આણંદ: સરદારગંજમાં માત્ર ૨૦૦ રૂા. માટે આધેડની પથ્થર મારીને હત્યા
વિપુલ ઉર્ફે કાળુ સાથે મજુરી કરતા સુરેશ સરગરા પાસે ૨૦૦ રૂા. હોવાનું જોઈ જતા વહેલી સવારે માથા તેમજ મોઢાના ભાગે પથ્થર મારીને હત્યા કરી ૨૦૦ રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો : શહેર પોલીસે ગણતરીના કલાકોમાં જ સરદારગંજમાંથી હત્યારાને ઝડપી પાડ્યો
મહિનાથી ઘરે નહીં ગયેલા સુરેસભાઈ ગઈકાલે જ સવારે ઘરે ગયા હતા
આણંદના સરદારગંજમાં હત્યાનો ભોગ બનેલા સુરેસભાઈ મારવાડી સો ફુટના રોડ ઉપર આવેલા લલિતાપાર્ક ખઆતે રહેતા હતા અને મુળ રાજસ્થાનના હતા. તેમને સંતાનમાં ત્રણ દિકરીઓ અને એક દિકરો હતો. જેમાંથી બે પુત્રીઓના લગj થઈ ગયા હતા. સુરેશભાઈ સરદારગંજમાં મજુરી કામ કરીને જીવન ગુજરાન ચલાવતા હતા. છેલ્લા એકાદ મહિનાથી તેઓ ઘરે જ ગયા નહોતા અને ગંજમાં રહેતા હતા.દરમ્યાન ગઈકાલે સવારના નવેક વાગ્યાના સુમારે જ ઘરે ગયા હતા અને થોડીવાર રોકાયા બાદ પરત મજુરી કામે જવા માટે નીકળી ગયા હતા.ત્યારબાદઆજે સવારના સુમારે તેમની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી.
આણંદ શહેરના સરદારગંજમાં આવેલા પેરીસ ટાવર સામે આજે વહેલી સવારના સુમારે માત્ર ૨૦૦ રૂપિયા માટે સાથે મજુરી કરતા આધેડની યુવાને માથા તેમજ મોઢાના ભાગે પથ્થરનો ઘા મારીને ઘાતરી હત્યા કરી નાંખ્યાનો ચોંકાવનારો બનાવ બનવા પામ્યો છે. શહેર પોલીસે આ અંગે હત્યાનો ગુનો દાખલ કરીને ગણતરીના કલાકોમાં જ હત્યારાને ઝડપી પાડીને કાર્યવાહી હાથ ઘરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર આજે સવારના સુમારે સરદારગંજમાં આવેલા પેરીસ ટાવર સામેથી એક આધેડની લોહીથી લથબથ લાશ મળી આવી હતી. ઘટનાની જાણ શહેર પોલીસને કરવામાં આવતાં જ પીઆઈ વી. ડી. ઝાલા સ્ટાફ સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તપાસ કરતા મરણ જનાર આધેડને મોઢા તેમજ માથાના ભાગે બોથડ પદાર્થના ફટકા મારીને હત્યા કરી નાંખવામાં આવી હોવાનું જણાઈ આવ્યું હતુ. પોલીસને નજીકથી લોહીથઈ ખરડાયેલ સીમેન્ટથી બનેલો બ્લોક પણ મળી આવ્યો હતો. જેથી આ સીમેન્ટનો બ્લોક માથા તેમજ મોઢાના ભાગે મારીને હત્યા કરાઈ હોવાનું ફલિત થતાં જ પોલીસે મરણ જનાર કોણ અને ક્યાંનો છે તે દિશામાં તપાસ હાથ ઘરતાં તે સરદારગંજમાં મજુરી કામ કરતો સુરેશભાઈ રાવતાજી મારવાડી (સરગરા, ઉ. વ. ૫૦)નો હોવાનું ખુલવા પામ્યું હતુ. તેના પરિવારજનોને જાણ કરતા જ તેઓ આવી પહોંચ્યા હતા અને લાશની ઓળખવિધિ કરી હતી. ત્યારબાદ પોલીસે લાશને પીએમ માટે જનરલ હોસ્પીટલ ખાતે મોકલી આપી હતી અને તેની પત્ની રાધાબેનની ફરિયાદને આધારે અજાણ્યા હત્યારા વિરૂદ્ઘ ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી હતી.
દરમ્યાન પોલીસને માહિતી મળી હતી કે, બનાવની રાત્રીના સુમારે સરદારગંજમાં રહેતો અને મજુરી કામ કરીને જીવન ગુજરાન ચલાવતો વિપુલ ઉર્ફે કાલુ રામાજી મારવાડી હતો. જેને લઈને પોલીસે તેની શોધખોળ હાથ ઘરી હતી. દરમ્યાન તે સરદારગંજમાંથી જ મળી આવતાં તેને રાઉન્ડ અપ કરીને શહેર પોલીસ મથકે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેની પુછપરછ કરતા તેણે જ માત્ર ૨૦૦ રૂપિયા માટે હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. પીઆઈ ઝાલાના જણાવ્યા અનુસાર મરણ જનાર સુરેશ અને મારનાર વિપુલ ઉર્ફે કાલુ બન્ને સરદારગંજમાં સાથે જ મજુરી કામ કરીને ત્યાં જ રહેતા હતા. વિપુલ મુળ રાજસ્થાનના ઝાલોર જિલ્લાના ચાંદના ગામનો વતની છે. બનાવની આગલી રાત્રીના સુમારે વિપુલ સુરેશભાઈ પાસે ૨૦૦ રૂપિયા હોવાનું જાણી ગયેલો. દરમ્યાન વહેલી સવારના સાડા પાંચેક વાગ્યાના સુમારે તે સુરેશભાઈ પેરીસ ટાવરની સામે આવેલા કોમ્પલેક્ષની ફુટપાથ નજીક સુઈ રહ્યો હતો ત્યાં આવી પહોંચ્યો હતો અને નજીકમાં જ પડેલો સીમેન્ટનો બ્લોક ઉઠાવીને સુરેશભાઈને પ્રથમ મોઢા પર અને ત્યારબાદ માથામાં મારીને હત્યા કરી નાંખી હતી. ત્યારબાદ ખીસ્સામાંથી ૨૦૦ રૂપિયા કાઢી લઈને ત્યાંથી ફરાર થઈ ગયો હતો.
આ કબુલાતના આધારે વિપુલ મારવાડીની પોલીસે ધરપકડ કરીને વધુ તપાસ હાથ ઘરી છે.