૧૦ વર્ષ ચુકાદો : આસોદરમાં બોર્ડ મૂકવાના ઝઘડામાં દંડા, ધારીયા સળિયાથી હૂમલાના કેસમાં ૩ વ્યકિતને ૩ વર્ષની સખ્ત કેદ
એક આરોપીને એક વર્ષની સાદી કેદ, ચારેય આરોપીઓને રૂ.૧૦-૧૦ હજાર દંડ
આંકલાવ તાલુકાના આસોદર-વાસદ રોડ પરના લ-મીપુરા વળાંકમા બોર્ડ મૂકવા મામલે રપ ઓગસ્ટ,ર૦૧૩ના રોજ બે ભાઇઓ પણ ચાર ઇસમોએ લાકડી, ધારિયા, દંડા વડે હૂમલો કરીને ઇજા પહોંચાડી હતી. આ મામલે આંકલાવ પોલીસે ઇપીકો કલમ ૩ર૩, ૩ર૪, ૩ર૬, પ૦૪, પ૦૬(ર) અને ૧૧૪ મુજબ ગૂનો દાખલ કર્યો હતો. આ મામલાનો કેસ આંકલાવ કોર્ટમાં ચાલ્યો હતો. જેમાં ગતરોજ કોર્ટે ૩ આરોપીઓને ૩ વર્ષની સખ્ત કેદ અને ૧ આરોપીને ૧ વર્ષની કેદ તથા તમામ ચારેય આરોપીઓને રૂ.૧૦-૧૦ હજાર દંડનો હૂકમ કર્યો હતો.
મળતી વિગતોમાં આસોદર તાબેના લ-મીપુરામાં રહેતા બે ભાઇઓ અશોકભાઇ સોલંકી અને વિજયભાઇ સોલંકી આસોદર ચોકડીએ લારી અને પાનબીડીનો ગલ્લો ધરાવે છે. ગત ર૪ ઓગસ્ટ,ર૦૧૩ના રોજ રાત્રે આઠેક વાગ્યાના સુમારે તેઓ વ્યવસાય બંધ કરીને ઘરે પરત આવતા હતા. ત્યારે આસોદર-વાસદ રોડ પરના લ-મીપુરાના વળાંક પરના સાઇડ તથા વળાંક દર્શાવતા નવા બોર્ડ કેમ લઇ ગયા છો તેમ કહેતા દિનેશભાઇ સોલંકી, ચીમનભાઇ સોલંકી, અજયભાઇ સોલંકી અને કીરીટભાઇ સોલંકીએ ઝઘડો કર્યો હતો. જેની રીસ રાખીને બીજા દિવસે રાત્રે આઠેક વાગ્યાના સુમારે ચારેય વ્યકિતઓએ ભેગા થઇને બંને ભાઇઓ પર લાકડી, ધારીયા અને લોખંડના સળિયાથી હૂમલો કર્યો હતો.
દરમ્યાન ચંદુભાઇ રામાભાઇ સોલંકી બંને દિકરાઓને બચાવવા માટે વચ્ચે પડતા તેઓને પણ ધારીયું વાગ્યું હતું. ઇજાગ્રસ્તોને સારવાર માટે કરમસદના દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જો કે અશોકભાઇને વધુ ઇજા હોવાથી ર૭ દિવસ સારવાર બાદ વધુ સારવાર માટે વડોદરા સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આંકલાવ પોલીસે આ મામલે છ વ્યકિતઓ સામે ગૂનો દાખલ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.
આ કેસમાં કોર્ટમાં મૌખિક-દસ્તાવેજી પુરાવા,પંચનામું, સારવારના સર્ટિફિકેટ, નિવેદન, દલીલો રજૂ કરાયા હતા. કોર્ટે નોંધ્યું હતું કે, ચાર આરોપીઓની કસૂરના કારણે નિર્દોષ ફરિયાદીને ફોજદારી કાર્યવાહીમાં ઉતરવું પડયું છે અને ફરિયાદીને સ્વાભાવિક રીતે આરોપીઓની ગુનાહિતતાના કારણે માનસિક વ્યથામાંથી પસાર થવાની ફરજ આવશ્યક જણાય છે. સીઆરપીસીની કલમ ૩પ૭(૩) મુજબ આરોપીઓને કરવામાં આવતા દંડમાંથી ફરિયાદીને વળતર ચૂકવવાનો હૂકમ કરવાનું વ્યાજબી જણાઇ આવતું હોય ન્યાયના વિશાળ હિતમાં કોર્ટ દ્વારા હૂકમ કરાયો
હતો.
જેમાં ન્યાયાધીશ ડો.અભિનવ મુદ્દગલ (જયુડી.મેજી. ફ. ક., આંકલાવ)એ ગતરોજ હુકમ કર્યો હતો. જેમાં આરોપી દિનેશભાઇ કાભઇભાઇ સોલંકી, ચીમનભાઇ માનાભાઇ સોલંકી અને અજયભાઇ ભાઇલાલભાઇ સોલંકીને ક્રિ.પ્રો.કોડની કલમ ર૪૮(ર) અન્વયે ઇપીકો કલમ ૩ર૬ સાથે વાંચતા કલમ ૧૧૪ અન્વયેના ગુના સબબ તકસીરવાન ઠરાવી ત્રણ વર્ષની સખ્ત કેદની સજા અને દરેક આરોપીને રૂ.૧૦-૧૦ હજાર દંડ ભરવા હૂકમ કર્યો હતો. દંડ ભરવામાં કસૂર કરે તો વધુ છ માસની સજા ભોગવવાનો હૂકમ કર્યો હતો.
વધુમાં આરોપી કિરીટભાઇ રમેશભાઇ સોલંકીને ક્રિ.પ્રો.કોડની કલમ ર૪૮(ર) અન્વયે ઇપીકો કલમ ૩ર૩ સાથે વાંચતા કલમ ૧૧૪ અન્વયેના ગુના સબબ તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી
કેદની સજા અને રૂ.૧૦ હજાર દંડ, દંડ ભરવામાં કસૂર કરે તો વધુ ૩ માસની સજા ભોગવવાનો હૂકમ કર્યો હતો.
આરોપીઓએ ભરેલ દંડની
રકમ ફરિયાદી ચંદુભાઇ રામાભાઇને સીઆરપીસીની કલમ ૩પ૭(૩) મુજબ રૂ.૪૦ હજાર વળતરપેટે ચૂકવવાનો પણ કોર્ટે હૂકમ કર્યો હતો.