નડીઆદની મહિલા સાથે પૈસાના રોકાણના બહાને ૪.૧૭ લાખની છેતરપીંડી
મહિલાએ અમુક રકમ વિડ્રોલ કરવાનું કહેતા ગઠિયાએ વધારે પૈસા નાંખવાનું કહેતા છેતરપીંડી થઈ રહ્યાનો અહેસાસ થયો હતો
નડીઆદ શહેરના મંજીપુરા રોડ ઉપર આવેલી સોસાયટીમાં રહેતી એક મહિલાને યુએસ માર્કેટની લીંકમાં પૈસા ઈન્વેસ્ટ કરીને સારો પ્રોફીટ મળશેની લાલચ આપીને ગઠિયાઓએ ૪.૧૭ લાખ રૂપિયા ઓનલાન પડાવી લેતાં આ અંગે શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. ફરિયાદી રીનાબેન જયપ્રકાશ આઈલાનીની રાજકોટ ખાતે પરણેલી બહેને યુએસ માર્કેટની લીંકમાં રોકાણ કરવાથી સારો નફો મળે છે. મેં પૈસા રોક્યા છે અને સારો એવો નફો મળ્યો છે તારે પણ પૈસા ઈન્વેસ્ટ કરવા હોય તો, ટેલીગ્રામ ઉપર નીતા ત્રિવેદીના મોબાઈલ નંબરને મેસેજ કરજે તેમ જણાવ્યું હતુ. જેથી તેણીને પૈસા રોકવા હોય તેણીએ ગત તા.૧૦-૫-૨૪ના રોજ મેસેજ કરતા ઈવેલ્યન લેઝાર્ડે એક લીંક મોકલી આપી હતી. જે ઓપન કરીને તેના ઉપર આધારકાર્ડ અને પાનકાર્ડ મોકલી આપ્યા હતા. ત્યારબાદ લીંકમાં તેણીનું એકાઉન્ટ ઓપન થયું હતુ. જેમાં પ્રથમ ૧૫ હજાર ગુગલ પેથી ટ્રાન્સફર કર્યા હતા ત્યારબાદ અત્યાર સુધીમાં પતિ, મિત્રોના બેન્ક એકાઉન્ટમાંથી લીંક ઉપર ખોલવામાં આવેલા એકાઉન્ટમાં ઓનલાઈન, આરટીજીએસ અને ઓનલાઈન બેન્કીંગ દ્વારા ૪.૧૭ લાખ મોકલી આપવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમાંથી અમુક રકમ વીડ્રોલ કરવાનું જણાવતા જ ટેલીગ્રામના ગ્રૃપમાં વધારે પૈસા નાંખવાનું જણાવ્યું હતુ. જેથી તેણીને પોતાની સાથે છેતરપીંડી કરાઈ રહ્યાનું લાગતા જ તેણીએ તુરંત જ ૧૯૩૦ નંબર ઉપર ડાયલ કરીને પોતાની ફરિયાદ લખાવી દીધી હતી. ત્યારબાદ તેણીએ પોલીસ મથકે આવીને પોતાની ફરિયાદ આપી હતી.