ચીખોદરા ચોકડી પાસે અજાણ્યા વાહનની ટક્કરે આધેડનું મોત
આણંદ નજીક આવેલી ચીખોદરા ચોકડી પાસેના નાયરા પેટ્રોલપંપ સામે ગત ૧૪મી તારીખના રોજ પુરપાટ ઝડપે જતા અજાણ્યા વાહને આધેડને ટક્કર મારતાં તેનું સારવાર દરમ્યાન હોસ્પીટલમાં મોત થયું હતુ. આ અંગે આણંદ રૂરલ પોલીસે ગુનો દાખલ કરીને અજાણ્યા વાહનના ચાલકની તપાસ હાથ ધરી છે.
અકસ્માતની મળતી વિગતો અનુસાર નાયરા પેટ્રોલપંપ સામે આવેલી આઈસ ફેક્ટરી નજીક ફરિયાદી રમેશભાઈ ભાથીભાઈ પરમારની ચાની લારી આવેલી છે. છેલ્લા કેટલાક સમયથી એક આધેડ ભિક્ષુક દિવસ દરમ્યાન આસપાસ પ્લાસ્ટીકની બોટલો સહિત ભંગાર વીણીને તેને વેચી પેટીયુ રળતો હતો અને લારી પાસે જ સુઈ જતો હતો. ગત ૧૪મી તારીખના રોજ રાત્રીના સાડા દશેક વાગ્યાના સુમારે ૫૫ થી ૬૦ વર્ષના આશરાનો ભિખારી જેવો ઇસમ લારી પાસે સૂઈ રહ્યો હતો ત્યારે પુરપાટ ઝડપે આવી ચઢેલા કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતાં તેને માથામાં તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેથી તુરંત જ ૧૦૮ મોબાઈલ વાન દ્વારા સારવાર માટે આણંદની જનરલ હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો હતો.
જ્યાં તેની હાલત ગંભીર હોય વધુ સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તેનું અવસાન થયુ હતુ.