ઈમરજન્સીની યાદમાં ૨૫ જૂને બંધારણ હત્યા દિવસ ઉજવવામાં આવશે : કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કર્યું
૨૫ જૂન, ૧૯૭૫ના રોજ તત્કાલિન પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીએ દેશ પર ઈમરજન્સી થોપીને આપણા લોકતંત્રના આત્માનું ગળું દબાવી દીધું હતું : ગૃહમંત્રી
સમાચારમાં ચમકવાનો નુસખો, બાકી રોજેરોજ થઈ રહી છે બંધારણની હત્યા : કોંગ્રેસ
દર વર્ષે ૨૫ જૂને 'કોન્સ્ટિટયુશન કિલિંગ ડે' મનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે આ નિર્ણયને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન ફરી એકવાર દંભથી ભરેલી હેડલાઇન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ એ જ વડાપ્રધાન છે જેમના માટે લોકશાહીનો અર્થ માત્ર ડેમો-ચેર છે. કોંગ્રેસ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા વધુમાં કહ્યું કે, ૪ જૂન, ૨૦૨૪ ભારતના લોકો માટે ઈતિહાસમાં મોદી લિબરેશન ડે તરીકે ઓળખાશે. ૨૦૨૪ માં નિર્ણાયક વ્યક્તિગત, રાજકીય અને નૈતિક હાર સહન કરતા પહેલા તેમણે દસ વર્ષ માટે અઘોષિત કટોકટી લાદી હતી. આ એ જ પીએમ છે જેણે ભારતના બંધારણ અને તેના સિદ્ધાંતો, મૂલ્યો અને સંસ્થાઓ પર વ્યવસ્થિત રીતે હુમલો કર્યો હતો. આ એ જ લોકો છે જેમના વૈચારિક પરિવારે નવેમ્બર ૧૯૪૯માં ભારતના બંધારણને મનુસ્મૃતિથી પ્રેરિત ન હોવાના આધારે ફગાવી દીધું હતું.
દેશમાં સૌથી વધુ ઈમરજન્સી મોદી સરકારના શાસનમાં અનુભવાઈ રહી છે : મમતા બેનરજી
કેન્દ્રની મોદી સરકારે ૨૫ જૂને 'સંવિધાન હત્યા દિવસ' મનાવવાની જાહેરાત કરી છે. આ સાથે જોડાયેલા એક સવાલ પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે દેશમાં સૌથી વધુ ઈમરજન્સી મોદી સરકારના શાસનમાં અનુભવાઈ રહી છે. આ સરકાર જે ફોજદારી કાયદો લાવી છે તે બિલકુલ સમજી શકાય તેમ નથી. આપણે પણ તેને સમજી શકતા નથી. કોઈ એફઆઈઆર કેવી રીતે નોંધાવશે?
કેન્દ્રની મોદી સરકારે ૨૫ જૂનને સંવિધાન હત્યા દિવસ ઘોષિત કર્યો છે. તેને લઈને કેન્દ્ર સરકારે નોટિફિકેશન જાહેર કરી દીધું છે. હકીકતમાં જોઈએ તો, ૨૫ જૂન ૧૯૭૫ના તત્કાલિન ઈંદિરા ગાંધી સરકારે દેશમાં ઈમરજન્સી ઘોષિત કરી હતી. હવે તેને ધ્યાને રાખતા મોદી સરકારે કોંગ્રેસને ઘેરવા માટે એક દિવસને સંવિધાન હત્યા દિવસ ઘોષિત કરી દીધો છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક્સ પર તેના વિશે જાણકારી આપી છે. તેમણે પોસ્ટ કરી છે કે ૨૫ જૂન ૧૯૭૫ના રોજ તત્કાલિન પ્રધાનમંત્રી ઈંદિરા ગાંધીએ તાનાશાહી માનસિકતાનો પરિચય આપતા દેશ પર ઈમરજન્સી થોપીને આપણા લોકતંત્રના આત્માનું ગળું દબાવી દીધું હતું. લાખો લોકોને કોઈ પણ ભૂલ વિના જેલમાં નાખી દીધા હતા અને મીડિયોનો અવાજ દબાવી દીધો હતો. ભારત સરકારે દર વર્ષે ૨૫ જૂને સંવિધાન હત્યા દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો છે. આ દિવસે એ તમામ લોકોના મહાન યોગદાનને યાદ કરશે, જેમણે ૧૯૭૫ની ઈમરજન્સીના અમાનવીય દર્દને સહન કર્યું હતું.
અમિત શાહે આગળ કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા આ નિર્ણયનો ઉદ્દેશ્ય એ લાખો લોકોાન સંઘર્ષનું સન્માન કરવાનો છે, જેમણે તાનાશાહી સરકારની અસંખ્ય યાતનાઓ તથા ઉત્પીડનનો સામનો કરવા છતાં લોકતંત્રને પુનર્જીવિત કરવા માટે સંઘર્ષ કર્યો. સંવિધાન હત્યા દિવસ દરેક ભારતીયની અંદર લોકતંત્રની રક્ષા અને વ્યક્તિગત સ્વતંત્રતાની અમર જ્યોતિને જીવિત રાખવાનું કામ કરશે, જેથી કોંગ્રેસ જેવી કોઈ પણ તાનાશાહી માનસિકતા ભવિષ્યમાં તેની પુનરાવૃતિ ન કરી શકે.
ભારતના સંવિધાનના અનુચ્છેદ ૩૫૨ અંતર્ગત રાષ્ટ્રપતિને રાષ્ટ્રીય ઈમરજન્સી ઘોષિત કરવાનો અધિકાર છે. પ્રધાનમંત્રીની અધ્યક્ષતાવાળા મંત્રીમંડળની લેખિત ભલામણ પર ઈમરજન્સી જાહેર કરી શકાય છે. તે અંતર્ગત નાગરિકોને તમામ મૌલિક અધિકાર બાધિત થઈ જાય છે. જ્યારે સંપૂર્મ દેશ અથવા કોઈ રાજ્ય પર અકાળ, બાહરી દેશોના આક્રમણ અથવા આંતરિક પ્રશાસનિક અવ્યવસ્થા અથવા અસ્થિરતા વગેરે જેવી સ્થિતિ ઊભી થાય, તે સમયે આ વિસ્તારના તમામ રાજનૈતિક અને પ્રશાસનિક શક્તિઓ રાષ્ટ્રપતિના હાથમાં જતી રહે છે. ભારતમાં અત્યાર સુધીમાં કુલ ત્રણ વાર ઈમરજન્સી લાગૂ ચુકી છે. તેમાં વર્ષ ૧૯૬૨, ૧૯૭૧ તથા ૧૯૭૫માં અનુચ્છેદ ૩૫૨ અંતર્ગત રાષ્ટ્રીય ઈમરજન્સી લગાવી હતી. જણાવી દઈએ કે ૧૯૭૫માં કટોકટી લાગુ કરવાની જાહેરાત અલાહાબાદ હાઈકોર્ટના એક ચુકાદા બાદ આવી હતી.
હાઈકોર્ટે ઇન્દિરા ગાંધીના ચૂંટણીને પડકારતી અરજી પર ૧૨ જૂન ૧૯૭૫ના રોજ ચુકાદો સંભળાવ્યો હતો. હાઈકોર્ટે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની રાયબરેલીથી ચૂંટણીને રદ કરી દીધી હતી અને આગામી ૬ વર્ષ સુધી તેમના ચૂંટણી લડવા પર પ્રતિબંધ પણ મૂકી દીધો હતો. આ પછી ઇન્દિરા ગાંધીના રાજીનામાની માંગ શરૃ થઈ ગઈ અને દેશમાં જગ્યા-જગ્યાએ આંદોલનો થવા લાગ્યા. સુપ્રીમ કોર્ટે પણ હાઈકોર્ટના આદેશને યથાવત રાખ્યો. આ પછી કટોકટીની જાહેરાત કરવામાં આવી હતી. રાજકીય પક્ષો આને અલોકતાંત્રિક નિર્ણય ગણાવતા ઇન્દિરા સરકાર અને કોંગ્રેસને ઘેરતા રહ્યા. જે પરિસ્થિતિઓમાં કટોકટી લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી હતી, જે રીતે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ આની જાણકારી આપી, તે અંગે સવાલો ઉઠ્યા. ઇન્દિરા સરકારના નિર્ણયને સરમુખત્યારશાહી ગણાવતા વિવિધ સંગઠનો વિરોધમાં ઉતરી આવ્યા અને ભારે વિરોધ શરૃ થઈ ગયો હતો.