મોદીએ અદાણીને બચાવવાનું ષડયંત્ર ઘડયું, જે સેબીને તપાસ સોંપી તે કૌભાંડમાં સામેલ : કોંગ્રેસ
હિંડનબર્ગ રિપોર્ટની યોગ્ય તપાસ સંયુકત સંસદીય સમિતિ દ્વારા કરાવવા માંગ
અદાણી ગ્રુપની કંપનીઓમાં સેબી ચીફ માધવી પુરી બુચનો હિસ્સો હોવાનો હિંડનબર્ગ રિપોર્ટમાં ખુલાસો થયા બાદ રાજકારણ શરૂ થયું છે. કોંગ્રેસે કહ્યું છે કે નરેન્દ્ર મોદીએ તપાસના નામે પોતાના ખાસ મિત્ર અદાણીને બચાવવાનું ષડયંત્ર ઘડયું છે.
કોંગ્રેસે એકસ પર લખ્યું છે કે અદાણી કૌભાંડની તપાસ સેબીને સોંપવામાં આવી હતી. હવે સમાચાર છે કે સેબીના વડા માધવી બુચ પણ અદાણી કૌભાંડમાં સંડોવાયેલા છે. એટલે કે આ કૌભાંડની તપાસ કરનાર વ્યકિત પણ આ કૌભાંડમાં સામેલ છે.
કોંગ્રેસે કહ્યું છે કે આ કૌભાંડની યોગ્ય તપાસ સંયુકત સંસદીય સમિતિ (જેપીસી)દ્વારા જ થઇ શકે છે. જો કે મોદી સરકાર જેપીસી બનાવવા તૈયાર નથી. પીએમ મોદી કયાં સુધી અદાણીને બચાવી શકશે,એક દિવસ તો પકડાઇ જ જશે.
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશેપણ હિંડનબર્ગ રિપોર્ટને લઇને સેબી ચીફ માધવી પુરી બુચ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે એકસ પર એક નિવેદન બહાર પાડયું હતું. જેને કોંગ્રેસ દ્વારા પણ શેર કરવામાં આવ્યું હતું. તેમણે દાવો કર્યો હતો કે ૨૦૨૨માં સેબીના વડા બન્યા પછી તરત જ માધવી પુરી બુચે ગૌતમ અદાણી સાથે બે બેઠકો કરી હતી. જયારે તે સમયે સેબીઅદાણીના વ્યવહારોની તપાસ કરી રહી હતી.
જયરામે કહ્યું કે સંસદનું ચોમાસુ સત્ર ૧૨ ઓગસ્ટ સુધી ચાલવાનું હતું. જો કે તે અચાનક ૯ ઓગસ્ટના રોજ અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવ્યું હતું. તેેનું કારણ હવે સમજાય છે.