આણંદ : ૩.૨૨ કરોડની છેતરપીંડીમાં પકડાયેલા વિવેકસાગર સ્વામીની જામીન અરજી નામંજુર
આરોપીની પ્રથમદર્શનીય સંડોવણી હોવાનું બહાર આવતાં જામીન પર મુક્ત કરવા હિતાવહ નથી : કોર્ટ
આણંદના બીલ્ડર અને તેમના ભાગીદારોને કચ્છ જિલ્લાના અબડાસા તાલુકાના રેવા ગામની ૧૬૪ એકર જમીન બતાવીને ૩,૨૨,૭૦,૦૦૦ રૂપિયાની છેતરપીંડી કરવાના ગુનામાં પકડાયેલા કોઠારી વિવેકસાગર દાસ પ્રેમવતી નંદનદાસજી સ્વામી (રે. સુરત)ની જામીન અરજી આણંદની સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ચીખોદરાના પ્રિયદર્શન સ્વામી,રાજકોટના વિક્રમસિંહ ડાભી, વિવેકસાગર દાસ સ્વામી સહિત અન્યોએ સને ૨૦૨૨માં આણંદના બીલ્ડરને કચ્છના રેવા ગામની ૧૬૪ એકર જમીન બતાવીને તે જમીન એકરે ૭.૧૧ લાખના ભાવે ખરીદી કરવાની અને તે જમીન તેઓ દ્વારા મંદિર બનાવવા માટે ૧૧.૪૩ના ભાવે ખરીદી લેવાની લાલચ આપીને ૩.૨૨ કરોડ ઉપરાંતની ઠગાઈ કરવામાં આવી હતી. જે સદર્ભે શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી પાનોલી સ્થિત માધવાનંદ આશ્રમમાંથી આ કેસમાં સંડોવાયેલા કોઠારી વિવેકસાગર સ્વામી પ્રેમવતી નંદનદાસજી સ્વામી (રે. સુરત)ની ધરપકડ કરી હતી અને બે દિવસના રીમાન્ડ મેળવી તપાસ હાથ ઘરી હતી. રીમાન્ડ દરમ્યાન પોલીસ એકપણ રૂપિયો રીકવર કરી શકી નહોતી. દરમ્યાન રીમાન્ડ પુરા થતાં જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા.જેથી વિવેકસાગર સ્વામીએ આણંદની સેશન્સ કોર્ટમાં જામીન પર છુટવા માટે પોતાના વકિલ મારફતે અરજી દાખલ કરી હતી.
જેની સુનાવણી પાંચમા એડીશ્નલ સેશન્સ જજની કોર્ટમાં યોજાઈ જતા મદદનીશ સરકારી વકિલ એ. કે. પંડ્યાની દલિલો અને ગુનાની ગંભીરતાને ધ્યાનમા રાખીને જજ એસ. કે. વ્યાસે જામીન અરજી નામંજુર કરી હતી. ચુકાદામાં જણાવ્યું હતુ કે, જમીનના સોદાની શરૂઆત થઈ ત્યારથી એટલે કે સને ૨૦૨૨થી હાલના અરજદાર આરોપી ફરિયાદીના સંપર્કમાં હોવાનું અને જમીન વધુ રકમમાં તેઓ ખરીદી લેશે તેવી વાત ફરિયાદીને કરેલ હતી. સાથે ડાકોર તેમજ સુરત જુનાગઢ ખાતે અવાર-નવાર ફરિયાદીને મળેલાની હકિકતો પણ ઉજાગર થઈ છે. પોલીસ તપાસના કાગળો ધ્યાને લેતા અરજદાર આરોપીની પ્રથમદર્શનીય સંડોવણી હોવાનું ફલિત થાય છે અને આ ગંભીર પ્રકારના ગુનાની તપાસ ચાલી રહી હોય ત્યારે જામીન પર મુક્ત કરવા હિતાવહ નથી. જેથી જામીન અરજી નામંજુર કરવામાં આવે છે.