આણંદ: જીએસટી અધિકારીઓની કનડગત સામે ચરોતર તમાકુ વહેપારી એસો. દ્વારા રેલી, આવેદનપત્ર
ચરોતર તમાકુ વેપારી એસો. દ્વારા જીએટી અધિકારીઓની કનડગતના વિરોધમાં આજે આણંદમાં વિશાળ રેલી યોજીને કલેકટરને આવેદનપત્ર અપાયું હતું. રેલીમાં મોટી સંખ્યામાં વહેપારીઓ અને ખેડૂતો જોડાયા હતા. રેલી દરમ્યાન જીએસટી અધિકારીઓ દ્વારા નાની નાની બાબતોએ કરાતી ખોટી કનડગત બંધ કરાવવા સહિતની માંગ કરવામાં આવી હતી.
ચરોતર તમાકુ વેપારી એસો.ના પ્રમુખ પ્રદીપભાઇ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, તાજેતરમાં પેટલાદ ખાતે એસો.ની યોજાયેલ બેઠકમાં રપ૦થી વધુ વેપારી સભ્યો, ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં ચાલુ વર્ષ બજારમાં સારી માંગ હોવાથી તમાકુના ભાવ સારા રહ્યા હોવા સાથે આગામી વર્ષ વધુ સારા વેપારનો આશાવાદ વ્યકત કરવા સાથે ખેડૂતોને વધુ પોષણક્ષમ ભાવ મળે તે માટે સતત પ્રયત્નશીલ રહેવા વેપારીઓને અનુરોધ કરાયો હતો.
વધુમાં જણાવ્યું હતું કે, આ બેઠકમાં ચાલુ વર્ષ પુન: સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓ દ્વારા નાની બાબતો, ક્ષતિઓમાં વેપારીઓની કરાતી કનડગત અંગે ચર્ચા થઇ હતી. જેમાં ૧૧ સપ્ટે.ના રોજ આણંદ કલેકટરને આવેદનપત્ર આપવાનું સર્વસંમતિથી ઠરાવાયું હતું. જેના ભાગરુપે આજે વેપારીઓ, ખેડૂતોએ મોટી સંખ્યામાં રેલીમાં જોડાઇને જીએસટી તંત્રની ખોટી કનડગત સામે વિરોધ વ્યકત કર્યો હતો.