સુરત : સુપ્રીમ કોર્ટની અવગણના બદલ પીઆઈ અને જજ દોષી
આરોપીએ સુપ્રીમ કોર્ટમાં વચગાળાના આગોતરા જામીન મેળવ્યા હતા તેમ છતાં ધરપકડ કરાઈ હતી અને જજ દ્વારા રિમાન્ડ પણ મંજૂર કરાયા હતા
સુરતના વેસુ પોલીસમાં ઠગાઈ કેસમાં આરોપીને સર્વોચ્ચ અદાલતના વચગાળાના આગોતરા જામીન મેળવ્યા હોવા છતાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ કસ્ટડીમાં આરોપીને ઢોર માર મારનાર પીઆઈ રાવલ અને ચીફ જ્ુડિશીયલ મેજીસ્ટ્રેટને સુપ્રીમે દોષી ઠેરવ્યા છે, તેમજ ૨જી સપ્ટેમ્બરે હાજર રહેવા આદેશ આપ્યો છે.
સુરત શહેરમાં વેસુ પોલીસમાં એક જ મિલકતમાંથી એકથી વધુ લોકોને વેચીને કુલ રૃપિયા ૧.૬૫ કરોડની ઠગાઈનુ કાવતરૃ રચ્યું હતું. કાવતરામાં સંડોવાયેલા આરોપીઓ સુમિત ગોયેન્કા, તુષાર શાહ, રાજુસિંહ, ઓમકારસિંહ વિરૃદ્ધ વેસુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં આરોપી તુષાર શાહે સુપ્રિમ કોર્ટમાંથી વચગાળાના આગોતરા જામીન મેળવ્યા હતા. તેમ છતાં આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. સુરતની એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટે ટ્રાયલ કોર્ટ માટે રિમાન્ડ મંજૂર કર્યા હતા. સુપ્રીમના ચુકાદાનો તિરસ્કાર બદલ સુપ્રિમ કોર્ટના જસ્ટીસ બી.આર.ગવાઈ તથા જસ્ટીસ સંદિપ મહેતાની બેન્ચે વેસુ પોલીસ મથકના પીઆઈ રાવલ તથા સુરતના છઠ્ઠા એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ દિપાબેન ઠાકરને દોષી ઠેરવી સજા માટે આગામી તા.૨જી સપ્ટેમ્બરે હાજર રહેવા આદેશ આપવામાં આવ્યા છે.
વેસુ પોલીસે રિમાન્ડ દરમિયાન આરોપી તુષાર શાહને માર મારીને સ્ટેમ્પ પેપર તથા ડાયરીમાં સહી અંગુઠા મરાવી લેવામાં આવ્યા હતા. આગોતરા જામીનના હુકમની અવમાનના કરવા બદલ ફરિયાદી તુષાર શાહે સુરતના સ્થાનિક વકીલ દિપેશ દલાલ સીનીયર કાઉન્સેલ આઈ. એસ. સૈયદ વગેરે દ્વારા સ્પેશ્યલ કન્ટેમ્પ્ટ પીટીશન દાખલ કરી હતી. સુપ્રિમ કોર્ટની ડીવીઝન બેન્ચે ગુજરાત સરકારના ગૃહ વિભાગના એડીશ્નલ મુખ્ય સચિવ,સુરત શહેર પોલીસ કમિશ્નર,ડેપ્યુટી પોલીસ કમિશ્નર,વેસુ પોલીસ મથકના પીઆઈ રાવલ,સુરતના એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટને ગઈ તા.૧૦મી જાન્યુઆરીના રોજ કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની નોટીસ ઈશ્યુ કરી હતી.જેની સુનાવણી સુપ્રિમ કોર્ટની ડીવીઝન બેન્ચે ચુકાદો અનામત રાખ્યો હતો.
સુરત શહેર પોલીસ કમિશ્નર અજય તોમર, ડીસીપી ઝોન-૪ વિજયસિહ ગુર્જર ફરિયાદી અભિષેક ગોસ્વામી વિરુધ્ધની કન્ટેમ્પ્ટ નોટીસને ડીસ્ચાર્જ કરતો હુકમ કર્યો છે. સુપ્રિમ કોર્ટે સુરત મેજીસ્ટ્રેટે પોલીસ કસ્ટડીનો હુકમ ન્યાયના હિતમાં શુધ્ધબુધ્ધિપુર્વકનો તથા કાયદાકીય પરિસ્થિતિની ગેરસમજના લીધે થયાનો બચાવ નકારી કાઢયો છે.