આરબીઆઈએ એચડીએફસી-એક્સિસ બેંકને ફટકારી ૩ કરોડની પેનલ્ટી
ગ્રાહકોને આપવામાં આવતી સેવાઓમાં બેદરકારી બદલ કાર્યવાહી
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ખાનગી સેકટરની બે ટોચની બેન્કોને મોટી પેનલ્ટી ફટકારી છે. જેમાં એક દેશની ટોચની ખાનગી બેન્ક એચડીએફસી બેંક અને બીજી એક્સિસ બેન્ક છે. આરબીઆઇના નિર્ધારિત નિયમોનું પાલન કરવામાં બેદરકારી દાખવતાં આરબીઆઇએ બંને બેંકો પર કાર્યવાહી હાથ ધરી છે.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તમામ નાની-મોટી બેંકો અને નાણાકીય સંસ્થાઓ પર ચાંપતી નજર રાખે છે, જે દિશા-નિર્દેશોનું પાલન ન કરનારા વિરૂદ્ઘ આકરુ વલણ દર્શાવે છે. એચડીએફસી બેંક અને એક્સિસ બેંક પર કુલ ૨.૯૧ કરોડની પેનલ્ટી ફટકારવામાં આવી છે. આ પેનલ્ટી બેંકો દ્વારા ગ્રાહકોને આપવામાં આવતી સેવાઓમાં બેદરકારી રાખવા બદલ ઉજાગર કરવામાં આવી છે. જેમાં કેવાયસી, ડિપોઝિટ પર વ્યાજના દરો સહિત અન્ય સેવાઓ સામેલ છે.
આરબીઆઇએ સૌથી વધુ પેનલ્ટી એક્સિસ બેંક પર રૂા. ૧.૯૧ કરોડની લાદી છે. તેણે બેન્કિંગ રેગ્યુલેશન એકટ, ૧૯૪૯ (બીઆર એકટ)ની કલમ ૧૯(૧)(એ)ના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ લાદયા છે. તદુપરાંત ડિપોઝિટ પર વ્યાજ, કેવાયસી સહિત કૃષિ લોન સંબંધિત અમુક નિર્દેશોનું પાલન ન કરવા બદલ પેનલ્ટી કરી છે.
એચડીએફસી બેંક પર આરબીઆઇએ રૂ. ૧ કરોડની પેનલ્ટી લગાવી છે. જેની પાછળનું કારણ ડિપોઝિટ પર વ્યાજ દર, બેંક સંબંધિત રિકવરી એજન્ટ્સ અને બેંક કસ્ટમર્સ સર્વિસ માટે નક્કી કરવામાં આવેલા દિશા-નિર્દેશોનું પાલન ન કરવા બદલ એચડીએફસી બેંક પર પેનલ્ટી લગાવી છે.
એચડીએફસી બેંક અને એક્સિસ બેંક પર ફટકારવામાં આવેલી પેનલ્ટીની કાર્યવાહીથી ગ્રાહકોને અસર થશે કે કેમ એ અંગે આરબીઆઇએ સ્પષ્ટતા આપી છે કે કાયદાકીય અને નિયમનકારી અનુપાલનમાં ખામીઓને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. આનાથી બેંકો દ્વારા તેમના ગ્રાહકો સાથે કરવામાં આવેલા કોઇપણ વ્યવહાર અથવા કરારની માન્યતાને અસર થશે નહી.