નીરવ મોદી સામે ઇડીની વધુ એક કાર્યવાહી, ૨૯.૭૫ કરોડની સંપત્તિ અને બેંક બેલેન્સ જપ્ત
અગાઉ ૨૫૯૬ કરોડ રૂપિયાની ચલ અને સ્થાવર મિલકતો જપ્ત કરી હતી
ઇડીની મુંબઇ ઝોનલ ઓફિસે પીએનબી બેંક છેતરપિંડી કેસમાં નીરવ મોદી સાથે સંકળાયેલા ગુનામાંથી મેળવેલી સંપત્તિને કામચલાઉ રીતે જપ્ત કરી છે. જપ્ત કરાયેલી સંપત્તિમાં ૨૯.૭૫ કરોડ રુપિયાની સ્થાવર મિલકતો અને બેંક બેલેન્સનો સમાવેશ થાય છે. સીબીઆઇ દ્વારા નોંધાયેલી એફઆઇઆરના આધારે ઇડીએ આ તપાસ શરૂ કરી હતી. આ એફઆઇઆર ભારતીય દંડ સંહિતા (આઇપીસી)૧૮૬૦ અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ૧૯૮૮ની કલમો હેઠળ નોંધવામાં આવી હતી, જેમાં કુલ રૂ. ૬૪૯૮.૨૦ કરોડની બેંક છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
તપાસ દરમિયાન ભારતમાં નીરવ મોદી અને તેની કંપનીઓ સાથે જોડાયેલી રૂ.૨૯.૭૫ કરોડની સંપત્તિની ઓળખ કરવામાં આવી હતી. જેમાં જમીન,ઇમારતો અને બેંક ખાતામાં જમા રકમનો સમાવેશ થાય છે. આ મિલકતોને પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એકટ, ૨૦૦૨હેઠળ કામચલાઉ રીતે જોડવામાં આવી છે. પીએમએલએ તપાસ દરમિયાન, ઇડીએ અગાઉ નીરવ મોદી અને તેના સહયોગીઓની ભારત અન ેવિદેશમાં લગભગ ૨૫૯૬ કરોડ રૂપિયાની ચલ અને સ્થાવર મિલકતો જપ્ત કરી હતી.
આ ઉપરાંત, ભાગેડુ આર્થિક અપરાધી અધિનિયમ (એફઈઓએ), ૨૦૧૮ હેઠળ,મુંબઇની વિશેષ અદાલતે નીરવ મોદી અને તેના સહયોગીઓની રૂ. ૬૯૨.૯૦ કરોડની જંગમ અને જંગમ મિલકતો જપ્ત કરવાનો આદેશ આપ્યો હતો. ઉપરાંત રૂા. ૧૦૫૨.૪૨ કરોડની સંપત્તિ પીએનબી અને અન્ય જૂથ બેંકોને પરત કરવામાં આવી છે, જે પછીથી પીડિત બેંકોને ભૌતિક રીતે સોંપવામાં આવી છે. આ મામલામાં ઇડીએ પહેલાથી જ નીરવ મોદીઅને સંબંધિત સંસ્થાઓ વિરૂદ્ઘ વિશેષ અદાલત (પીએમએલએ)માં ફરિયાદ દાખલ કરી છે.
નીરવ મોદી પંજાબ નેશનલ બેંક (પીએનબી)માં થયેલ૧૩,૦૦૦ કરોડ રૂ.ના કૌભાંડનો મુખ્ય આરોપી છે. જે છેલ્લા ઘણા સમયથી ફરાર છે. તેની સામે ભારતમાં અનેક કેસોમાં તપાસ ચાલી રહી છે અને તે હાલમાં બ્રિટનની જેલમાં છે. જયાંથી તેને ભારત લાવવા માટ પ્રત્યાર્પણની કાર્યવાહી હાથ ધરવમાં આવી રહી છે.