બાકરોલ સીમમાંથી આધેડનો ડી કમ્પોઝ થઈ ગયેલી લાશ મળી : હત્યાની આશંકા
પેનલ ડોક્ટર દ્વારા કરાવાયેલું પીએમ, મૃતકની ઓળખ માટે પોલીસના ચક્રો ગતિમાન
આણંદ નજીક આવેલા બાકરોલ ગામના ભક્તિનગર પવનચક્કી વિસ્તારમાં આવેલા ખેતરના શેઢા પરના ઝાડી-ઝાંખરામાંથી એક આધેડની ડી-કમ્પોઝ થઈ ગયેલી લાશ મળી આવતા આ અંગે હાલમાં તો પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને મરણ જનાર કોણ અને ક્યાંનો છે તે દિશામાં તપાસ હાથ ઘરવામાં આવી છે. પ્રાથમિક દ્રષ્ટીએ તેની હત્યા કરવામાં આવી હોવાનું મનાઈ રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગઈકાલે સાંજના સુમારે બાકરોલ ગામના ભક્તિનગર પવનચક્કી વિસ્તારના સર્વે નંબર ૬૯૭વાળા ખેતરના શેઢા ઉપરની ઝાડી-ઝાંખરામાંથઈ તીવ્ર દુર્ગંધ આવતી હોય, આસપાસના રહીશોએ તપાસ કરતા એક પુરૂષની કોહવાઈ ગયેલી લાશ મળી આવી હતી.
જેથી તુરંત જ વિદ્યાનગર પોલીસને જાણ કરતા પોલીસ આવી પહોંચી હતી અને તપાસ કરતા ૫૫ થી ૬૦ વર્ષની આશરાના પુરૂષની લાશ હોવાનું માલુમ પડ્યું હતુ. છીંકણી-કાળા કલરનું પેન્ટ તેમજ સફેદ શર્ટ પણ ફાટી ગયેલી હાલમાં હતુ તેમજ લાશ ઉપર કીડા પડી જવા પામ્યા હતા.
પોલીસે લાશનો કબ્જો લઈને પેનલ ડોક્ટર દ્વારા પીએમ કરાવવા માટે કરમસદની હોસ્પીટલમાં મોકલી આપવામાં આવ્યું હતુ. જ્યાં આજે સવારના સુમારે પીએમ કરાયું હતુ પરંતુ મોતનું સાચુ કારણ જાણવા ના મળતાં વીસેરા લઈને એફએએસએલમા મોકલી આપવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર સાતથી દસ દિવસ પહેલા તેનું મૃત્યુ થયાનું મનાઈ રહ્યું છે. જે રીતે ઝાડી-ઝાંખરામાંથી લાશ મળી આવી છે તેને જોતાં કોઈએ કોઈ કારણોસર હત્યા કરીને લાશને ત્યાં પુરાવાના નાશના ભાગરૂપે ફેંકી દીધાની ચર્ચાઓ થઈ રહી છે. પોલીસ હાલમાં તો મરણ જનાર કોણ અને ક્યાંનો છે તે દિશામાં તપાસ હાથ ઘરી છે. ઓળખ થઈ ગયા બાદ તપાસમાં વેગ આવશે તેમ મનાઈ રહ્યું છે.