સ્કંદપુરાણના કુમારિકા ખંડમાં મંદિરનો ઉલ્લેખ
ખંભાતના દરિયા કિનારે આવેલ ઐતિહાસિક વડુચી માતા મંદિરની પૌરાણિક વાવ ગાળવામાં આવી
કોસ જોડીને ડોલ, ઘડાથી વાવમાંથી પાણી બહાર કાઢવા મોટી સંખ્યામાં શ્રદ્વાળુઓ જોડાયા
એક વર્ષ અગાઉ માતાજીને ધરાવેલ કેરી વાવ ગાળવા દરમ્યાન બહાર કાઢતા તાજી હોય છે, આ ફળ આરોગવાથી નિ:સંતાનના ઘરે પારણું બંધાતું હોવાની લોકવાયકા વાવમાં આવેલ માતાજીની પ્રતિમાનેે ઓઢાડાતી ચુંદડી, સાડીને પાણીની કોઇ અસર જોવા મળતી નથી
ખંભાતમાં વસતા વિવિધ સમાજના લોકો વડુચી માતા પ્રત્યે શ્રદ્વાભાવ ધરાવે છે. મોઢવણિક, દુધારા, ગજજર, બ્રહ્મભટ્ટ, ખત્રી, માછી, ખારવા, કોળી વગેરે જ્ઞાતિઓના તે કુળદેવી છે.
ભાદરવા સુદ ચૌદસથી અનંત ચૌદસના દિવસે વડુચી માતાનો મેળો ભરાય છે. વર્ષમાં એક કે બે વાર ગળાતી વડુચી માતાની વાવ સાથે વર્ષોથી રસપ્રદ બાબતો સંકળાયેલી છે. જેમાં વાવમાં માતાજીને ધરાવવામાં આવેલ કેરીને એક વર્ષ બાદ વાવ ગાળવા સમયે બહાર કાઢતા તે તાજી જ જોવા મળે છે. આ કેરીનું ફળ નિ:સંતાન દંપતિ આરોગે તો તેને અવશ્ય સંતાન પ્રાપ્તિ થાય છે તેવી લોકવાયકા છે. વાવમાં આવેલ માતાજીની મૂર્તિને ઓઢાડવામાં આવેલ ચુંદડી, સાડી પણ એ જ સ્થિતિમાં જોવા મળે છે. તેના ઉપર પાણીની કોઇ અસર જોવા મળતી નથી.
સિદ્ઘરાજ જયસિંહ અને રા'નવઘણના સમયની ચર્ચાતી ઐતિહાસિક લોકકથા : વડના પાનનો થાળ ગણીને લશ્કર જમવા બેઠું અને એકાએક તમામ પ્રકારની ભોજન સામગ્રી પીરસાઇ ગઇ
વડુચી માતાજીના સ્થાન સાથે જોડાયેલ અનેક બાબતો આજે પણ ચર્ચાય છે. જેમાં ઐતિહાસિક લોકકથામાં નાનપણમાં રા'નવઘણને કપરાં દિવસો આવ્યા ત્યારે જહાલબાઇએ મદદ કરી હતી અને બંને વચ્ચે ભાઇ-બહેનના સંબંધ બંધાયા હતા. બહેનને આફતના સમયે મદદનું ભાઇએ વચન આપ્યું હતું. સૌરાષ્ટ્રમાં દુષ્કાળ પડતા જહાલબાઇ, તેમના પતિ અને કુટુંબ સિંઘમાં ગયા હતા. જયાં સિંઘના રાજાએ જહાલબાઇ તરફે કુદૃષ્ટિ કરતા રા'નવઘણે લડાઇ કરીને બહેનને મુકત કરાવી હતી. તેઓ પરત રાધનપુર, ધોળકા થઇને ખંભાત આવીને ગામના પાદરે પડાવ નાંખ્યો હતો. ગામના લોકો લશ્કરને જોવા ગયા હતા. ત્યારે એક વહુએ સાસુની ના હોવા છતાં વડના ઝાડની ઓથે ઉભા રહીને લશ્કરી હિલચાલ જોઇ અને રા'નવઘણને જમવાનું નોંતરુ આપ્યું. આ વાત ઘરે આવીને કરતા સાસુ આશ્ચર્ય સાથે ચિતિંત બન્યા હતા કે આટલા બધા માણસોનું જમવાનું કેવી રીતે તૈયાર થશે? ત્યારે મા બધું કામ પાર પાડશે તેમ વહુએ કહયું હતું. સાંજે સૌ જમવા બેઠા ત્યારે વહુએ પોતે જે ઝાડ ઓથે સંતાઇ હતી તે વડના પાંદડા તોડવા સૌને કહયું અને તેનો થાળ ગણી બધા જમવા બેઠા. વહુએ માતાજીની પ્રાર્થના કરી અને વડમાંથી માતાજીએ પ્રગટ થઇ લશ્કરને તમામ પ્રકારની ભોજન સામગ્રી પીરસાઇ. રા'નવઘણે વહુની ભકિત જોઇને પગે લાગ્યો. લોકસાહિત્ય અને ચારણી સાહિત્યમાં આ કથા મળે છે.
ખંભાતથી પશ્ચિમ વિસ્તારમાં ત્રણેક માઇલના અંતરે દરિયા કિનારે વડુચી માતા મંદિરનું ઐતિહાસિક તીર્થસ્થાન આવેલું છે. ખંભાતના કવિ ઋષભદાસે સંવત ૧૬૭૦માં રચેલા કુમારપાળરાસમાં ૬૪ દેવ,દેવીઓના નામોના ઉલ્લેખમાં વડુચી માતાનું નામ પણ છે. મંદિર નજીક પૌરાણિક ગૌમુખ આકારની પ્રાચીન વાવ આવેલી છે. આ વાવમાં ઝાડના પાન સહિતનો કચરો ભરાયો હોય કે સ્વપ્નમાં માતાજીની આજ્ઞાથી કોઇ ભાવિકજન વાવ ગળાવવાનો સંકલ્પ કરે ત્યારે વાવ ગાળવામાં આવે છે. આ વર્ષ ગતરાત્રિએ વાવ ગાળવાનું આયોજન હાથ ધરાયું છે.
આ વાવ સૌપ્રથમવાર સંવત ર૦ર૧ને વૈશાખ વદ સાતમના દિવસે ગાળવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ એકાદ, બે વાવ ગાળવામાં આવે છે. ગતરાત્રિએ મોટી સંખ્યામાં શ્રદ્વાળુઓ એકત્ર થયા હતા. જેમંા વાવ ગાળવા માટે કોસ જોડવામાં આવ્યો હતો. ત્યારબાદ ડોલ, ઘડા વગેરેથી લોકો દ્વારા પાણી બહાર કાઢવામાં આવ્યું હતું. વાવમાંથી હાથે પાણી કાઢવાનું પુણ્ય કાર્ય હોવાનું માનવામાં આવે છે. આ ઉપરાંત નવચંડી યજ્ઞ, મહાઆરતી અને માતાજીને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો.વાવમાં પૂર્વ તરફની ભીંતે લાકડાના મંચ ઉપર માતાજીની લગભગ અઢી ફૂટ ઊંચી અને સવા ફૂટ પહોળી માતાજીની અભય મુદ્રાની મૂર્તિ છે. સ્કંદપુરાણના કુમારિકા ખંડના અધ્યાય ૬રના ઉતરાર્ધમાં આ અંગેની આખ્યાયિકાનો ઉલ્લેખ છે. જયારે શ્લોકમાં તેઓને વયજ્ઞક્ષમી નામથી સંબોધવામાં આવ્યા છે. વડુચી માતાજીની વર્ષોથી સેવા કરતા પૂજારી જયપાલભાઇ જોશી અને ગગનભાઇ જોશીએ જણાવ્યું હતું કે, ખંભાતના વડુચી માતા વાવમાં બેઠા છે, વાવમાં ગોખલો છે ત્યાં સુધી કાયમ પાણી રહે છે. કચ્છમાં વડુચી દરિયાકાંઠે છે. રાજયમાં વિવિધ સ્થળોએ વડુચી માતાના મંદિર આવેલા છે. જેમાં ઉત્તર ગુજરાતના રુપાલમાં વડુચી માતાના મંદિરે આસો સુદ આઠમના દિવસે ભરાતી પલ્લી અને મેળો પ્રખ્યાત છે. વડુચી માતાજીને જળ સાથે સંબંધ છે. આ વર્ષ વડુચી માતાજીની વાવનું મંથન અને નવચંડી યજ્ઞનું આયોજન મોહનભાઇ હીરાલાલ બારોટ, જગદીશચંદ્ર હીરાલાલ બારોટ અને નિલેશભાઇ જગદીશચંદ્ર બારોટના યજમાન પરિવાર દ્વારા કરાયું હતું. જેમાં ધ્વજાનું પ્રયાણ સંઘ પ્રસ્થાન કરાયું હતું. આજે રવિવારે સવારે પાંચ કલાકેથી ભાવિકજનો દર્શનાર્થ ઉમટવાની શરુઆત થઇ હતી. આજે માતાજીને કેસર સ્થાન, ૬૪ દીવાની મહાઆરતી, નવચંડી યજ્ઞ, શ્રીફળ હોમવા સાથે અન્નકૂટ દર્શનનું આયોજન કરાયું હતું.