ખંભાતમાંથી વન્યજીવ અને તેના અવશેષોની તસ્કરીનું રેકેટ ઝડપાયું
ખંભાતના વેપારી હરેશભાઈ સોનીના ઘરે બનાવેલી દુકાનમાંથી ૪૯૦ દરિયાઈ ઈન્દ્રજાળ, ફોટો ફ્રેમમાં મઢેલી ૧૪ ઈન્દ્રજાળ, ચંદન ઘોની બે હાથજોડી, ચામડી વગરના ૨૫ નખ, ચામડી સાથેના ૪૭ નખ, ૨ છીપલાં, ૨ શંખ, તથા એક કોરલ પથ્થર મળી આવ્યો
વન્યજીવ અવશેષોની માંગ તાંત્રિક વિધિ માટે કરાય છે : ડીએફઓ
નાયબ વન સંરક્ષક,સામાજીક વનીકરણ વિભાગ, આણંદના એન. ડી. ઈટાલિયનના જણાવ્યા અનુસાર વન્યજીવ અવશેષોની માંગ મંત્ર-તંત્રવાળઈ તાંત્રિક વિધીઓ માટે કરવામાં આવે છે. તાંત્રિક વિધિમાં વન્યજીવોના ભાગનો ઉપયોગ કરવા માટે કોઈ તર્ક હોતો નથી તેમ છતાં પણ નિરક્ષર અને અંધશ્રધ્ધાળુ લોકો આવી ભ્રામક વાતોમાં આવીને આવી વસ્તુઓ મોં માંગી રકમ આપીને ખરીદીને તેનો ઉપયોગ કરે છે. આવી કોઈ ભ્રામક વાતોમાં ના આવતા તેમજ આવી કોઈ પ્રવૃત્તિ ધ્યાને આવે તો વન વિભાગને જાણ કરવાની પણ અપીલ કરવામાં આવી છે.
નખ બનાવટી હોય તેવી શક્યતા : ડી. કે. મકવાણા
ખંભાત રેન્જ સામાજીક વનીકરણ વિભાગના પરીક્ષેત્ર વન અધિકારી ડી. કે. મકવાણાના જણાવ્યા અનુસાર હરેશભાઈ સોનીને ત્યાંથી મળી આવેલા ચામડી વગરના ૨૫ તેમજ વન્ય પશુઓની ચામડી સાથેના ૪૭ નખ બનાવટી હોય તેમ લાગી રહ્યું છે. અમદાવાદની ટીમ દ્વારા તેની ચકાસણી કરાઈ રહી છે. તેમ છતાં પણ પાકી પુરતા માટે તેને દહેરાદુન ખાતે આવેલી એફએસએલ કચેરીમાં પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવનાર છે. વાઘ-સિંહ-ચિત્તા સહિત અન્ય વન્ય જીવોના નખ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ લાગી રહ્યું છે પરંતુ તે બનાવટી હોવાની પુરેપુરી શક્યતા છે. ખંભાત શહેર અકિકના પથ્થરોના વેપાર માટે જગવિખ્યાત છે.કેટલાક વેપારીઓ દ્વારા લોકોની અંધશ્રધ્ધાનો લાભ લઈને કોરલ પથ્થરોનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. જે અંગે આગામી સમયમાં આવા વેપારીઓને ત્યાં પણ દરોડાઓ પાડવામાં આવશે.
આણંદ વન વિભાગના ખંભાત રેન્જ દ્વારા આજે ખંભાતમાં રહેતા વેપારીને ઘરે છાપો મારીને ઘરમાં બનાવેલી દુકાનમાંથી વન્ય જીવો અને તેના અવશેષોનો વેપાર કરવાનું એક મસમોટું રેકેટ ઝડપી પાડ્યું છે. વન વિભાગે મોટી માત્રામાં પ્રતિબંધિત કેટલીક વન્ય વસ્તુઓ જપ્ત કરીને કાર્યવાહી હાથ ઘરી છે. તપાસ દરમ્યાન મોટુ રેકેટ ઝડપાવાની શક્યતા જોવાઈ રહી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયાને મળેલી માહિતીના આધઆર આણંદ વન વિભાગના નાયબ વન સંરક્ષક એન. ડી. ઈટાલિયનના માર્ગદર્શન મુજબ ખંભાત રેન્જની ટીમના પરીક્ષેત્ર વન અધિકારી ડી. કે. મકવાણા અને તેમની ટીમે ખંભાત શહેરના ખારીકુઈ વિસ્તારમાં રહેતા હરેશભાઈ જગમોહનભાઈ સોનીને ત્યાં છાપો માર્યો હતો. જ્યાં તેમણે ઘરમાં જ બનાવેલી દુકાનમાંથી પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળી આવી હતી. જેની તપાસ કરતા ૪૯૦ દરિયાઈ ઈન્દ્રજાળ (દરિયામાં ઉગતી એક પ્રકારની વનસ્પતી), ફોટો ફ્રેમમાં મઢેળી ૧૪ ઈન્દ્રજાળ, ચંદન ઘોની બે હાથજોડી, ચામડી વગરના ૨૫ નખ, ચામડી સાથેના ૪૭ નખ, ૨ છીપલાં, ૨ શંખ, તથા એક કોરલ પથ્થર મળી આવ્યો હતો. જે તમામ વસ્તુઓ જપ્ત કરીને પકડાયેલા હરેભાઈની પુછપરછ કરતા તે આ પ્રતિબંધીત વસ્તુઓ નડીઆદ તાલુકાના કણજરી ગામે રહેતા એક શખ્સને ત્યાંથી લાવ્યો હોવાની કબુલાત કરી હતી. જેથી નડીઆદ વન વિભાગની ટીમ દ્વારા કણજરી ગામે છાપો મારીને મોટા પ્રમાણમાં પ્રતિબંંધીત ચીજવસ્તુઓ ઝડપી પાડીને કાર્યવાહી હાથ ઘરી હતી.
સુત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણાં સમયથી વન્યજીવ અવશેષોની તસ્કરી અને તેના વેચાણની પ્રવૃત્તિ ચાલી રહી હતી. ભાવનગર ખાતેથી પ્રથમ પકડાયા બાદ અમદાવાદ અને ત્યાંથી ખંભાત અને કણજરી સુધી રેલો પહોંચ્યો છે. હવે કણજરીથી આ વસ્તુઓ ક્યાંથી લાવવામાં આવતી હતી તેનો ખુલાસો થયા બાદ ત્યાં પણ દરોડો પાડીને તપાસ કરવામાં આવશે. ખંભાતમાં મોટાપાયે આવી પ્રતિબંધિત વન્યજીવોના અવશેષો તેમજ વસ્તુઓનું ચોરીછુપે વેચાણ થઈ રહ્યું છે. વેપારીઓ દ્વારા જેવી ગ્રાહકની જરૂરીયાત હોય તે પ્રમાણે પૈસા વસુલીને વસ્તુઓ વેચતા હોવાનું પણ જાણવા મળ્યું છે.