ખેડા જિલ્લામાં સરસ્વતી સાધના યોજના હેઠળની સાયકલો વણોતી અને ભૂમસમાં કાટ ખાતી હાલતમાં
પડી રહેલ ૭પ૦થી વધુ સાયકલોનું લાભાર્થીઓને વિતરણ કરાયું નથી કે વધારાની છે તે તપાસનો વિષય
શાળાઓએ વધુ સંખ્યા લખાવી હોવાની ધારણા, ખોટી નોંધણી કરાવનાર સામે કોઇ કાર્યવાહી નહીં!
આ અંગે મળતી વિગત મુજબ સમાજ કલ્યાણ વિભાગને સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળા તરફથી શાળામાં વિદ્યાર્થિનીઓ સંખ્યા દર્શાવી દરખાસ્ત કરવામાં આવતી હતી. આ દરખાસ્તના આધારે સરકાર સાયકલો તૈયાર કરાવતી હતી.પરંતુ શરૂઆતમાં શાળામાં વિદ્યાર્થિનીઓની સંખ્યા ૫૦ હોય અને પાછળથી વિદ્યાર્થિનીઓ એડમીશન લેશે તેમ સમજીને ૧૦ સાયકલો વધારે નોંધાવે. આખા જિલ્લામા આવી ઘણી બધી શાળાઓ હોય ત્યારે સાયકલો વધારે નોંધવામાં આવતી હોય છે પરંતુ વાસ્તવમાં જ્યારે ફોર્મ ભરવામાં આવે અને સાયકલો લેવામાં આવે ત્યારે વિદ્યાર્થીઓની સંખ્યા વધી ના હોય એટલે માત્ર જે તે શાળા સંચાલકો વિદ્યાર્થીઓની સંખ્યા જેટલી જ સાયકલો લઇ શકે. બાકીની નોંધાવેલી દસ-બાર સાયકલો તેઓ પણ લઇ ના શકે એટલે આ જથ્થો વધે એ સ્વાભાવિક છે પરંતુ આવી ખોટી નોંધણી કરાવનાર એકપણ શાળા સામે આજ દિન સુધી કોઇ પગલા લેવાયા નથી.
ગત વર્ષ અનેક શાળાઓને સાયકલો ફાળવાઇ નથી, તપાસ જરૂરી
કેટલીક શાળાના સંચાલકોએ નામ ના આપવાની શરતે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૩ની યોજના અંતર્ગતની સાયકલો મળી જ નથી. દરખાસ્ત કરી છે પરંતુ સાયકલનું વિતરણ કરવામાં આવ્યું નથી. આ બાબતે નોંધાયેલ વિદ્યાર્થિનીઓની રૂબરૂ મુલાકાત લઇ તપાસ થવી જરૂરી બન્યું છે.
વર્ષ ર૦ર૩માં આવેલ ર૩૮ દરખાસ્તોના લાભાર્થીઓને સાયકલ મળી ગઇ છે : સમાજ કલ્યાણ વિભાગ
નડિયાદ સમાજ કલ્યાણ અનુ જાતિની કચેરીના સૂત્રોના જણાવ્યા મુજબ સન ૨૦૨૩-૨૪માં ૨૩૮ દરખાસ્તો આવી હતી તે તમામ વિદ્યાર્થિનીઓને સાયકલ મળી ગઇ છે. હવે કેટલીક શાળાઓએ દરખાસ્ત મોકલવા છતાંયે સાયકલ ન ફાળવાયાની ફરિયાદ કરી છે.ત્યારે જિલ્લા તંત્ર દ્વારા સમગ્ર મામલે કયા કાચું કપાયું અને લાભાર્થીઓને યોજનાકીય લાભથી વંચિત રાખવા બદલ જવાબદાર સામે કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગ થવા પામી છે.
સાયકલો એજન્સીની છે, માટે સરકારને કોઇ નુકસાન નહીં : કલેકટર
ખેડા જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવને ભૂમસ અને વણોતીમાં સરસ્વતી યોજનાની સાયકલો પડી રહ્યા સંદર્ભ પૃચ્છા કરતા જણાવ્યું હતું કે, આ સાયકલો નિયત કરેલી એજન્સીની હોય છે, સરકારને કોઇ નુકસાન નહી હોવાનું જણાવતા વધુમાં કહયું હતું કે, રાજય સરકાર દ્વારા યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓને વિતરણ માટેની સાયકલોનું એક એજન્સીને કામ અપાયું છે. જે એજન્સી દ્વારા ખેડા જિલ્લામાં સાયકલોના પાર્ટસ લાવીને સાયકલો તૈયાર કર્યા બાદ જુદા જુદા સ્થળે મૂકી રાખવામાં આવે છે. ત્યારબાદ જિલ્લાના જુદા જુદા સરકારી વિભાગોની દરખાસ્ત મુજબ એજન્સી સરકારી મોનોગ્રામ લગાવીને સાયકલોનું વિતરણ કરે છે. જે સમયે સરકારી અધિકારીઓ દ્વારા ખરાઇ કરવામાં આવતી હોવાનું જણાવ્યું હતું.
ધો.૯ની વિદ્યાર્થીનીઓને ઘરેથી શાળાએ અભ્યાસાર્થ સુગમતા માટે સરસ્વતી સાધના સાયકલ સહાય યોજના અંતર્ગત સાયકલ ફાળવવાની સરકારની યોજના છે. પરંતુ છેલ્લા બે વર્ષ ઉપરાંતના સમયથી આ યોજનાનો વાસ્તવિક અમલ થઇ રહ્યો છે કે કેમ તેની રાજયસ્તરેથી કોઇ ચકાસણી જ ન થતી હોવાનું જોવા મળે છે. ખેડા જિલ્લાના મહુધા તાલુકાના ભૂમસ ગામમાં તેમજ ઠાસરા તાલુકાના વણોતી ગામની શાળાઓમાં સરસ્વતી સાધના સાયકલ સહાય યોજના હેઠળની ૭પ૦થી વધુ સાયકલો કાટ ખાતી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
સરકારી યોજનાની લાલિયાવાડી મામલે શિક્ષણ વિભાગે હાથ ઉંચા કરીને આ અંગેની તમામ કાર્યવાહી સમાજ કલ્યાણ વિભાગ દ્વારા થતી હોવાનું જણાવ્યું હતું. જયારે સમાજ કલ્યાણ કચેરીએ મળેલ તમામ દરખાસ્તો મુજબની વિદ્યાર્થીનીઓને સાયકલો મળી ગયાની સ્પષ્ટતા કરી હતી .ત્યારે સવાલ એ છે કે બંને ગામોની શાળાઓમાં ખડકલો થયેલી સાયકલો કોની? બીજી તરફ અનેક શાળાઓની લાભાર્થી વિદ્યાર્થીનીઓને સાયકલ ન મળી હોવાનું પણ ચર્ચાય છે. ત્યારે આ સમગ્ર બાબત તપાસનો વિષય બની છે.
રાજ્ય સરકારની સરસ્વતી સાધના યોજના અંતર્ગત સરકારી તેમજ ગ્રાન્ટેડ શાળામાં ધો.૮માં ઉર્ત્તીણ થઇને ધો. ૯માં જનાર વિદ્યાર્થિનીઓને નિયમોનુસાર સાયકલ વિનામૂલ્યે આપવામાં આવે છે. શાળાથી દૂર રહેતી વિદ્યાર્થિની શાળામાં નિયમિત પહોંચી શકે તે માટે આ સાયકલો આપવામાં આવે છે. ખેડા જિલ્લાના ભુમસ ગામમાં ૫૪૩ તેમજ વણોતી ગામની શાળાઓમાં ૨૫૦ જેટલી સાયકલો ઘણા સમયથી પડી રહી હોવાથી કાટ ખાતી સ્થિતિમાં પરિવર્તિત થઇ રહી છે.
વણોતી શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે,અમારી શાળામાં બે રૂમ ભરીને સાયકલો વર્ષ ૨૦૧૫થી પડી છે. તેનો નિકાલ કરવા માટે તાલુકા કચેરીએ ૩થી ૪ વાર લખ્યું પરંતુ તેનો નિકાલ થયો નથી. તંત્રની બેદરકારીને કારણે આ સાયકલો ત્યાં કાટ ખાય છે. શાળામાં ઓરડાઓની કમી છે ત્યારે ૨૦૧૫થી આ સાયકલોને ઓરડામાં મુકવામાં આવી હોવાથી પરેશાનીની સ્થિતિ થઇ છે.
મહુધા તાલુકાના ભુમસ રામદેવપીર મંદિર કમ્પાઉન્ડમાં પણ લગભગ ૫૪૩ જેટલી સાયકલો ધૂળ ખાય છે.
આ સાયકલ પર પ્રવેશ ઉત્સવ ૨૦૨૩ લખેલું છે એટલે કે આ સાયકલો વિદ્યાર્થિનીઓને ૨૦૨૩માં આપવાની હતી. ત્યારે તમામ લાભાર્થી વિદ્યાર્થીનીઓને સાયકલ ફાળવાઇ ગયા બાદ આ વધી છે કે આયોજનપૂર્વક કામગીરીને બદલે લાલિયાવાડી થઇ છે તે તો તપાસ બાદ જ બહાર આવે તેમ છે.