ઉમરેઠ : ક્રોપ લોનની બાકી પડતા ૧.૭૪ લાખ વ્યાજ સહિત બેંકને પરત ચૂકવવા કોર્ટનો હૂકમ
શીલી દેવરામપુરાના નગીનભાઇ,શાંતાબેન, કૈલાસબેન અને દિનેશભાઇ પરમારે ક્રોપ લોન લીધા બાદ નિયમિત હપ્તા ન ભરતા કોર્ટમાં ફરિયાદ થઇ હતી
બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક, ઉમરેઠ શાખામાંથી શીલી દેવરામપુરાના ચાર વ્યકિતઓએ ક્રોપ લોન લીધા બાદ નિયમિત હપ્તા ભર્યા ન હતા. જેથી વ્યાજ સહિતની ૧.૭૪ લાખ મેળવવા બેંકે ઉમરેઠ કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. જેમાં કોર્ટ દ્વારા બેંકની બાકી રકમ વ્યાજ સહિત ચૂકવવા લોનધારકોને હૂકમ કર્યો હતો.
મળતી વિગતોમાં ઉમરેઠ તાલુકાના શીલી દેવરામપુરાના નગીનભાઇ મંગળભાઇ પરમાર, શાંતાબેન મંગળભાઇ પરમાર, કૈલાસબેન મંગળભાઇ પરમાર અને દિનેશભાઇ મંગળભાઇ પરમારે બરોડા ગુજરાત ગ્રામીણ બેન્ક, ઉમરેઠ શાખામાંથી ર.૭૧ લાખની ક્રોપ લોન લીધી હતી. લોન મેળવ્યા બાદ તેના હપ્તા સમયસર ભર્યા ન હતા. જેથી બંેક દ્વારા લોનની બાકી પડતી લેણી રકમ રૂ. ૧,૭૪,૧પ૮ વ્યાજ સહિત મેળવવા માટે ઉમરેઠ કોર્ટમાં ફરિયાદ કરી હતી.
કોર્ટ દ્વારા લોનધારકોને સમન્સ બજવા છતાંયે તેમાં જણાવ્યા મુજબ ૧૦ દિવસમાં બચાવ રજૂ કરવા કોઇ કાર્યવાહી કરી ન હતી. આથી તેઓની ગેરહાજરીમાં સીપીસી હુકમ ૩૭ મુજબ દાવાની કાર્યવાહી આગળ ચલાવવામાં આવી હતી. બેંક દ્વારા રજૂ કરાયેલ સોગંદનામા તેમજ દસ્તાવેજી પુરાવા ધ્યાને લઇને કોર્ટે નોંધ્યું હતું કે, બેંક પાસેથી ચાર વ્યકિતઓએ ધિરાણ મેળવ્યાનું સ્પષ્ટપણે ફલિત થાય છે. વધુમાં લોન એગ્રીમેન્ટ લેટર અને લેટરઓફ કન્ટીન્યુગ સિકયુરીટી, ગેરંટી લેટર, એકનોલેજમેન્ટ ઓફ ડેબ્ટ એન્ડ સિકયુરીટી અને રજૂ કરેલ ઓથોરીટી લેટર ધ્યાને લીધા હતા. વધુમાં બેંક દ્વારા રજૂ થયેલ પુરાવાનું લોનધારકો તરફે ખંડન થયેલ નથી. આ કેસમાં બેંકનો દાવો ખોટો છે તે અંગે વિરુદ્વનું કાંઇ જ પ્રતિવાદી (લોનધારકો) રેકર્ડ પર લાવી શકયા નથી. જેથી બેંકનો દાવો ખોટો હોવાનું અગર કાયદાનુમત ન હોવાનું માનવાને કોઇ કારણ
નથી.
આ કેસમાં ન્યાયાધીશ પ્રદિપકુમાર બંસીલાલ સોની (પ્રિન્સિપાલ સિવિલ જજ, ઉમરેઠ)એ બેંકનો દાવો અંશત: મંજૂર રાખ્યો હતો અને બેંકની બાકી નીકળતી રકમ રૂ. ૧,૭૪,૧પ૮ દાવો દાખલ તારીખથી રકમ વસૂલ મળે ત્યાં સુધી વાર્ષિક ૬ ટકાના સાદા વ્યાજના દરે બેંકને ચૂકવી આપવાનો હૂકમ કર્યો હતો.