્યાર સુધી ૨૪ જેટલા કાર્યક્રમોનું આયોજન
સાયબર ક્રાઈમથી બચવા માટેની માર્ગદર્શિકા
-સોશ્યલ મીડિયા ઉપર અજાણ્યા વ્યક્તિનો વિડીયો કોલ કે ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવી નહી
-પીન નંબર, ઓઠીપી, સીવીવી કે ક્યુઆર કોડ જેવી માહિતી અજાણ્યા વ્યક્તિઓને આપવી નહી
-પાસવર્ડને સુરિક્ષત રાખવો, નિયમિત પણે બદલતા રહેવું, વેબસાઈટમાં એચટીટીપી ખાસ જુઓ
-કોઈ કાર્ડ, સીમકાર્ડ વેલીડીટી, કેવાયસી રીન્યુ, ખાતુ ચાલુ/બંધ એક્ટિવિટી વગેેરે ફોન કે મેસેજ પર જવાબ આપવાનું ટાળવુ
-ફ્રી લોન, ફ્રી ઈન્ટરનેટ, ફ્રી ગિફ્ટ જેવી લાલચમાં ખરાઈ કર્યા વગર અજાણી લીંક ક્લિક કરવી નહીં
-સોશ્યલ મીડિયા ર મિત્ર બની માહિતી કે રૂપિયાની માંગણી કરે તો આપવી નહીં
-સ્ક્રીન શેરિંગ એપ્લિકેશન જેવી કે ક્વીક સપોર્ટ,એની ડેસ્ક, ટીમ વ્યુવર,વગેરે જેવી એપ્લીકેશનો ડાઉનલોડ ન કરવી
નોટબંધી બાદ ડીજીટલ પેમેન્ટના વધતા વ્યાપની સાથે સાથે સાયબર ક્રાઈમમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે અને ખેડૂતથી માંડીને ડોક્ટર, એન્જીનીયર સહિત શિિક્ષક વર્ગના લોકો પણ આવા સાયબર ક્રાઈમનો ભોગ બની રહ્યા છે ત્યારે આણંદના સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા જનજાગૃત્તિ ફેલાવા માટે સ્કુલ-કોલેજો સહિત વિવિધ જગ્યાઓએ સાયબર ક્રાઈમ એવરનેશના કાર્યક્રમોનુ આયોજન કરીને પ્રજાને જાગૃત્ત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેને લઈને હવે પ્રજામાં જાગૃત્તતા આવવા માંડી છે અને થોડે અંસે સાયબર ક્રાઈમના ગુનાઓ ઉપર કાબુ મેળવવામાં પણ સફળતા હાંસલ થઈ હોવાનું મનાઈ રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સાયબર ક્રિમિનલો દ્વારા યેનકેન પ્રકારે જે તે ગ્રાહકોનો ફોન નંબરો મેળવી લઈને ત્યારબાદ તેમને ફોન કરીને વિવિધ બહાના હેઠળ ફોસલાવીને કે બીવડાવીને તેમના એકાઉન્ટમા પડેલી રકમો હડપ કરી જાય છે. આ ક્રિમિનલો એટલા બધા હોશિયાર હોય છે કે, ઠગાયેલી રકમો ક્યારેય પોતાના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરતા નથી, બલ્કે અન્યોના આધારકાર્ડ-પાનકાર્ડના આધારે બોગસ ખાતાઓ ખોલાવીને કે કોઈ વ્યક્તિને કમીશન આપવાની લાલચ આપીને તેમના ખાતામાં ટ્રાન્સફર કરાવી બાદમાં ઉક્ત નાણાં મેળવી લે છે.
જો કે સાયબર ક્રાઈમના ફ્રોડનો બનાવ બને કે તુરંત જ સાયબર હેલ્પલાઈનના નંબર ૧૯૩૦ ઉપર ફોન કરીને ફરિયાદ કરવાથી ઠગાયેલી રકમ પૈકી કેટલીક રકમ ટ્રાન્સફર થતા બચી શકે છે અને આવી રકમ ત્યારબાદ જે તે ઠગાઈનો ભોગ બનેલાના ખાતામાં પરત અપાવવામાં આવે છે. જો ફરિયાદ કરવામાં મોડુ થાય તો સાયબર ક્રિમિનલો ઓનલાઈન ટ્રાન્સફર કરેલી રકમ સરળતાથી મેળવી લે છે. વિવિધ બેન્કો દ્વારા તેમના દ્વારા ક્યારેય કેવાયસી કરવાના મેસેજો સહિત ખાતુ ચાલુ-બંધ કરવાના મેસેજો કરવામાં આવતા નથી તેમ જાહેર કરવામાં આવે છે તેમ છતાં પણ કેટલાય આવા બોગસ મેસેજોના આધારે આપેલી લીન્ક ઓપન કરીને તેમાં સુચવેલી વિગતો ભરીને ઓનલાઈન ફ્રોડનો શિકાર બની રહ્યા છે. જેને લઈને આણંદ જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા જિલ્લાના વિવિધ શહેરો અને ગ્રામ્યકક્ષાએ સને ૨૦૨૩માં સાયબર ક્રાઈમ એવરનેશના કુલ ૫૨ કાર્યક્રમો તેમજ જુન-૧૫-૨૦૨૪ સુધીમાં ૨૪ જેટલા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. જેમાં સાયબર ક્રાઈમના પ્રકાર, તેની મોડસ ઓપરેન્ડી, બચવાના ઉપાયો અને ભોગ બનેલા વ્યક્તિઓ દ્વારા તાત્કાલીક કરવાની થતી કાર્યવાહીથી વાકેફ કરવામાં આવી રહ્યા છે.