બોરસદ : યોગ્ય કારણ વિના કલેઇમ નામંજૂર ન કરવો જોઇએ,સારવાર ખર્ચના ૧.૦૮ લાખ ચૂકવવા ગ્રાહક કોર્ટનો હૂકમ
કોરાનાની સારવાર દરમ્યાન દર્દીનું અવસાન થયું હતું, વીમા કંપનીએ કલેઇમ લેટ ઇન્ટીમેશનના કારણોસર દાવો નામંજૂર કર્યો હતો
બોરસદના મહિલાને તાવ, અશકિત જણાતા તબીબી ટેસ્ટ દરમ્યાન કોરોના પોઝિટીવ આવતા સારવાર માટે દાખલ કરાયા હતા. જયાં તબિયત વધુ ગંભીર બનતા તેઓ મૃત્યુ પામ્યા હતા. જેઓના સારવાર ખર્ચ બદલ પુત્રએ વીમા કંપનીમાં કલેઇમ ફોર્મ મોકલ્યુ ંહતું. પરંતુ વીમા કંપનીએ ફરિયાદીનો કલેઇમ લેટ ઇન્ટીમેશન આપેલ હોવાના કારણોસર રીજેકટ કર્યો હતો. જેથી આ અંગે ગ્રાહક તકરાર નિવારણ કમિશન,આણંદમાં ફરિયાદ કરી હતી. જેમાં તમામ બાબતો ધ્યાને લઇને કોર્ટે વીમાકંપનીએ સારવાર ખર્ચ વ્યાજ સહિત ચૂકવવા હૂકમ કર્યો હતો.
મળતી વિગતોમાં બોરસદના તપન કે.શાહે યુનિવર્સલ સોમ્પો જનરલ ઇન્સ્યોરન્સ કં.લી.માંથી પરિવારના સ્વાસ્થ્યના રક્ષણ અર્થ મેડીકલેઇમ વીમા પોલીસી ઉતરાવી હતી. પોલીસી સમય દરમ્યાન તેમના માતા મયુરીકાબેનને તાવ અને અશકિત જણાતા બોરસદની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જયાં લેબોરેટરી સહિતના ટેસ્ટમાં કોરોના પોઝિટીવ આવ્યો હતો. આથી હોસ્પિટલમાં દાખલ થઇને સારવાર શરુ કરી હતી. પરંતુ ૧૦ એપ્રિલ,ર૦ર૧ના રોજ તબિયત ગંભીર બનતા તેઓનું અવસાન થયું હતું. સારવાર દરમ્યાનના કુલ ખર્ચ ૧.૦૭ લાખની જાણ તપન શાહે વીમા કંપનીને કરવા સાથે કલેઇમ ફોર્મ ભર્યુ હતું. પરંતુ કલેઇમ લેટ ઇન્ટીમેશન આપેલ હોવાના કારણોસર વીમા કંપનીએ દાવો રીજેકટ કર્યો હતો. જેથી તપન શાહે ગ્રાહક તકરાર નિવારણ કમિશન,આણંદમાં ફરિયાદ કરી હતી.
જેમાં વીમા કંપની દ્વારા લેખિત જવાબ રજૂ કરાયો હતો કે, ફરિયાદીએ કલેઇમની સમયસર જાણ કરેલ ન હોવાથી કલેઇમ રીજેકટ કરેલ છે. દર્દીને દાખલ ૩૦ માર્ચના રોજ દાખલ કરાયા હતા. જયારે વીમા કંપનીને ૧પ એપ્રિલ એટલે કે ૧પ દિવસ મોડી જાણ કરી હતી. નિયમોનુસાર ૩૦ દિવસમાં ડોકયુમેન્ટ સબમીટ કરાવ્યા નહતા. આ કારણસર કલેઇમ રીજેકટ કરવામાં આવેલ છે.
ગ્રાહક કોર્ટે તારણમાં નોંધ્યું હતું કે, ફરિયાદીએ રજૂ કરેલ દસ્તાવેજી પુરાવાઓ જોતાં વીમા કંપનીએ કરેલ રજૂઆત સાચી જણાતી નથી. વીમા કંપની દ્વારા તેમના લેખિત જવાબ સિવાય કોઇ દસ્તાવેજી પુરાવાઓ રજૂ રાખેલ નથી. આ સંજોગોમાં ફરિયાદીના કલેઇમ નામંજૂર કરવાનું વીમા કંપની પાસે કોઇ વ્યાજબી કારણ જણાતું નથી. ફરિયાદીએ ૧૫ દિવસ પછી કલેઇમની જાણ કરેલ હોવાની વીમા કંપનીની હકીકત ખોટી હોવાનું જણાય છે. કલેઇમની રકમ ન ચૂકવવાના આશયથી અનફેર ટ્રેડ પ્રેકટીસ આચરેલ હોવાનું જણાય છે.
આ કેસમાં ગ્રાહક કોર્ટ દ્વારા યુનિવર્સલ સોમ્પો જનરલ ઇન્સ્યોરન્સ કં.ને આદેશ આપવામાં આવ્યો હતો કે, ફરિયાદી તપન શાહને ૧.૦૭ લાખ બે માસમાંચ ૂકવી આપવા અને આ રકમ ઉપર વીમા કંપનીએ અરજીની તા. ૩ જાન્યુ.ર૦રરથી વાર્ષિક ૯ ટકા લેખે વ્યાજ વસૂલ થતા સુધી આપવાનું રહેશે. વધુમાં ફરિયાદીને માનસિક ત્રાસ બદલ રૂ. ૩ હજાર અને અરજી ખર્ચના રૂ. ર હજાર પણ ચૂકવવા વીમા કંપનીને હૂકમ કર્યો હતો.