વરસતા વરસાદમાં આણંદ ખાતે યોજાઈ ભવ્ય તિરંગા યાત્રા
મોટી સંખ્યામાં નગરજનો તિરંગા યાત્રામાં જોડાયા : નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી અને મહાનુભાવોએ ત્રિરંગા યાત્રાને ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલા ''હર ઘર તિરંગા'' અભિયાન અંતર્ગત વલ્લભ વિદ્યાનગર સ્થિત શાસ્ત્રી મેદાન ખાતેથી વરસતા વરસાદમાં તિરંગા યાત્રા યોજાઈ હતી. જેમાં અધિકારી - પદાધિકારીઓની સાથે મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.
આ તિરંગા યાત્રાને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, સાંસદ મિતેષભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ અને કલેક્ટર પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપના સહિતના મહાનુભાવોએ તિરંગો બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું. વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતેથી પ્રારંભ થયેલી આ યાત્રા નલીની કોલેજ થઈ, નાના બજાર થઈ, વિદ્યાનગર રોડ ખાતેથી વૃંદાવન ગ્રાઉન્ડ પાસેથી પસાર થઈ ટાઉન હોલ ખાતે પૂર્ણ થઈ હતી.
આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા, આ ઉપરાંત વલ્લભ વિદ્યાનગર ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, વિદ્યાર્થીનીઓ, એનસીસી કેડેટ સહિત મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ રીતે આ તિરંગા યાત્રામાં જોડાયા હતા.
આ તિરંગા યાત્રાની શરૃઆતમાં ઘોડેશ્વાર પોલીસ ત્યારબાદ પોલીસ બેન્ડના જવાનો, બાઇક ઉપર સવાર પોલીસના જવાનો, મહાનુભાવો, પોલીસ અને હોમગાર્ડના જવાનો, મહિલાઓ, વિદ્યાર્થીઓ હાથમાં તિરંગો લઈને જોડાયા હતા. આ તિરંગા યાત્રાના રૃટમાં ઉપસ્થિત શહેરીજનો પણ ભારત માતાકી જય ના નારા સાથે યાત્રામાં સહભાગી બન્યા હતા. વિદ્યાનગરના શહિદ ચોક ખાતે આવેલ શહિદ ભગતસિંહની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતુ. આ યાત્રા આણંદના ટાઉનહોલ ખાતે પૂર્ણ થઈ હતી. ત્યારબાદ રાષ્ટ્રગાન સાથે રાષ્ટ્રભક્તિના માહોલમાં આ યાત્રા પૂર્ણ થઈ હતી.