આણંદ પાલિકાની નવી વેન્ડર્સ કમિટીની પ્રથમ બેઠક માટે સભ્યોને જાણ કરાયા બાદ એકાએક મુલત્વી !
શહેરમાં નોંધાયેલા ર૪૦૦ ઉપરાંત વેન્ડર્સની સમસ્યા અંગેની કમિટીમાં ૬ ચૂંટાયેલા અને ૧૦ સરકારના પ્રતિનિધિ : ટૂંકી ગલીમાંથી દબાણો હટાવ્યા બાદ વેન્ડર્સ કમિટીની મળનાર બેઠકમાં ફેરિયા-લારીઓવાળા માટે નિયમોનુસાર જગ્યા ફાળવણીની ચર્ચા સહિતના મુદ્દા
મોતીકાકા ચાલી બસ સ્ટેન્ડને ભાડા પાવતી સાથેના ખાણીપીણી બજારમાં ફેરવાયુંનો અભિગમ અન્ય સ્થળોએ કરવો જોઇએ : સભ્ય, વેન્ડર્સ કમિટી - રોડ માર્જીનમાં નિયમોનુસાર ભાડા પાવતી આપીને જગ્યા ફાળવાય તો હપ્તા વસૂલીનું દૂષણ અટકે, ફેરિયાઓ રોજગારી મેળવી શકે
આણંદ વેન્ડર્સ કમિટીના ચૂંટાયેલા ૬ પૈકીના એક સભ્યએ જણાવ્યું હતું કે, કલેકટર દ્વારા તાજેતરમાં ટૂંકી ગલીના દબાણો હટાવીને શહેરીજનોને અવરજવર માટે માર્ગ ખુલ્લો કરાયોની આવકારદાયક બાબત છે. ત્યારે ફેરિયાઓને નિયમોનુસાર ભાડા વસૂલીને શહેરના વિવિધ વિસ્તારોમાં પાલિકાના પ્લોટ સહિત રોડ માર્જીનની જગ્યા ફાળવવાનું આયોજન કરાય તે જરુરી છે. જેમાં પાયોનિયર ચોકડી, નવા-જૂના બસ સ્ટેન્ડ, ગણેશ ચોકડી, બોરસદ ચોકડી, વિદ્યાનગર રોડ, સામરખા ચોકડીથી જકાત નાકા, પોલસન ડેરી રોડ પરના પાલિકાના ખુલ્લા પ્લોટનો સમાવેશ થઇ શકે છે. અહીં નિયમોનુસારના ભાડેથી જ જગ્યા ફાળવાય તો વ્હાલા-દવલાની નીતિ દૂર થવા સાથે હપ્તા વસૂલીનું દૂષણ પણ અટકી શકે છે. વધુમાં જણાવ્યું હતું કે, વિદ્યાનગર રોડ પર મોતીકાકાની ચાલી બસ સ્ટેન્ડની જગ્યાએ પાલિકાનો કોમ્પલેક્ષ બનાવવાનો પ્રોજેકટ સફળ ન રહ્યો તો રાતોરાત છ-છ માસની ભાડા પાવતી આપીને ખાણીપીણીનું બજાર ઉભું કરી દીધું. જેનાથી અનેકોને જગ્યા મળવા સાથે રોજગારી મળી રહી છે. ત્યારે આ જ પ્રકારનો અભિગમ અન્ય સ્થળોએ પણ પાલિકા અપનાવે તે ઇચ્છનીય છે. જેનાથી નાના વ્યવસાયિકોને રોજગારી સાથે ગ્રાહકોને પણ નજીકના સ્થળે ખાણીપીણી સહિત જરુરી ચીજવસ્તુઓ ખરીદવાનું આસાન બની રહે.
ફેરિયાઓના આર્થિક ઉત્થાન લોન સહાયનોલ-યાંક સિદ્ઘ કરવા તંત્રની દોડાદોડી પણ જગ્યા ફાળવવા મામલે ચૂપકિદી !
નાના વ્યવસાયિકોને ધંધા-રોજગાર માટે સરકાર દ્વારા રૂ.૧૦,ર૦ અને પ૦ હજારની નિયમોનુસાર લોન ફાળવવામાં આવે છે. વેન્ડર્સ આર્થિક ઉત્થાન લોન સહાય અંતર્ગત લ-યાંક સિદ્ઘ કરવા માટે પાલિકામાં ખાસ વિભાગ પણ સરકારે કાર્યરત કર્યો છે. જેની બેઠક યોજાવવા સહિત વેન્ડર્સની મંજૂર થયેલ અરજી મુજબ લોન આપવા બેકોને પણ સૂચના આપવામાં આવતી હોય છે.
સાથોસાથ નાના વેન્ડર્સને પણ લોન અંગેનું માર્ગદર્શન આપવા તંત્ર દ્વારા કવાયત કરાતી હોય છે. પરંતુ લોન મેળવનાર વેન્ડર્સને નિયમોનુસારની જગ્યા ફાળવણી મામલે તંત્રની હોતા હૈ, ચલતા હૈની નીતિ જ જોવા મળે છે. જો કે કેટલાક ખાસ લોકોને
તેમની મનગમતી જગ્યાઓએ વ્યવસાય કરવાની છૂટ સત્તાધીશો દ્વારા છૂટ અપાતી હોવાની બાબત પણ સમયાંતરે ચર્ચાનો મુદ્દો બને છે.
આણંદ નગરપાલિકા દ્વારા થોડા સમય અગાઉ રચના કરાયેલ નવી વેન્ડર્સ કમિટીની પ્રથમ બેઠક તા. ૮ ઓગસ્ટ,ર૦ર૪ના રોજ યોજાનાર હતી. જે અંગે ચૂંટાયેલા ૬ અને સરકારના ૧૦ મળીને ૧૬ સભ્યોને આગોતરી જાણ કરવામાં આવી હતી.પરંતુ નવાઇની વાત એ રહી કે, ૮ ઓગસ્ટે સવારે જ સભ્યોને ફોન કરીને ચીફ ઓફિસરે એકાએક બહાર જવાનું હોવાથી બેઠક મુલત્વીનો મેસેજ મોકલ્યો હતો. ત્યારબાદ હવે આ બેઠક કયારે યોજાશે તે અંગે આજદિન સુધી સભ્યોને કોઇ મેસેજ પહોંચાડવામાં આવ્યો નથી.
આણંદ નગર પાલિકા દ્વારા શહેરના નોંધાયેલા ર૪૦૦ જેટલા લારી-પાથરણાવાળા (વેન્ડર) માટે વેન્ડર્સ ઝોન ઉભા કરવાની દસ વર્ષ અગાઉ હાથ ધરાયેલ આયોજન હજી સુધી માત્ર ચોપડે જ રહી જવા પામ્યું છે. સમયાંતરે સરકારમાંથી કોઇ તાકિદ કરવામાં આવે ત્યારે શહેરના ચોકડી સહિતના વિસ્તારોમાં ૧૦થી ૧ર વેન્ડર્સને નિયમોને આધીન જગ્યા ફાળવવાની ચર્ચા કર્યાનો અહેવાલ મોકલી અપાય છે. પરંતુ ન તો સરકાર તરફે અમલવારીની સૂચના અપાય છે કે ન તો પાલિકા વેન્ડર્સ ઝોન મામલે વાસ્તવિક સ્વરુપ આપવા કટિબદ્વ બને છે.
બીજી તરફ કેટલાક સ્થળોએ સત્તાધીશોની અમી નજર અને કેટલાક સ્થળોએ અન્ડર ટેબલ વહીવટ આપીને લારી,પાથરણાંવાળા દ્વારા દબાણ કરવામાં આવી રહયું છે. જેનાથી પસાર થનાર રાહદારીઓ, વાહનચાલકોને જ પરેશાની ભોગવવી પડે છે. આથી ટ્રાફિકજામનો મામલો ચરમસીમાએ પહોંચે ત્યારે પાલિકા દ્વારા દબાણ હટાવનું નામ પૂરતું નાટક કરવામાં આવે છે. થોડો સમય રસ્તો ખુલ્લો બન્યા બાદ પુન: સ્થિતિ યથાવત બની જાય છે.
જો કે આ પ્રકારની સ્થિતિ વારંવાર ટૂંકી ગલીમાં જોવા મળતી હતી. પરંતુ થોડા સમય અગાઉ ખુદ કલેકટરે રુબરુ હાજર રહીને ટૂંકી ગલીના દબાણો હટાવીને અવરજવરનો દ્વિમાર્ગી રસ્તો ખુલ્લો કરાવ્યો છે. આ સ્થળે પુન: દબાણો ન ખડકાય તે માટે પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે. જો કે ટૂંકી ગલીમાંથી હટાવાયેલા દબાણકારોને શહેરમાં પાલિકાએ અગાઉ આયોજન કરેલ સ્થળોએ વેન્ડર્સ ઝોનમાં સમાવેશ કરવામાં આવે તે સહિતના મુદ્દે બેઠકમાં ચર્ચા થનાર હતી તેમ જાણવા મળે છે.ઉલ્લેખનીય છે કે, ટૂંકી ગલીમાં દબાણો હટાવ્યા બાદ વેન્ડર્સ ઝોન ઉભા કરવાની જવાબદારી પાલિકાની હોવાનું કલેકટરે જણાવ્યું હતું. વેન્ડર્સ કમિટીના અધ્યક્ષપદે કલેકટર હોવાથી પાલિકાએ વર્ષોથી આયોજન કરેલ વેન્ડર્સ ઝોનનું વહેલી તકે નિયમોનુસાર અમલીકરણ થાય તે માટે પાલિકાને સૂચિત કરવી જોઇએનો મત પણ વ્યકત થઇ રહ્યો છે.