મહુધા : નોકરી અપાવવાના બહાને લીધેલા નાણાં પરત પેટેનો ચેક રીટર્નના કેસમાં ૧ વર્ષની કેદ
મીઠાપુરાના બિંદેશ ચાવડાએ આશ્રમશાળામાં નોકરી અપાવવાનું કહીને ભેમાભાઇ ડાભી પાસેથી ૧ લાખ લીધા હતા
મહુધા તાલુકાના ફીણાવમાં રહેતા વ્યકિતના ભાઇને આશ્રમશાળામાં નોકરી અપાવવાનું કહીને ઠાસરા તાલુકાના મીઠાપુરના વ્યકિતએ રૂ.૧ લાખ લીધા હતા. પરંતુ લાંબા સમય છતાંયે નોકરીની વ્યવસ્થા ન થતા આપેલા નાણાં પરત માંગતા ચેક આપ્યો હતો. જે બેંકમાં ભરતા રીટર્ન થતા મહુધા કોર્ટમાં ફરિયાદ કરી હતી. કોર્ટે આરોપીને એક વર્ષની કેદ અને રૂ.૧ લાખ વ્યાજ સહિત ચૂકવવા હૂકમ કર્યો હતો.
મળતી વિગતોમાં ફીણાવમાં રહેતા નગીનભાઇ ડાભી એસ.ટી.માં કંડકટર તરીકે નોકરી કરે છે. તેઓને બળવંતભાઇ ચૌહાણ મારફતે ઠાસરા તાલુકાના મીઠાપુરામાં રહેતા બિંદેશ લ-મણસિંહ ચાવડા સાથે પરિચય થયો હતો. દરમ્યાન નગીનભાઇએ પોતાના ભાઇ પંકજભાઇને આશ્રમશાળામાં નોકરી અપાવવા બાબતે વાત કરતા બિંદેશ ચાવડાએ એક લાખ રુપિયાની માંગણી કરી હતી. જેથી નગીનભાઇના પિતાએ ૬ ઓગસ્ટ,ર૦ર૦ના રોજ રૂ. ૧ લાખનો ચેક આપ્યો હતો. જે નાણાં ચૂકવ્યાના લાંબા સમય છતાંયે નોકરીની વ્યવસ્થા ન થતા રકમ પરત માંગી હતી. જેથી બિંદેશ ચાવડાએ ૩૦ સપ્ટે.ર૦રરનો ચેક આપ્યો હતો. જે બેંકમાં જમા કરાવતા અપૂરતા ભંડોળના શેરા સાથે પરત આવતા ૧૯ ઓકટો.ર૦રરના રોજ નોટિસ મોકલી હતી. છતાંયે નાણાં પરત ન મળતા ૧૭ નવે.ર૦રરના રોજ મહુધા કોર્ટમાં ફરિયાદ કરી હતી. જેમાં મૌખિક અને દસ્તાવેજી પુરાવા રજૂ કર્યા હતા. આ કેસમાં કોર્ટે નોંધ્યું હતું કે, ફરિયાદ પક્ષ ધી નેગો.ઇન્સ્ટ´. એકટની કલમ ૧૩૮ મુજબના ગુના સબબ આરોપીને તકસીરવાન ઠરાવવા માટેના તમામ આવશ્યક તત્વો નિ:શંકપણે પૂરવાર કરી રહેલ છે. આ કેસ સમન્સ ટ્રાયબલ રીતે ચલાવવામાં આવેલ હોઇ સદર કેસમાં આરોપીને સજા અંગે સાંભળવા જરુરી ન હોવાનું અદાલતે માન્યું હતું.આ કેસમાં તાજેતરમાં ન્યાયાધીશ ભરતકુમાર મનમોહનભાઇ પરમાર (જયુડી. મેજી. ફ.ક.,મહુધા)એ આરોપી બિંદેશ ચાવડાને ધી નેગો.ઇન્સ્ટ´. એકટની કલમ ૧૩૮ના ગુનામાં ક્રિ.પ્રો.કોડની કલમ રપપ(ર)અન્વયે તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદનો હૂકમ કર્યો હતો. વધુમાં ક્રિ.પ્રો.કોડની કલમ ૩પ૭(૩) અન્વયે ફરિયાદીને તકરારી ચેકની રકમ, હાલની ફરિયાદ કર્યા તારીખથી વસૂલ ના આપે ત્યા઼ સુધી ૯ ટકાના સાદા વ્યાજ સાથે વળતર તરીકે ચૂકવી આપવાનો હૂકમ કર્યો હતો. વધુમાં રકમ ચૂકવવામાં નિષ્ફળ જાય તો વધુ ૩ માસની સાદી કેદની સજાનો હૂકમ કર્યો હતો.