મિત્રાલમાં રખડતા આખલાએ દસ દિવસમાં સાત લોકો પર હુમલો કર્યો
વસો તાલુકાના મિત્રાલ ગામમાં છેલ્લા દસેક દિવસમાં સાત જેટલા લોકો પર આખલાએ હુમલો કરતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
વસો તાલુકાના મિત્રાલ ગામ મુખ્ય રસ્તા પર તેમજ ઈન્દિરા નગરી શાળા પાસે ગાય અને આખલા અડિંગો જમાવી બેઠેલા હોય છે. આ રખડતા ગાય આખલાઓ રોડ પરથી અવર જવર કરતા લોકો તેમજ વાહન ચાલકોને હડફેટે લેતા હોય છે. ચારેક દિવસ અગાઉ ગામના મુખ્ય રોડ પરથી પસાર થતા શબ્બીરોદીન નરસુદ્દીન ભઠ્ઠીને આખલાએ શિંગડે ચઢાવી ફેંકી દેતા યુવક લોહી લુહાણ થઈ ગયો હતો. આવી જ રીતે આજે બુધવારે સવારે કલરકામ કરવા જઈ રહેલ આરીફોદ્દીન હમિરદોદીન મલેક (રહે. પેટલાદ) પર આખલાએ ઓચિંતો હુમલો કર્યો હતો. આ યુવાનને આખલાએ શીંગડે ચઢાવતા માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજા થઈ હતી. સદનસીબે આજુબાજુના લોકોએ દોડી આવી યુવકને છોડાવતા બચી જવા પામ્યો હતો. ગામની ઈન્દિરા નગરી શાળા પાસે રોડ પર ગાયો આખલાઓ અડિંગો જમાવી બેઠેલા હોય છે. જેના કારણે શાળામાં જતા બાળકો તેમજ લોકોની સલામતી સામે જોખમ ઊભુ થયું છે. છેલ્લા દસેક દિવસમાં રખડતા ઢોરોએ સાત જેટલા લોકો પર હુમલા કરતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. વહેલી તકે આ રખડતા આખલના ત્રાસથી પ્રજાને તંત્ર મુક્ત કરે તેવી માંગ છે.