શું ચાઈલ્ડ પોર્ન જોવું ગુનો છે? સુપ્રીમ કોર્ટમાં નિર્ણય હાલ પૂરતો અનામત
પોર્ન જોવું એ વ્યકિતની અંગત પસંદગી, દખલ ન કરી શકાય, એકલા જોવું ગુનો નથી : કેરળ હાઈકોર્ટ પોતાની ડિવાઇસ પર ચાઈલ્ડ પોર્નોગ્રાફી જોવી કે ડાઉનલોડ કરવી એ ગુનાના દાયરામાં નથી આવતું : મદ્રાસ હાઈકોર્ટ
ભારતમાં પોર્ન વીડિયો જોવા અંગેના કાયદા
-ઓનલાઈન પોર્ન જોવું ભારતમાં ગેરકાયદેસર નથી, પરંતુ ઇન્ફોર્મશન ટેકનોલોજી એકટ ૨૦૦૦ પોર્ન વીડિયોના નિર્માણ, પ્રકાશન અને પ્રસારણ પર પ્રતિબંધ મૂકે છે.
-ઇન્ફોર્મશન ટેકનોલોજી એકટ ૨૦૦૦ની કલમ ૬૭ અને ૬૭એમાં આવા ગુના કરનારાઓને ૩ વર્ષની જેલની સાથે ૫ લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ પણ છે.
-આ સિવાય આને લગતા ગુનાઓને રોકવા માટે આઈપીસીની કલમ ૨૯૨, ૨૯૩, ૫૦૦, ૫૦૬માં કાયદાકીય જોગવાઈઓ પણ કરવામાં આવી છે. ચાઈલ્ડ પોર્નોગ્રાફીના કિસ્સામાં પોકસો કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટે સોમવારે (૧૨ ઓગસ્ટ) ચાઇલ્ડ પોર્નોગ્રાફી સંબંધિત કેસની સુનાવણી કરી. લાઇવ લો અનુસાર, કેરળ હાઇકોર્ટના એ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે ફોન પર બાળકો સાથે સંબંધિત પોર્ન વીડિયો ડાઉનલોડ કરવો ગુનો નહીં ગણાય.
કેરળ હાઇકોર્ટે ૧૩ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ એક કેસની સુનાવણી કરતી વખતે કહ્યું હતું કે જો કોઇ વ્યકિત ખાનગી રીતે અશ્લીલ ફોટા અથવા વીડિય જોતો હોય તો તે ગુનો નથી, પરંતુ જો તે અન્ય લોકોને બતાવતો હોય તો તે ગેરકાયદેસર ગણાશે.
હકીકતમાં, પહેલા કેરળ હાઇકોર્ટ અને પછી તેના આધારે મદ્રાસ હાઇકોર્ટમાં એક આરોપીને નિર્દોષ જાહેર કર્યા પછી, એક એનજીઓએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ અંગે પોતાનો નિર્ણય હાલ પૂરતો અનામત રાખ્યો છે.
કેરળ હાઇકોર્ટે કહ્યું - પોર્ન જોવું એ વ્યકિતની અંગત પસંદગી, દખલ ન કરી શકાય. આ આદેશ કેરળ હાઇકોર્ટના જસ્ટિસ પીવી કુન્હીકૃષ્ણનની બેન્ચે આપ્યો હતો. જસ્ટિસ કુન્હીકૃષ્ણને કહ્યું હતું કે પોર્નોગ્રાફી સદીઓથી પ્રચલિત છે. આજે ડિજિટલ યુગમાં તે સરળતાથી સુલભ છે. તે બાળકો અને પુખ્ત વયના લોકોની આંગળીના ટેરવે ઉપલબ્ધ છે.
સવાલ એ છે કે જો કોઇ વ્યકિત તેના પ્રાઇવેટ ટાઇમમાં અન્યને બતાવ્યા વિના પોર્ન જોવે છે, તો તે ગુનો છે કે નહીં ? જયાં સુધી કોર્ટનો સંબંધ છે, તેને અપરાધ તરીકે વર્ગીકૃત કરી શકાય નહી કારણકે તે વ્યકિતની અંગત પસંદગી હોઇ શકે છે. આમાં દખલગીરી તેની ગોપનીયતામાં ઘૂસણખોરી સમાન હશે.
મદ્રાસ હાઇકોર્ટે કહ્યંું- ફોનમાં ચાઇલ્ડ પોર્ન ડાઉનલોડ કરવું ગુનો નથી. કેરળ હાઇકોર્ટની આ ટિપ્પણીને આધાર તરીકે ટાંકીને મદ્રાસ હાઇકોર્ટે ૧૧ જાન્યુઆરી, ૨૦૨૪એ પોકસો એકટ હેઠળ એક આરોપી સામેનો કેસ રદ કર્યો હતો. મદ્રાસ હાઇકોર્ટે કહ્યું હતું કે પોતાની ડિવાઇસ પર ચાઈલ્ડ પોર્નોગ્રાફી જોવી કે ડાઉનલોડ કરવી એ ગુનાના દાયરામાં નથી આવતું.
કોર્ટે આ ટિપ્પણી ૨૮ વર્ષીય વ્યકિત વિરૂદ્ઘ ચાલી રહેલા કેસની સુનાવણી દરમિયાન કરી હતી. ચાઇલ્ડ પોર્નોગ્રાફીના આરોપમાં તે વ્યકિત વિરૂદ્ઘ પોકસો એકટ અને આઇટી એકટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. કોર્ટે આરોપી સામે ચાલી રહેલા કેસને રદ કર્યો હતો.