ઉમરેઠ : રતનપુરા કેનાલના ગરનાળામાંથી યુવકની લાશ મળી
ગળાના ભાગે અંગ્રેજીમાં કીંજલ ત્રોફાવેલું મળી આવતા તેના આધારે તપાસ
ઉમરેઠ નજીક આવેલા રતનપુરા ખાતેથી પસાર થતી મહિ કેનાલના ગરનાળામાંથી આજે સાંજના સુમારે એક યુવકની લાશ મળી આવતાં આ અંગે હાલમાં તો ઉમરેઠ પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસને માહિતી મળી હતી કે,રતનપુરા કેનાલના ગરનાળામાં એક યુવકની લાશ તરી રહી છે. જેથી પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને તરવૈયાઓની મદદથી લાશને બહાર કાઢીને તપાસ કરતા મરણ જનાર યુવકે શરીરે માત્ર અન્ડરવિયર જ પહેરી હતી. તેના શરીર ઉપર બાહ્ય ઈજાના કોઈ ચીહ્નો મળી આવ્યા નહોતા.૩૦ થી ૩૨ વર્ષના લાગતા યુવકના ગળાના ભાગે અંગ્રેજીમા ંકીંજલ ત્રોફાવેલું છે. પોલીસે લાશનો કબ્જો લઈને પીએમ માટે સરકારી હોસ્પીટલ ખાતે મોકલી આપી હતી.
જ્યાં પીએમ કરવામાં આવતાં ડુબી જવાને કારણે મોત થયાનું ખુલવા પામ્યું છે.પોલીસના અનુમાન મુજબ મરણ ગયેલો યુવક નહેરમાં નહાવા પડ્યો હોય અને ડુબી જતા મોતને ભેટ્યો હશે. હાલમાં તો પોલીસ દ્વારા યુવક કોણ અને ક્યાંનો છે તે દિશામાં તપાસ હાથ ઘરવામાં આવી છે.