બામરોલીમાં વાંદરાઓનો આતંક : એક માસમાં રપથી વધુ લોકોને બચકાં ભરી ઇજા પહોંચાડી
અગાઉ વનવિભાગે પકડીને વગડામાં છોડી મૂકેલા વાંદરા ફરીથી હૂમલા કરી રહ્યાની સ્થાનિકોમાં ભીતિ
વસો તાલુકાના બામરોલી ગામમાં છેલ્લા એક માસ ઉપરાંતના સમયથી વાનરોના ટોળાના આતંકે ગ્રામજનોને ઘરમાં કેદ રહેવાની વિકટ સ્થિતિમાં મૂકી દીધા છે. છેલ્લા એક માસમાં વિવિધ કામસર બહાર નીકળેલા લોકો પર એકાએક હૂમલો કરીને અંદાજે રપ લોકોને વાનરોએ ઇજા પહોંચાડી છે.
બામરોલીના સીમ વિસ્તારમાં દિવસ-રાત વાનરોના ટોળાએ અડીંગો જમાવ્યો છે. રસ્તા પરથી એકલ-દોકલ પસાર થતા વ્યકિત પર વાનર એકાએક હૂમલો કરીને શરીરે બચકાં ભરીને ઇજા પહોંચાડી રહ્યા હોવાથી ગ્રામજનોમાં ભીતિ વ્યાપી છે. થોડા સમય અગાઉ આતંક મચાવતા વાનરોને પકડીને વન વિભાગે વગડામાં છોડી મૂકયા હતા. જે વાનરો ફરીથી આવીને હૂમલો કરી રહ્યાની ભીતિ ગ્રામજનો વ્યકત કરી રહ્યા છે.
છેલ્લા કેટલાક દિવસથી એકાએક ઘરમાં ઘૂસી આવતા વાનરો ખોરાક ઝડપી લેવા સાથે વસ્તુઓને નુકસાન પહોંચાડી રહ્યાની ફરિયાદો ઉઠવા પામી છે. વાનરોને રોકવાનો પ્રયાસ કરનાર પર હૂમલો કરી ઇજા પહોંચાડવામાં આવી રહી છે. આથી વન વિભાગ દ્વારા સત્વરે તોફાની વાનરોને પકડીને દૂરના સ્થળે છોડી મૂકવામાં આવે તેવી માંગ થવા પામી છે. જયારે વન વિભાગ જણાવી રહ્યું છે કે, અગાઉ પણ આ પ્રકારની સમસ્યા ટાણે તોફાની વાનરોને પકડીને સુરિક્ષત વિસ્તારમાં છોડયા હતા. હવે પુન: પરેશાની ઉભી થવાથી ગ્રામજનોની હાલાકી દૂર થાય તે માટે સત્વરે યોગ્ય કાર્યવાહી કરવામાં આવનાર છે.