Sardar Gurjari

૨૬-૨-૨૦૧૪, બુધવાર

મુખ્ય સમાચાર :
એનટીએમાં ધરમૂળથી સુધારા જરૂરી, ગુનેગારોને છોડીશું નહીં : નીટ વિવાદ વચ્ચે શિક્ષણમંત્રીનું નિવેદન
આ તમામ અરજીઓને એકસાથે જોડી સુપ્રીમ કોર્ટમાં ૮ જુલાઇએ સુનાવણી હાથ ધરાશે
17/06/2024 00:06 AM Send-Mail
નીટ-યુજી ૨૦૨૪ની પરીક્ષા રદ કરવાની માંગ બાદ સુપ્રીમ કોર્ટે ગ્રેસ માર્કસ મેળવનાર ૧૫૬૩ વિદ્યાર્થીઓની ફરીથી પરીક્ષા લેવાના આદેશ આપી દીધો છે. તો બીજી તરફ દેશભરમાં એનટીએ વિરૂદ્ઘ ચાલી રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મન્દ્ર પ્રધાને યુટર્ન લીધો હોય,તેવું નિવેદના આપ્યું છે. તેમણે કહ્યું કે નીટ પરીક્ષામાં કેટલીક ગડબડ થઇ છે.આ મામલામાં જે પણ અધિકારીઓ સામેલ હશે, તેને છોડવામાં નહીં આવે. તેમણે એમ પણ કહ્યું કે એનટીએમાં ધરમૂળથી સુધારાની જરૂર છે.

સમાચાર એજન્સીના અહેવાલો મુજબ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મન્દ્ર પ્રધાને કહ્યું કે નીટ મામલામાં બે પ્રકારની અવ્યવસ્થા સામે આવી છે. પહેલી બાબત એ છે કે કેટલાક વિદ્યાર્થીઓને ઓછો સમય મળતા, તેમને ગ્રેસ નંબર અપાયા. જયારે બીજી, બે સ્થળોએ કેટલીક ગરબડ થઇ હોવાનું સામે આવ્યું છે. હું વિદ્યાર્થીઓ અને વાલીઓને આશ્વાસન આપ્યું છે કે, સરકારે આ બંને બાબતોને ગંભીરતાથી લીધી છે. અમને માહિતી મળી છે.

અમે તમામ વિષયોને એક નિર્ણયની સ્થિતિ સુધી લઇ જઇશું. તેમાં જે પણ મોટા અધિકારીઓ સામેલ હશે, તેમને છોડવામાં નહીં આવે. એનટીએમાં ધરમૂળથી સુધારાની જરૂર છે. આ મુદ્દે સરકાર ચિંતા કરી રહી છે, કોઇપણ ગુનેગારોને છોડવામાં નહીં આવે. મામલામાં સામેલ તમામને કડકમાં કડક દંડ ફટકારાશે. નીટ પરીક્ષામાં છબરડા મામલે દિલ્હી હાઇકોર્ટ સહિત સાત હાઇકોર્ટમાં અરજીઓ દાખલ થઇ છે. આ તમામ અરજીઓને એકસાથે જોડી સુપ્રીમ કોર્ટમાં ૮ જુલાઇએ સુનાવણીહાથ ધરાશે. આ અરજીઓમાં નીટ પેપર લીક અને સીબીઆઇ તપાસની માંગ કરતી અરજીઓ પણ સામેલ છે.