સિમલામાં મસ્જિદનું ગેરકાયદે બાંધકામ હટાવવાની માંગ સાથે હિંદુ સંગઠનોનો વિરોધ પ્રદર્શન
-પોલીસ દ્વારા લાઠીચાર્જ-વોટર કેનનનો મારો -પથ્થરમારામાં અનેક પોલીસ કર્મી ઘાયલ
હિમાચલ પ્રદેશની રાજધાની સિમલામાં હિંદુ સંગઠન દેવભૂમિએ બુધવારે મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડી પાડવાની માંગ સાથે વિરોધ પ્રદર્શન કર્યુ છે.
સિમલાના સંજૌલીમાં આવેલ આ મસ્જિદનો માર્ગ ઢલી ટનલમાંથી પસાર થાય છે. સંગઠન સવારથી જ અહીં વિરોધ પ્રદર્શન કરી રહ્યું છે. પ્રદર્શનકારીઓએ રસ્તા પર હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા અને જયશ્રી રામના નારા લગાવ્યા હતા.
આ પછી તેઓએ પોલીસ બેરીકેટ્સ તોડી નાખ્યા. તેમને રોકવા માટે પોલીસે બે વખત લાઠીચાર્જ કર્યો અને વોટર કેનનનો મારો ચલાવ્યો હતો. પથ્થરમારમાં એક પ્રદર્શનકારી અને એક પોલીસકર્મી ઘાયલ થયા છે.
સંજૌલી મસ્જિદ ૧૯૪૭ પહેલા બનાવવામાં આવી હતી. ૨૦૧૦માં તેના કાયમી ઇમારતનું બાંધકામ શરૂ થયું ત્યારે ગેરકાયદે બાંધકામ અંગે મહાપાલિકાને ફરિયાદ કરવામાં આવી હતી. હવે આ મસ્જિદ પાંચ માળની છે. મહાનગરપાલિકાએ ૩૫ વખત ગેરકાયદે બાંધકામો તોડી પાડવાનો આદેશ આપ્યા છે.
હાલનો વિવાદ ૩૧ ઓગસ્ટના રોજ શરૂ થયો હતો, જયારે બે જૂથો વચ્ચે મારામારી થઇ હતી. આ પછી હિન્દુ સંગઠનોએ ૧ અને ૫ સપ્ટેમ્બરે પ્રદર્શન કર્યુ અને મસ્જિદના ગેરકાયદે બાંધકામને તોડી પાડવાની માંગ કરી હતી.
સિમલાના માલ્યાણા વિસ્તાર કુસુમપતિ વિધાનસભા હેઠળ આવે છે અને કોંગ્રેસના મંત્રી અનિરુદ્ઘ સિંહ અહીંના ધારાસભ્ય છે. ઓગસ્ટના બીજા પખવાડિયામાં માલ્યાણામાં દુકાન ચલાવતા૩૭ વર્ષીય વિક્રમ સિંહને એક યુવક અને તેના મિત્રોએ માર માર્યો હતો. હૂમલો કરનાર યુવકલો મુસ્લિમ છે. તે બહારના રાજયનો વતની છે અને સિમલામાં નાનો વેપાર-ધંધો કરે છે. બંને પક્ષો વચ્ચે થોડી બોલાચાલી થઇ જે બાદ મારામારી થઇ હતી.
આરોપીઓએ વિક્રમ સિંહ પર લાકડીઓ અને રોડ હૂમલો કર્યો હતો. જેના કારણે વિક્રમ સિંહ ગંભીર રીતે ઘાયલ થતા માથામાં લગભગ ૧૪ ટાંકા આવ્યા છે. આ કેસમાં ધારી પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી જે પૈકી બે સગીર હતા.
આરોપ છે કે આ આરોપીઓ મારામારી કર્યા બાદ મસ્જિદમાં છુપાઇ ગયા હતા. જે બાદ હિન્દુ સંગઠનોએ સંજોલીમાં પ્રદર્શન કર્યુ અને મસ્જિદને ગેરકાયદે ગણાવીને તોડી પાડવાની માંગ કરી હતી.
આ ઘટના બાદ આ મામલાને રાજકીય રંગ મળ્યો.હિમાચલ વિધાનસભાના ચોમાસુ સત્રમાં પણ આ મુદ્દો મુખ્ય રીતે સામે આવ્યો હતો.
સુખુ સરકારના મંત્રી અને કુસુમપતિના કોંગ્રેસના ધારાસભ્ય અનિરૂદ્ઘ સિંહે વિધાનસભામાં કહ્યું કે આ આખી મસ્જિદ ગેરકાયદેસર છે. તે હિમાચલ સરકારની જમીન પર બનેલ છે.બહારથી આવતા લોકો શિમલાના વાતાવરણને બગાડી રહ્યા છે.
મસ્જિદના સ્થાનને લઇને પણ વિવાદ છે. કેબિનેટ મંત્રી અનિરૂદ્ઘ સિંહે વિધાનસભામાં નિવેદન આપ્યું હતું કે આ મસ્જિદ હિમાચલ સરકારની જમીન પર બનેલી છે.જો કે વક્ફ બોર્ડે કોર્ટમાં દાવો કર્યો હતો કે મસ્જિદ તેમની જમીન પર બનાવવામાં આવી હતી. મહત્વનું છે કે આ કેસની સુનાવણી ૫ ઓકટોબરે થશે.