નડિયાદ પાલિકાની સામાન્ય સભા વધુ એક વખત ગણતરીની સેકન્ડોમાં જ પૂર્ણ
પાલિકા પ્રમુખ મિટીંગ બરખાસ્ત કરીને ચાલ્યા જતા વિપક્ષનો પાલિકાને ભીંસમાં લેવાનો પ્રયાસ નિષ્ફળ
પાલિકાના દાદર પર અપક્ષ કાઉન્સિલરે રોડા ઠાલવીને પોતાનો રોષ વ્યક્ત કર્યો
આ સામાન્ય સભામાં અપક્ષ વોર્ડ નંબર ૬ના કાઉન્સિલર માજીદખાન પઠાણે નડિયાદ શહેરમાં રસ્તા પર ઠેકઠેકાણે પડેલા ખાડાઓ મામલે પોતાનો આ સભામાં વિરોધ નોંધાવ્યો હતો. અપક્ષ કાઉન્સિલરે રોડાઓનુ બાચકુ લાવી નગરપાલિકામા પગથિયાં પર ઠાલવ્યું હતુ. આ ઉપરાંત નગરપાલિકાના મુખ્યગેટ પાસેના આવનજાવનના રસ્તા પર મસમોટા ખાડા પડી ગયા હોવાથી આ કાઉન્સિલરે પોતાના ખર્ચે ટ્રેક્ટર ભરી રોડા નાખીને રોડને સમતલ કર્યો છે જેથી ચાલીને જતા કે વાહન લઇને આવતા જતા અરજદારોને કોઈ તકલીફ ન પડે.અપક્ષ કાઉન્સિલર માજીદખાન પઠાણે જણાવ્યું કે, સત્તાધારી પક્ષ ગણતરીની મિનિટમાં આ સામાન્ય સભા બરખાસ્ત કરી દીધી છે. અમને સાંભળ્યા પણ નહોતા અમારો આક્ષેપ છે કે છેલ્લા એક વર્ષમાં ૭૮ કરોડ વાપરવામાં આવ્યા છે. પણ આ નાણાં ક્યાં વપરાયા છે તેની કોઈ સભામાં ચર્ચા થઇ નથી, આજે નડિયાદ શહેરમાં ઠેકઠેકાણે રસ્તાઓ તૂટી ગયેલા છે અને ખાડાઓનુ સામ્રાજ્ય છે. વોર્ડ નંબર ૪,૫,૬ની અંદર તો રોડ જ કેટલા સમયથી બન્યા નથી તો આટલી મોટી માતબર રકમ ક્યાં વપરાય તે મોટો પ્રશ્ન છે ? પ્રજાની સગવડ માટે વપરાયેલા પૈસા ખુદ નગરપાલિકા પણ વાપરી શકતી નથી તેનો દાખલો મેં પુરવાર કર્યો છે મેં મારા સ્વખર્ચે નગરપાલિકાના ગેટ પાસે પડેલા ખાડાને પુરાવ્યા છે. અને આ મુદ્દે સત્તાધારી પક્ષને આંખો ખુલે તે માટે રોડાનુ બાચકુ લાવી નગરપાલિકાના પગથિયાંમા ઠાલવી રોષ વ્યક્ત કર્યો છે.
ચોમાસાની સિઝન બાદ તમામ રસ્તાઓનું સમારકામ થશે ઃ પાલિકાના પ્રમુખ
નડિયાદ નગરપાલિકાની આજે મળેલી સામાન્ય સભાને માત્ર ગણતરીની સેકન્ડમાં જ પૂર્ણ કરી દઇ સભ્યોના પ્રશ્નોની વધુ એકવાર અવગણના કરવામાં આવી હતી જેના કારણે ઘણા સત્તાધિશ પક્ષના સભ્યોમાં પણ કચવાટ જોવા મળતો હતો પરંતુ સત્તા પક્ષમાં હોય તેવો બોલી શક્યા ન હતા જ્યારે વિપક્ષે ઘણા મુદ્દા ઉઠાવીને પાલિકાને ભીસમાં લેવાનો પૅતરો કર્યો હતો પરંતુ પાલિકાના પ્રમુખ કે સભા બરખાસ્ત કરીને પોતાની ઓફિસમાં ચાલી જતા આ મુદ્દાઓ ત્યાંના ત્યાં રહ્યા હતા આમ કરોડોના વિકાસ કામો માં થતા ભષ્ટાચાર ની વાત વિપક્ષના મોઢામાં જ રહી ગઈ હતી
નડિયાદ નગરપાલિકાની બપોરે ૧૨ઃ૦૦ કલાકે પાલિકા સભાખંડમાં પાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહ ના અધ્યક્ષ સ્થાને અને ઉપ-પ્રમુખ કલ્પેશ રાવળ તેમજ મુખ્ય અધિકારી રૃદ્રેશ હુદડ ની ઉપસ્થિતિમાં યોજાઈ હતી સામાન્ય સભા ને આ વખતે પણ દર વખતની જેમ સભાના અધ્યક્ષ પાલિકા પ્રમુખે ગણતરીની સેકન્ડમાં જ બરખાસ્ત કરી દીધી હતી. સભામાં કોઈપણ ચર્ચા વિચારણા વિના શહેરના વિકાસલક્ષી ૩૯ કામોને ગણતરીની સેકન્ડોમાં જ મંજૂર કરી દેવામાં આવતા સભામાં ઉપસ્થિત ઘણા ખરા પાલિકા સભ્યો માં કચવાટ ઉભો થયો હતો આ વચ્ચે સામાન્ય સભામાં સત્તાધારી પક્ષના મહિલા સભ્ય રાચુ પટેલે શહેરના સાથ પીપળી બજારમાં બનાવવામાં આવેલ સીસી રોડ ગણતરીના દિવસોમાં જ બિસ્માર બની ગયો હોવા ની પાલિકા પ્રમુખને લેખિત રજૂઆત કરી હતી
એજન્ડામાં લીધેલ કામો પૈકીના મોગલ કોટ ટાંકી પાસે આવેલ નગર પ્રાથમિક શાળા નંબર ૨નું મકાન જૂનું અને જર્જરીત થઈ ગયેલ હોય તે ઉતારી લેવા અને તે જગ્યાએ નવીન પીવાના પાણીની ટાંકીનું કામ અમૃત ૨.૦ અંતર્ગત મંજુર થયેલ છે તે મુજબ કામગીરી કરવાની મંજૂરી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તક આવેલ શાળા નં.૫ ટેલીફોન એક્ષચેન્જ સામે પીજ રોડનાં કમ્પાઉન્ડમાં આવેલ બિન ઉપયોગી અને જર્જરિત ઓરડાનું બાંઘકામ ઉતારી લેવાની મંજુરી, નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં આ સાથે સામેલ વિવિધ રસ્તાની યાદી મુજબ ડામર રોડ બનાવવાનું કામ માર્ગ અને મકાન વિભાગને સોંપવા ઠરાવ કરવા બાબત, નિર્મળ ગુજરાત - ૨.૦ અંતર્ગત નડિયાદ નગરપાલિકાને રૃા.૧.૦૦ કરોડ તેમજ જીવીપી બ્યુટીફીકેશન માટે રૃપિયા ૧૭ લાખની ગ્રાન્ટ ફાળવેલ છે તે પૈકી નડિયાદ શહેરમાં આઈકોનિક રોડ બનાવવાનું કામ અને જીવીપી બ્યુટીફીકેશનનાં કામ માટે ચીફ ઓફીસર નડિયાદ નગરપાલિકાને સત્તા આપવા મંજુરી આપવા બાબત, નડિયાદ શહેર માટે વરસાદી પાણીના નિકાલ માટે માસ્ટર પ્લાન બનાવી તે મુજબ કામગીરી કરવા માટે ગ્રાન્ટ મેળવવા દરખાસ્ત કરવા તેમજ આગળની તમામ કાર્યવાહી કરવા ઠરાવ કરવા બાબતનો સમાવેશ થાય છે. પ્રમુખ સ્થાનેથી ૫ કામોની મંજુરી અપાઈ છે. કારોબારી સમિતિની ભલામણ મુજબ સંતરામ નિલયમ કોમ્પલેક્ષમાં આવેલ ખાલી પડી રહેલ દુકાનો/ગોડાઉનો/ ઓફીસો પૈકી નિયમોનુસાર કાર્યવાહી કરી અસલ ભાડુઆતોને વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૃપે ફાળવવા બાબતે સરકારમાં દરખાસ્ત કરવા અને જે શરતોએ કિંમત તથા દરખાસ્ત અંગે જે નિર્ણય થઈને આવે તે મુજબ અમલ કરવા બાબત, મ્યુનિ. ઈજનેરના રીપોર્ટ મુજબ નડિયાદ નગરપાલિકા વિસ્તારમાં આવેલ સોશ્યલ કલબ સામે, ઉડેવાળ તળાવ પાસે આવેલ તથા સરદાર પટેલ સ્ટેચ્યુથી બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ સુધીના કાંસ પર આવેલ દુકાનોના સ્ટેબીલીટી રીપોર્ટ માટે પ્રિન્સીપાલ બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય, વલ્લભ વિદ્યાનગરના રજુ કરેલ કોટેશન રકમ મંજુર કરવા સહિતના ઠરાવોનો સમાવેશ થાય છે.