તારાપુર-વાસદ સ્ટેટ હાઈવે ઉપર આવેલા
દંતેલી પાટીયા પાસે પાર્કીંગ લાઈટ વગર ઉભેલી ટ્રકની પાછળ બાઈક ઘુસી જતા ચાર ઘાયલ
કણઝટથી દંપત્તિ પુત્ર સાથે પડોશીના બાઈક પર સવાર થઈને જોગણ જતા હતા ત્યારે સર્જાયેલો અકસ્માત
તારાપુર-વાસદ સ્ટેટ હાઈવે ઉપર આવેલા દંતેલિ ગામની બળદેવ હોટલ નજીક પાકીંગ લાઈટ કે કોઈપણ જાતની આડશો મુક્યા વગર પાર્ક કરેલી ટ્રકની પાછળ બાઈક ઘુસી જતા એક બાળક સહિત ચારને ઈજાઓ થતાં તેમને તુરંત જ પેટલાદની સિવિલ હોસ્પીટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આ અંગે પેટલાદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
ખંભાત તાલુકાના કણઝટ ગામે રહેતા ફરિયાદી દિપીકાબેન લ-મણભાઈ ઠાકોર ગઈકાલે બપોરના સુમારે જોગણ ગામે દિકરીની સગાઈ જોવા માટે જવા પતિ લ-મણભાઈ તેમજ પુત્ર વિશાલ સાથે નજીકમાં જ રહેતા પડોશી રજનીભાઈ રમણભાઈ ઠાકોરના બાઈક નંબર જીજે-૨૩, ડીઈ-૮૦૧૩ ઉપર સવાર થઈને જવા માટે નીકળ્યા હતા. બપોરના સાડા બારેક વાગ્યાના સુમારે બાઈક દંતેલી ગામના પાટીયા પાસે આવેલી બળદેવ હોટલ નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે રોડ ઉપર જ કોઈપણ જાતના આડશો મુક્યા વગર કે પાકીંગ લાઈટ ચાલુ કર્યા વગર ઉભેલી ટ્રક નંબર જીજે-૧૬, એવી-૫૫૦૦ની પાછળ ઘુસી જતા ચારેય રોડ ઉપર પટકાયા હતા. જેમાં દિપીકાબેનને સામાન્ય ઈજાઓ થવા પામી હતી. જ્યારે પુત્ર વિશાલને માથા, પેટ, ડાબા હાથે ઈજાઓ થવા પામી હતી. લ-મણભાઈને જમણી આંખ અને છાતીમાં તેમજ રજનીભાઈને માથા, ડાબી આંખ અને છાતીમાં ઈજાઓ થવા પામી હતી.
ઘટનાની જાણ ૧૦૮ મોબાઈલ વાનને કરવામાં આવતા તેઓ આવી પહોંચ્યા હતા અને ગંભીર રીતે ઘવાયેલા ત્રણેયને સારવાર માટે પેટલાદની હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા. પોલીસે ટ્રકના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.