ગુજરાતમાં ડ્રાઇવીંગ વખતે મામૂલી માત્રામાં પણ શરાબ સેવનની છૂટ ન મળી શકે : હાઈકોર્ટ
અકસ્માત કેસમાં છૂટકારો મળ્યો હોય તો પણ વળતર ચુકવવાની જવાબદારીમાંથી છટકી ન શકે
ગુજરાતમાં શરાબબંધી છે એટલે વાહન ચલાવતી વખતે અન્ય રાજયોની જેમ ગુજરાતમાં ડ્રાઈવીંગ વખતે અમુક ચોકકસ માત્રામાં દારૃની છુટ ન મળી શકે તેવી સ્પષ્ટ નોંધ સાથે ગુજરાત હાઈકોર્ટે વાહન માલીકની અરજી ફગાવી દીધી હતી અને અકસ્માત વિમો ચુકવવા માટે જવાબદાર ઠેરવ્યા હતા.
બનાસકાંઠામાં પાલનપુરથી અંબાજી વચ્ચે દોડતી ટેકસીનો નવેમ્બર ૨૦૧૬ માં અકસ્માત થયો હતો ત્રણ લોકો ઘાયલ થયા હતા અને તેમનાં દ્વારા વળતરનો દાવો કરવામાં આવ્યો હતો.મોટર એકસીડન્ટ કલેઈમ ટ્રીબ્યુનલે વિમા કંપની તથા વાહન માલીકની સંયુકત જવાબદારી નકકી કરી હતી.
ટ્રીબ્યુનલે ચુકાદામાં આમ કહ્યું હતું કે, કાર ચલાવતી વખતે ડ્રાઈવર નશામાં હોવાનું સાબીત થતુ નથી. વિમા કંપનીએ ચુકાદાને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. એફઆઈઆર, ચાર્જશીટ, ફોરેન્સીક, રીપોર્ટના આધારે અકસ્માત વખતે ડ્રાઈવર નશામા હોવાનું પુરવાર થયુ હતું આ તકે વાહન ચાલક દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે બ્લડમાં માત્ર ૩૦ એમજી આલ્કોહોલ મળ્યુ હતું તે ખુદની મર્યાદામાં છે.
વિમા કંપનીનાં વકીલે એવી દલીલ કરી હતી કે ગુજરાતમાં સંપુર્ણ દારૃબંધી છે અને કાયદા મુજબ સેવનની છૂટ નથી એટલે અમુક મર્યાદામાં પણ સેવન માન્ય ન ગણાય.હાઈકોર્ટનાં જસ્ટીસ સંદિપ ભટ્ટે ચુકાદામાં કહ્યું કે ગુજરાત બહારના રાજયમાં દારૃ સેવનની માત્રા વિચારણામાં આવી શકે પરંતુ ગુજરાતમાં સંપૂર્ણ દારૃબંધી હોવાથી અમુક માત્રામાં પણ તેની છૂટ ન હોઈ શકે એટલે વળતર ચુકવવા વીમા કંપની જવાબદાર નથી.
અદાલતે એમ પણ કહ્યું કે અકસ્માત વખતે ડ્રાઈવર નશામાં હતો તે ચાર્જશીટ અને ફોરેન્સીક રીપોર્ટમાં દર્શાવાયું છે. અકસ્માત કેસમાં છૂટકારો મળ્યો હોય તો પણ વળતર ચુકવવાની જવાબદારીમાંથી છટકી ન શકે કારનો વિમો હતો એટલે અદાલતે વીમા કંપનીને વીમો ચુકવવા તથા ત્યારબાદ વાહન માલીક પાસેથી વસુલવાનો આદેશ કર્યો હતો.