કર્મયોગી વન : પીપલગમાં ખેડા જિલ્લા પ્રશાસનના અધિકારી-કર્મચારી દ્વારા ૧.૯૦ હેકટરમાં રોપાઓનું વાવેતર
અધિકારી-કર્મચારીઓ પોતાની માતાના નામે નેમ પ્લેટ લગાવીને અંદાજે ૪ હજાર વૃક્ષો રોપશે
રોપાઓની સંભાળ માટે પાણી સહિત સુરક્ષા વોલ
કર્મયોગી વનમાં રોપાનાર ૪ હજાર રોપાઓની સારસંભાળ માટે પીપલગ ગ્રામ પંચાયત દ્વારા લોકભાગીદારીથી પિયત માટેના બોરકુવા, ઇલે.મોટરની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત રોપાઓની સંભાળ માટે જરુરી પાવડા, તબાસડા, કોદાળી, ખાતર વગેરે સામગ્રી મૂકવા ઓરડી બનાવાશે. ઉપરાંત વનને કોઇ નુકસાન ન થાય તે માટે તમામ વિસ્તારને સિમેન્ટ વોલથી સુરિક્ષત કરવામાં આવ્યો છે. જો કે અંદર ખેડ કાર્ય માટે મીની ટ્રેકટર જઇ શકે તે માટે બંને બાજુ ગેટ મૂકવામાં આવ્યા છે.
ખેડા જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એક પેડ માં કે નામ અભિયાનને સાર્થક બનાવવા નવતર પહેલરુપે કર્મયોગી વનનું નિર્માણ કરાયું છે. નડિયાદ તાલુકાના પીપલગ ખાતે ૧.૯૦ હેકટર વિસ્તારમાં જિલ્લાના વિવિધ વિભાગના અધિકારી-કર્મચારીઓ દ્વારા અંદાજે ૪ હજાર રોપાઓનું વાવેતર કરવામાં આવશે. ૧પ ઓગસ્ટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે કર્મયોગી વનમાં વૃક્ષારોપણ કરાશે.
કર્મયોગી વનમાં વચ્ચે એક પેડ મા કે નામ અભિગમને સાર્થક કરવા પ્રતિકાત્મક શિલ્પ મૂકવામાં આવશે. આ વનમાં અધિકારી,કર્મચારીઓ દ્વારા પોતાની માતાના નામે નેમ પ્લેટ લગાવી વૃક્ષારોપણ કરવામાં આવશે. આ વનમાં વડ, આમળા, પીપળા, કુસુમ, બહેડા, લીમડા, રાયણ, ખાટી આમલી, દેશી આંબા, બોરસલી, સીમડો, અર્જુનસાદડ, જાંબુ, કાઇજેરીયા સહિતની વિવિધ પ્રજાતિઓના રોપાનું વાવેતર કરવામાં આવી રહ્યું છે.