વિદ્યાર્થીઓને અનિશ્ચિતતામાં ના ધકેલી શકીએ યુજીસી-નેટ પરીક્ષા રદ કરવાની અરજી સુપ્રીમ કોર્ટ ફગાવી
અરજીકર્તાઓએ ૧૮ જૂને આયોજિત થયેલી યુજીસી-નેટ પરીક્ષાને રદ કરવા અને બીજી વખત પરીક્ષા આયોજિત કરવાના નિર્ણયને પડકાર આપ્યો હતો
સુપ્રીમ કોર્ટે સોમવારે યુજીસી-નેટ પરીક્ષા માટે બીજી વખત પરીક્ષા આયોજિત કરવાના નિર્ણયને પડકારતી અરજી ફગાવી દીધી. અરજીકર્તાઓએ ૧૮ જૂને આયોજિત થયેલી યુજીસી-નેટ પરીક્ષાને રદ કરવા અને બીજી વખત પરીક્ષા આયોજિત કરવાના નિર્ણયને પડકાર આપ્યો હતો. આ સંબંધિત દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટે આની પર સુનાવણીથી ઈનકાર કરી દીધો. યુજીસી-નેટ પરીક્ષાનું આયોજન બીજી વખત ૨૧ ઓગસ્ટે થઈ રહ્યું છે.
ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડે કહ્યું કે ૯ લાખ લોકો પરીક્ષા આપવાના છે. તેમને અનિશ્ચિતતામાં ધકેલી શકાય નહીં. અમુક વિદ્યાર્થીઓનું કહેવું હતું કે જૂનમાં થયેલી પરીક્ષાને રદ કરી દેવાઈ હતી. તેની સીબીઆઈ તપાસ ચાલુ છે. દરમિયાન જ્યાં સુધી સીબીઆઈ તપાસ ચાલી રહી છે ત્યાં સુધી વિદ્યાર્થીઓ માટે પરીક્ષા આયોજિત કરવી જોઈએ નહીં. યુજીસી નેટ પરીક્ષા ૧૮ જૂને આયોજિત થઈ હતી પરંતુ આગલા જ દિવસે તેને રદ કરી દેવાઈ, કેમ કે સરકારને આ પરીક્ષામાં ગડબડી હોવાની જાણકારી મળી હતી.
ચીફ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે એ વાત પર જોર આપ્યું કે પરીક્ષા રદ કરીને બીજી વખત કરવાના નિર્ણયને બે મહિના વીતી ચૂકયા છે. દરમિયાન અરજી પર વિચાર કરવાથી વિદ્યાર્થીઓ વચ્ચે અનિશ્ચિતતા વધશે અને તેના કારણે અરાજકતાનું વાતાવરણ ઊભું થઈ જશે. ચીફ જસ્ટિસે કહ્યું, 'આને અંતિમરૃપમાં રહેવા દો, આપણે એક આદર્શ દુનિયામાં રહેતાં નથી. ૨૧ ઓગસ્ટે પરીક્ષા થવા દો, વિદ્યાર્થીઓ માટે નિશ્ચિતતા જળવાઈ રહે.'પરીક્ષામાં ૯ લાખથી વધુ વિદ્યાર્થી ભાગ લઈ રહ્યાં છે અને માત્ર ૪૭ અરજીકર્તાઓએ તેને પડકાર આપ્યો છે.