ગળતેશ્વરના તરધૈયા સીમની કેનાલમાં લોડીંગ ગાડી પડતા ચાલકનું મોત, શ્રમિકનો બચાવ
ટોલટેક્સ બચાવવા ચાલકે લોડીંગ ગાડીને ગોધરાથી મહિકેનાલવાળા રસ્તા હંકારતા સર્જાયેલો અકસ્માત
ગળતેશ્વરના તરધૈયા ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં એક લોડીંગ ગાડી ખાબકતા કેનાલના પાણીમાં ડૂબી જવાથી ચાલકનું મૃત્યુ નિપજ્યું હતુ. જ્યારે બાજુમાં બેઠેલ શ્રમિક દરવાજામાંથી બહાર નીકળી તરીને બહાર આવી જતા આબાદ બચાવ થયો છે.
મળતી માહિતી મુજબ ભરૂચના મોટા ડભોઈ વાડામાં રહેતા ગુલામહુસેન અબ્દુલરહીમ બેરાવાલા પોતાની લોડીંગ ગાડી નંબર-જીજે-૧૬, એડબલ્યુ-૬૧૬૩ ગઈકાલે મધરાતના વડોદરાના વાઘોડિયામાં આવેલ મહાલ-મી સ્ટીલ ફર્નિચરમાંથી ભરેલા માલ સામાન દાહોદ ઉતારવા નીકળ્યા હતા.માલ સામાન ઉતારવા માટે લોડીંગ ગાડીમાં મહાલ-મી સ્ટીલ ફર્નિચરમાં મજૂરી કામ કરતા તેમનો મિત્ર શિવાકુમાર ભોલાભાઈ બારી (ઉ. વ. ૨૩,રે. મૂળ યુપી)નો બેઠો હતો. બંને લોડીંગ વાહન ભરેલ માલ સમાન દાહોદની એક દુકાનમાં ઉતારી બીજા દિવસ બપોરના સમયે પરત વાઘોડિયા જતા હતા. ત્યારે ટોલટેકસ બચાવવા માટે ચાલક ગુલામહુસેન પોતાની લોડીંગ ગાડી ગોધરા થઈ મહિ કેનાલના રસ્તે હંકારી હતી.
દરમિયાન લોડીંગ ગાડી બપોરના ચારેક વાગ્યાના સુમારે ગળતેશ્વરના તરધૈયા ગામની સીમમા આવેલ મહિ કેનાલના રસ્તે પસાર થતી નથી ત્યારે ચાલક ગુલામહુસેને સ્ટેરીંગ ઉપરનો કાબુ ગુમાવતા લોડીંગ ગાડી મહિ કેનાલના પાણીમાં ખાબકી હતી અને કેનાલના ધમમસતા પાણીમાં તણાવવા લાગી હતી.
દરમિયાન ચાલકની બાજુની સીટમાં બેઠેલ શીવાકુમાર બોરી ગાડીના દરવાજાની બારીમાંથી બહાર નીકળી તરીને કેનાલના રસ્તા પર આવી ગયો હતો અને બૂમાબુમ કરતા ગ્રામજનો દોડી આવ્યા હતા અને સ્થાનિક તરવૈયાઓ કેનાલ પડ્યા હતા.
તેમણે પાણીમાં ખાબકેલ લોડીંગ ગાડીમાંથી ગુલામ હુસેનનો મૃતદેહ બહાર કાઢવાની સાથે ગાડી પણ બહાર કાઢી હતી. દરમિયાન જાણના પગલે ત્યાં દોડી આવેલ પોલીસે ચાલકનું મૃતદેહ બહાર કાઢી કાર્યવાહી હાથ ધરી હતી.