બોરસદ સીમમાંથી ૨૧ જેટલા ગાય,બળદ અને વાછરડાને કતલ થતા બચાવાયા
બોરસદના સાલીમબેગ અને સફીબેગ મેર્ઝા અંધારાનો લાભ લઈને ફરાર ૧.૪૧ લાખના પશુઓ જપ્ત કરીને પાલિકાના ખુલ્લા પ્લોટમાં મોકલી અપાયા
બોરસદ શહેર પોલીસે ગઈકાલે રાત્રીના સુમારે રાસ રોડ ઉપર આવેલા કનેરા સીમ વિસ્તારના ખેતરમાં છાપો મારીને ૨૧ જેટલા ગાય, બળદ અને વાછરડાને કતલ થતા બચાવી લીઘા હતા.
જો કે બે શખ્સો અંધારાનો લાભ લઈને ખેતરાળ રસ્તેથી ફરાર થઈ જવા પામ્યા હતા. આ અંગે સીટી પોલીસે ગુનો દાખલ કરીને બન્નેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
મળતી વિગતો અનુસાર પોલીસને માહિતી મળી હતી કે, બોરસદ ખાતે રહેતા સાલીમબેગ ઉર્ફે સલીમબેગ જીણુબેગ મીર્ઝા અને સફીબેગ ઉંમરબેગ મીર્ઝાએ આવતીકાલે ઉજવનારી બકરી ઈદને લઈને ગાયો, બળદ તેમજ વાછરડાની કત્લ કરવા માટે ખેતરમાં મુશ્કેટાટ બાંધી રાખ્યા છે અને કોઈપણ જાતના ઘાસચારા કે પાણીની પણ વ્યવસ્થા કરી નથી. જેથી પોલીસે છાપો મારતાં બન્ને શખ્સો પોલીસને જઈને ફરાર થઈ ગયા હતા.
પોલીસે તપાસ કરતા કુલ ૨૧ જેટલા ગાય, વાછરડા અન બળદો મળી આવ્યા હતા. જેની કિંમત ૧.૪૧ લાખ રૂપિયા જેટલી થવા જાય છે.
પોલીસે તમામ પશુઓને પાલિકાના વાહનમા ભરીને અશ્મી હોસ્પીટલ સામે આવેલી પાણીની ટાંકીવાળા કમ્પાઉન્ડમાં મોકલી આપી હતી અને ત્યાં ઘાસચારો અને પાણીની વ્યવસ્થા પણ કરાવી દેવામાં આવી હતી. પોલીસે ફરાર થઈ ગયેલા
બન્ને શખ્સો વિરૂધ્ધ ગુનો દાખલ કર્યો હતો.