બિલોદરાની મહિલાએ વેચાણ દસ્તાવેજ બાદ જમીન નામે કરાવવા ના. કલેક્ટરની સહીવાળી ખોટી ખેડૂત ખરાઈ રજૂ કરતા ફરિયાદ
બિનખેતી જમીન કરાવવા જતા જમીન શાખા દ્વારા ખેડૂત ખરાઈના વેરિફિકેશનમાં ભાંડો ફૂટ્યો
નડિયાદ તાલુકાના બિલોદરામાં રહેતી એક મહિલાએ કંજોડા ગામમાં જમીન ખરીદ્યા બાદ આ જમીનમાં રેવન્યુ રેકોર્ડમાં એન્ટ્રી પડાવવા માટે પોતે ખેડૂત હોવાનો પૂરાવો એટલે કે ખેડૂત ખરાઈ બનાવટી મૂકી હોવાનું બહાર આવતા નડિયાદ ગ્રામ્ય મામલતદારે આ મહિલા પોલીસ વિરૂધ્ધ ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
મળતી માહિતી અનુસાર નડિયાદ તાલુકાના બિલોદરામાં આવેલા આસ્થા બંગલોઝમાં રહેતા નિશાબેન મંગળભાઈ ઝાલાએ નડિયાદ તાલુકાના કંજોડામાં આવેલ સર્વ નં. ૪૦૨વાળી જમીન ખેતીની હોય તેને બિનખેતી કરાવવા માટે જિલ્લા કલેક્ટર કચેરીમાં ગુજરાત જમીન મહેસૂલ અધિનિયમની ૧૮૭૯ કલમ ૬૫ હેઠળ અરજી કરી હતી. જો કે મહત્વની વાત એ છે કે આ અરજી કરતા પહેલાં તેમણે સર્વ નં. ૪૦૨વાળી જમીન વેચાણ દસ્તાવેજથી રાખી હતી. દસ્તાવેજ કર્યા બાદ આ જમીન રેવન્યુ રેકોર્ડમાં પોતાના નામે કરાવવા માટે નડિયાદ ગ્રામ્ય મામલતદારમાં કાર્યવાહી કરી હતી. ગ્રામ્ય મામલતદારમાં સર્વે નં. ૪૦૨વાળી જમીનમાં નિશાબેન કે જેઓ વેચાણ રાખનાર છે તેમના નામ પર કરાવવા માટે પ્રથમ કાચી વેચાણની ફેરફાર નોંધ નં. ૨૭૯૩ તા. ૧૩-૦૯-૨૦૨૧ના રોજ પડી હતી. જે નિયમ અનુસાર જે તે જગ્યા પર ખેતીલાયક જમીન રાખવામાં આવે અને જમીન રાખનાર તે તાલુકાનો ખેડૂત હોય તો તે તાલુકાની જમીન ધારકની સાત બારની નકલ ન મૂકે તો આ નકલના આધાર પર તે ખેડૂત ખાતેદાર છે તેની ખરાઈ સર્કલ ઓફિસર આવી નોંધ પ્રમાણિત કરે પરંતુ તાલુકા બહારના ખેડૂત હોય તો તેને નવા નિયમ મુજબ ફરજિયાતપણે કલેક્ટરની ખેડૂત ખરાઈ મૂકવી પડે. આવી ખેડૂત ખરાઈ મૂળ જમીન જે વિસ્તારમાં છે તે વિસ્તારના નાયબ કલેક્ટર પાસેથી મેળવવી પડે અને આવી ખેડૂત ખરાઈ રજુ કરે, બાદમાં જ તેની નોંધ પ્રમાણિક થાય તેવો નિયમમ છે. એટલે આ નિશાબેન ઝાલાએ પોતે કંજોડા સીમમાં ખરીદેલી જમીન પોતાના નામે કરવા માટે કરેલી કાર્યવાહીમાં નાયબ કલેક્ટર કપડવંજ દ્વારા ઈસ્યુ થયેલ ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર રજૂ કર્યુ હતું અને આ ખેડૂત ખરાઈ પ્રમાણપત્રના આધારે તેમની નોંધ પ્રમાણિત થઈ હતી એટલે કે કંજોડા સર્વ નં. ૪૦૨ની જમીનમાં નિશાબેન ઝાલાનું નામ રેકોર્ડ પર આવી ગયું હતું. ત્યારબાદ જમીનને બિનખેતી કરાવવા માટે તેમણે જિલ્લા કલેક્ટરમાં અરજી કરી હતી.
જિલ્લા કલેક્ટરની જમીન શાખા દ્વારા બિનખેતીની અરજીની કાર્યવાહી દરમ્યાન નિશાબેન ઝાલાએ રજૂ કરેલી ખેડૂત ખરાઈ બાબતે વેરિફિકેશન હાથ ધર્યું હતું.
આ વેરિફિકેશનમાં નિશાબેન ઝાલાએ રજૂ કરેલી ખેડૂત ખરાઈ નકલી હોવાનું બહાર આવ્યું હતું. કલેક્ટર કચેરીની જમીન શાખા દ્વારા નાયબ કલેક્ટર કપડવંજનો લેખિત અહેવાલ માંગતા નાયબ કલેક્ટર કપડવંજ દ્વારા આવી કોઈ ખેડૂત ખરાઈ નિશાબેન મંગળજી ઝાલાને ઈસ્યુ નહીં કરેલ હોવાનું જણાવ્યું હતુ.આ તમામ બાબતો જોતા નિશાબેન ઝાલાએ રજૂ કરેલી ખેડૂત ખરાઈ પ્રમાણપત્ર બનાવટી હોવાનું જણાઈ આવ્યું હતું. આ બાબતે નડિયાદ ગ્રામ્ય મામલતદાર પારૂલબેન મિનેશભાઈ શાહે નડિયાદ ગ્રામ્ય પોલીસમાં નિશાબેન મંગળજી ઝાલા વિરૂદ્ઘ બનાવતી ખેડૂત ખરાઈ મૂકીને કંજોડાની જમીન પોતાના નામે કરી લીધી હોવા બાબતની ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.