Sardar Gurjari

શનિવાર, તા. ૧૫ ફેબ્રુઆરી, ૨૦૨૫, મહા વદ ૩, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૨૩૭

મુખ્ય સમાચાર :
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ : ખંભાળિયામાં આભ ફાટયું, બે કલાકમાં પાંચ ઈંચ
-મેઘરાજાના આગમનથી પોરબંદર જળબંબોળ -પોરબંદરમાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસતા ભારે હાલાકી
17/06/2024 00:06 AM Send-Mail
રાજયમાં હવામાન વિભાગની આગાહીના પગલે અલગ -અલગ વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને આજે મેઘરાજાએ સૌરાષ્ટ્રમાં મંડાણ કર્યા છે. સવારે પોરબંદરમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ બપોરે બેથી ચાર દરમિયાન દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં બે કલાકમાં જ પાંચ ઇંચ વરસાદ ખાબકતા શહેરમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. તો બીજી તરફ પોરબંદરમાં પ્રથમ વરસાદમાં જ પાલિકાના પ્રિમોન્સુ પ્લાનની પોલ ખુલ્લી પડી હતી. પોરબંદરના કેટલાક વિસ્તારોમાં લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા લોકો મુશ્કેલીમાં મૂકયા હતા.

દેવભૂમિ દ્વારકામાં આજે સવારથી જ મેઘરાજાએ મંડાણ કર્યા છે. ભાણવડ તાલુકામાં ધોધમાર વરસાદ ખાબકતા બાદ બપોરે ૨ વાગે ખંભાળિયામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઇ હતી.માત્ર બે કલાકમાં જ પાંચ ઇંચથી વધુ વરસાદ ખાબકતા શહેરના રસ્તાઓ પાણી પાણી થઇ ગયા હતા. તો બીજી તરફ વાવણીલાયક વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે.

અસહ્ય બફારા બાદ જૂનાગઢમાં ધીરેધીરે વરસાદની એન્ટ્રી થઇ છે. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બપોરના સમયે જૂનાગઢ શહેરના કાળવા ચોક, મધુરમ, ટીબંાવાડી, મોતીબાગ, સાબલપુર,ચોકડી, દોલતપુરા જોશીપુરા અને તેમજ અન્ય વિસ્તારોમાં વરસાદ માહોલ છવાયો છે. સિઝનના પહેલા વરસાદની શરૂઆત થઇ ચૂકી છે. જેથી ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી રહી છે. પોરબંદરમાં શનિવારે રાત્રીના જોરદાર વરસાદ વરસ્યા બાદ આજે રવિવારે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. તેમજ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રાણાવાવ તાલુકામાં પણ વરસાદ પડયો હતો. પોરબંદર શહેરમાં માત્ર પોણા ત્રણ ઇંચ વરસાદ અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. શહેરના વિરડી પ્લોટ, કુંભારવાડા સહિત નીચાણવાળા વિસ્તારમાં ઘરમાં પાણી ઘુસ્યા હતા.