Sardar Gurjari

ગુરુવાર, તા. ૨૪ એપ્રિલ, ૨૦૨૫, ચૈત્ર વદ ૧૧, વિ.સં. ૨૦૮૧, વર્ષ -૨૪, અંક -૩૦૪

મુખ્ય સમાચાર :
પ્રથમ મુલાકાતમાં સમજદાર યુવતી હોટલના રૂમમાં ન જાય : બોમ્બે હાઈકોર્ટની નાગપુર ખંડપીઠે દુષ્કર્મના આરોપીને નિર્દોષ જાહેર કર્યો
કોર્ટે નિવેદનને અવિશ્વનીય ગણાવ્યું, પીડિતાએ સ્પષ્ટતા કરી નથી કે તે હોટેલમાં છોકરાને ક્યારે મળી હતી અને કેવી રીતે તેને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરવામાં આવી હતી
12/09/2024 00:09 AM Send-Mail
બોમ્બે હાઈકોર્ટની નાગપુર ખંડપીઠે દુષ્કર્મના આરોપીને નિર્દોષ જાહેર કરતા મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી કે કોઈ પણ સમજદાર યુવતી તેની પ્રથમ મુલાકાતમાં કોઇ અજાણ્યા યુવક સાથે હોટલના રૃમમાં જશે નહી કારણ કે આ વર્તન તેને તે યુવકના ઇરાદાઓથી 'સાવધાન' કરી દેશે. જસ્ટિસ ગોવિંદ સનાપે એક એવા દુષ્કર્મના કેસમાં પીડિતાના નિવેદનનો અસ્વીકાર કર્યો હતો જેમાં પીડિતાએ કહ્યું હતું કે તે આરોપીને ફેસબુક મારફતે મળી હતી અને પછી બંન્ને વચ્ચે ફોન પર વાતચીત શરૃ થઇ હતી.

આ કેસમાં કહેવામાં આવ્યું છે કે ફેબ્રુઆરી ૨૦૧૭માં અન્ય જિલ્લામાં રહેતો યુવક યુવતીને તેની કોલેજમાં મળવા આવે છે. માર્ચ ૨૦૧૭માં તેણે યુવતીને તેની પાસેની હોટલમાં મળવા બોલાવી હતી. યુવતીના કહેવા પ્રમાણે, યુવકે તે હોટલમાં પહોંચી જ્યાં યુવકે એક રૃમ બુક કર્યો હતો. જેથી તેઓ કોઇ જરૃરી મુદ્દાઓ પર વાતચીત કરી શકે. હોટલના રૃમમાં પ્રવેશ્યા બાદ બંન્ને વચ્ચે પરસ્પર સહમતિથી શારીરિક સંબંધ બંધાયા હતા. યુવતીએ આરોપ લગાવ્યો હતો કે યુવકે તેની આપત્તિજનક તસવીરો ક્લિક કરી હતી અને તેને ફેસબુક પર અપલોડ કરી દીધી હતી. સાથે આ તસવીરો તેના પરિવારજનો અને મંગેતરને પણ મોકલી દીધી હતી. ત્યારબાદ તેણે યુવક સાથે સંબંધો તોડી નાખ્યા હતા.

આ પછી પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે યુવકે તેની પ્રાઇવેટ તસવીરો તેના મંગેતરને મોકલી હતી જેના કારણે ઓક્ટોબર ૨૦૧૭માં તેણે આરોપી વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. કોર્ટે આ નિવેદનને *અવિશ્વસનીય* ગણાવ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે પીડિતાએ સ્પષ્ટતા કરી નથી કે તે હોટલમાં છોકરાને કયારે મળી હતી અને કેવી રીતે તેને શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરવામાં આવી હતી. કોર્ટે કહ્યું હતું કે *પીડિતા આરોપીને પહેલીવાર હોટલમાં મળી હતી. તે અગાઉ તેની સાથે પરિચિત નહોતી. મારા મતે પીડિતાનું આ વર્તન સામાન્ય સંજોગોમાં સમજદાર વ્યક્તિના વર્તનને અનુરૃપ નથી.* ન્યાયાધીશે એમ પણ કહ્યું હતું કે, *પહેલીવાર અજાણ્યા છોકરાને મળનારી છોકરી હોટલના રૃમમાં જશે નહીં. આવા વર્તનથી છોકરીને ચોક્કસપણે ચેતવણી મળવી જોઇતી હતી. મારી નજરમાં હોટલના રૃમમાં બનેલી ઘટના સંપૂર્ણપણે અવિશ્વસનીય લાગે છે. કોર્ટે એ પણ અવલોકન કર્યું કે પીડિતાએ ઘટના પછી કોઈ બૂમો પાડી નહોતી. તેણે મદદ મેળવવાનો કોઇ પ્રયાસ કર્યો નહોતો. કોર્ટે કહ્યું કે જો કોઈ છોકરી પહેલીવાર કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે હોટલના રૃમમાં જાય છે અને કોઈ પ્રકારની સમસ્યાનો સામનો કરે છે તો તે ચોક્કસપણે અવાજ ઉઠાવશે અથવા મદદ માંગશે. કોર્ટે વધુમાં કહ્યું કે પીડિતા અને તેના પિતાની જુબાનીમાં ઘણા વિરોધાભાસ હતા. પીડિતાના પિતાએ જણાવ્યું કે જ્યારે આરોપીએ માર્ચ ૨૦૧૭માં ફોટો અપલોડ કર્યો ત્યારે તેમને આરોપીઓની હરકતો વિશે જાણ થઈ પરંતુ તેમ છતાં ઓક્ટોબર ૨૦૧૭માં કેસ નોંધવામાં આવ્યો, જે એક સવાલ ઉભો કરે છે. આખરે કોર્ટે તારણ કાઢયું કે પીડિતા અને અન્ય સાક્ષીઓની જુબાની તેમજ તબીબી પુરાવાઓ મજબૂત કેસ બનાવતા નથી. આથી કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મૂકયા હતા. આ નિર્ણય પરથી સ્પષ્ટ થાય છે કે કોર્ટે કેસની તમામ પરિસ્થિતિઓ અને સાક્ષીઓના નિવેદનોનું ગંભીરતાથી વિશ્લેષણ કર્યું અને તથ્યોના આધારે આરોપીઓને નિર્દોષ જાહેર કર્યો હતો.