અહો આશ્ચર્યમ્ : નડિયાદમાં વરસતા વરસાદ વચ્ચે તંત્ર દ્વારા દાંડી માર્ગનું પેચવર્ક!
ચોમાસામાં ડામરકામ ન થાય કહેનાર તંત્રએ મુખ્યમંત્રીના આગમન અગાઉ ઝપાટાભેર રોડ સમથળ કર્યો : જાગૃતજનો
નડિયાદથી ઉત્તરસંડા તરફેનો દાંડી માર્ગ છેલ્લા કેટલાય સમયથી ઉબડખાબડ હાલતમાં ફેરવાઇ ગયો છે. ઉપરાંત નાના, મોટા ખાડાઓમાં ભરાયેલા પાણીના કારણે નાના, મોટા વાહનો પટકાતા હોવાની ફરિયાદો થવા પામી હતી. પરંતુ વરસાદમાં રોડનું સમારકામ ન થઇ શકેની તંત્રના મૌખિક ખુલાસાઓ વચ્ચે આજે આ માર્ગનું પેચવર્ક કરાતું જોઇને શહેરીજનોએ આશ્ચર્ય અનુભવ્યું હતું.
જાગૃતજનોના જણાવ્યાનુસાર રાજયના મુખ્યમંત્રી નડિયાદમાં આવનાર હોવાથી દાંડી માર્ગ વિભાગ એકાએક સક્રિય બન્યો છે અને તાત્કાલિક ધોરણે ઉબડખાબડ દાંડી માર્ગ પર પેચવર્ક કરવામાં આવ્યું છે. નવાઇની વાતે એ છે કે ચાલુ વરસાદમાં પેચવર્ક કામમાં માનવ શ્રમ સહિતની મશીનરી ઝપાટાભેર કામે લાગી હતી. જો કે મુખ્યમંત્રીના આગમન અગાઉ સમથળ બનેલા રોડ પરથી અવરજવરમંા સરળતા રહેશેનો આનંદ વ્યકત કરતા વાહનચાલકોએ એમ પણ કહયું હતું કે, હવે જોઇએ વરસાદમાં થયેલું પેચવર્ક કેટલા દિવસ ટકશે ?