સંસદમાં વિશ્વાસ મત હારતા નેપાળમાં ‘પ્રચંડ’ સરકારનું પતન
કેપી શર્માની આગેવાની હેઠળના સીપીએન યુએમએલએ ટેકો પાછો ખેંચી લીધા પછી સરકારને વિશ્વાસ મતનો સામનો કરવો પડ્યો
નેપાળના વડાપ્રધાન રહેલા પુષ્પ કમલ દહલ પ્રચંડ માટે શુક્રવાર (૧૨ જુલાઈ)નો દિવસ એક ખરાબ દિવસ સાબિત થયો. તેમણે સંસદમાં પોતાનો વિશ્વાસમત ગુમાવી દીધો. ત્યારબાદ તેમણે પોતાના પદ પરથી રાજીનામું પણ આપી દીધું. જેના પછી હવે પ્રશ્ન થવા લાગ્યો છે કે નેપાળના આગામી વડાપ્રધાન કોણ બનશે?
નેેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ સંસદના નીચલા ગૃહમાં વિશ્વાસમત મેળવી શકયા નહીં. તેમના સમર્થનમાં માત્ર ૬૩ મત પડયા જ્યારે વિરોધમાં ૧૯૩ મત. આમાં એક સાંસદે મતદાનમાં ભાગ લીધો ન હતો. સંસદમાં કુલ ૨૫૮ સાંસદો હાજર હતા.
ગયા અઠવાડિયે તેમની સરકારમાંથી કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ નેપાળ-યુનિફાઇડ માર્ક્સવાદી લેનિનવાદી (સીપીએન-યુએમએલ)એ પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું હતું. દેશની ૨૭૫ સભ્યોની પ્રતિનિધિ સભામાં ૬૯ વર્ષના પ્રચંડને ૬૩ મત મળ્યા, જ્યારે વિશ્વાસમત પ્રસ્તાવની વિરુદ્ધમાં ૧૯૪ મત પડયા. વિશ્વાસમત મેળવવા માટે ઓછામાં ઓછા ૧૩૮ મતની જરૃર હતી. પ્રચંડ ૨૫ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ પદ સંભાળ્યા પછી ચાર વખત વિશ્વાસમત મેળવવામાં સફળ રહ્યા, પરંતુ આ વખતે તેમને નિષ્ફળતા મળી.
પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીના નેતૃત્વ હેઠળની સીપીએન-યુએમએલએ સદનમાં સૌથી મોટી પાર્ટી નેપાળી કોંગ્રેસ સાથે સત્તા-ભાગીદારી સમજૂતી પર હસ્તાક્ષર કર્યા પછી ગયા અઠવાડિયે પ્રચંડના નેતૃત્વવાળી સરકારમાંથી સમર્થન પાછું ખેંચી લીધું હતું. નેપાળી કોંગ્રેસના અધ્યક્ષ શેર બહાદુર દેઉબા પહેલેથી જ આગામી વડાપ્રધાન તરીકે ઓલીનું સમર્થન કરી ચૂકયા છે. નેપાળી કોંગ્રેસ પાસે પ્રતિનિધિ સભામાં ૮૯ બેઠકો છે, જ્યારે સીપીએન-યુએમએલ પાસે ૭૮ બેઠકો છે. આ રીતે બંનેની સંયુક્ત સંખ્યા ૧૬૭ છે, જે નીચલા ગૃહમાં બહુમતી માટે જરૃરી ૧૩૮થી ઘણી વધારે છે.
૨૭૫ સભ્યોની પ્રતિનિધિ ધરાવતા નેપાળના નીચલા ગૃહમાં સરકારની રચના માટે ૧૩૮ સભ્યોની જરૃર હોય છે, જ્યારે નેકા અને સીપીએન-યુએમએલ ગઠબંધન પાસે ૧૬૭ સભ્યોનું બળ છે જે નીચલા ગૃહમાં બહુમતીના આંકડા કરતાં ઘણું વધારે છે. આથી આશાઓ લગાવવામાં આવી રહી છે કે દેઉબા અને ઓલીની સત્તામાં વાપસી થઈ શકે છે. નેકા અને સીપીએન-યુએમએલ વચ્ચે થયેલા સમજૂતી મુજબ ઓલી અને દેઉબા વારાફરતી ત્રણ વર્ષ સુધી વડાપ્રધાન પદ સંભાળશે. નેપાળી કોંગ્રેસના અધ્યક્ષ શેર બહાદુર દેઉબાએ પહેલેથી જ ઓલીને આગામી વડાપ્રધાન તરીકે સમર્થન આપી દીધું છે.